શર્મા, અરુણ (. 1 ફેબ્રુઆરી 1931, દિબ્રુગઢ, આસામ) : આસામી નાટ્યકાર. ગુવાહાટીની કૉટન કૉલેજમાંથી સ્નાતક થયા. પછી બે-એક વર્ષ તેમણે માધ્યામિક શાળામાં નોકરી કરી. તેમના પિતાએ તેમની નાટ્યવિષયક શક્તિઓને ઉત્તેજન આપ્યું. શિક્ષકની કારકિર્દી પછી તેઓ ઑલ ઇન્ડિયા રેડિયોના ગુવાહાટી કેન્દ્રમાં જોડાયા. તેની નૉર્થ ઈસ્ટર્ન સર્વિસના નિયામક તરીકે નિવૃત્ત થયા. તેમણે ‘આસામ ટ્રિબ્યૂન’ના સહતંત્રી તરીકે તથા ‘પૂર્વાંચલ’(હિ. સાપ્તાહિક)ના તંત્રી તરીકે સેવા આપી. ઇન્ડિયન ટી ઍસોસિયેશનના ઇન્ફર્મેશન સેન્ટરના નિયામક તરીકે તેમણે કામગીરી બજાવી.

અરુણ શર્મા

તેમને મળેલાં સન્માન આ પ્રમાણે છે : ઉત્તમ નાટ્યકાર તરીકેનો આસામ સાહિત્ય સભા ઍવૉર્ડ 1966, 1967; રેડિયો ડૉક્યુમેન્ટરી માટેનું જાપાન પ્રાઇઝ ઇન્ટરનૅશનલ તથા અબુ ઍવૉર્ડ, પ્રિક્સ ફ્યુચરા (બર્લિન) ઍવૉર્ડ, નાટક માટે આકાશવાણી ઍવૉર્ડ, કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ 1998 વગેરે.

તેમનાં પ્રકાશનોમાં ‘શ્રી નિવારણ ભટ્ટાચાર્ય’ (1967), ‘આહર’ (1980), ‘પુરુષ ! ચિન્યાર’ (1984), ‘કુકુર નેચિયા માનુષ’ (1987), ‘અન્ય એક અધ્યાય’ (એ તમામ નાટકો); ‘ઉભલા શિપ’ (1979) અને ‘આશિરવાદર રંગ’ (1986) (એ બંને નવલકથાઓ)નો સમાવેશ થાય છે. એ ઉપરાંત બંગાળીમાંથી નાટકો તથા નવલકથાઓનું ભાષાંતર પણ કર્યું છે. 42 જેટલાં મુખ્ય રેડિયો-નાટકો તથા ટેલી ફિલ્મ અને ટેલી નાટક માટે તેમણે પટકથાઓ લખી.

તેમણે બેકેટ તથા આયોનેસ્કોએ પ્રચલિત કરેલી ઍબ્સર્ડ નાટ્યશૈલીનો પ્રસંગોપાત્ત પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત તેમના નાટ્યલેખનમાં બાદલ સરકારનો પણ પ્રભાવ છે. 1969માં તેમણે રંગભૂમિ તથા નાટ્યનિર્માણના અદ્યતન પ્રવાહોના અભ્યાસ માટે યુ. કે.નો પ્રવાસ કર્યો હતો.

મહેશ ચોકસી