શર્મા, અરુણકુમાર (. 31 ડિસેમ્બર 1924, કોલકાતા) : ભારતના સુપ્રસિદ્ધ કોષ-જનીનવિજ્ઞાની (cytogenetisist). તેઓ સી. સી. શર્માના પુત્ર છે. તેમણે 1943માં બી.એસસી., 1945માં એમ. એસસી. અને 1955માં ડી. એસસી., કોલકાતા યુનિવર્સિટીની ઉપાધિઓ પ્રાપ્ત કરી હતી.

અરુણકુમાર શર્મા

તેમણે 1947માં વનસ્પતિવિજ્ઞાન-વિભાગ, કોલકાતા યુનિવર્સિટીના વ્યાખ્યાતા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો; 1976-88 સુધી સર રાસબિહારી સેન્ટર ઑવ્ એડવાન્સ્ડ સ્ટડી ઑન સેલ ઍન્ડ ક્રોમોઝોમ રિસર્ચમાં પ્રાધ્યાપક અને નિયામક તરીકે સેવાઓ આપી; અને 1985થી 1990 સુધી ગોલ્ડન જ્યૂબિલી રિસર્ચ, ઇંડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીના પ્રાધ્યાપક રહ્યા.

તેમણે 1983-84 દરમિયાન ઇંડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીનું અધ્યક્ષપદ શોભાવ્યું હતું. તેઓ ઇંડિયન એકૅડેમી ઑવ્ સાયંસિઝ અને તૃતીય વર્લ્ડ એકૅડેમી ઑવ્ સાયંસિઝના ફેલો-પદે રહ્યા હતા. તેમણે 1976-78 ઇંડિયન સાયન્સ ન્યૂઝ ઍસોસિયેશન અને બાયોલૉજિકલ સોસાયટી ઑવ્ સાયટોલૉજિસ્ટ્સ અને જેનેટિસિસ્ટ્સના મંત્રી; 1977માં બૉટેનિકલ સોસાયટી ઑવ્ બૅંગાલના અધ્યક્ષ; 1973 અને 1981માં ઇંડિયન સાયન્સ કૉંગ્રેસ ઍસોસિયેશનના અધ્યક્ષ; 1982માં એડ્વાઇઝરી કમિટી, બૉટેનિકલ સર્વે ઑવ્ ઇંડિયાના અધ્યક્ષ અને 1980-1983 દરમિયાન બાયૉલૉજિકલ રિસર્ચ કમિટી, CSIRના અધ્યક્ષ તરીકે સેવાઓ આપી હતી.

તેમણે 1967માં શાંતિસ્વરૂપ ભટનાગર પારિતોષિક; 1972માં જવાહરલાલ નહેરુ ફેલોશિપ; 1972માં પૉલ-બૃહ્લ મેમૉરિયલ ચંદ્રક; 1974માં બીરબલ સાહની સુવર્ણચંદ્રક, ઇંડિયન બૉટેનિકલ સોસાયટી; 1976માં પ્રા. અર્ચના શર્મા સાથે લાઇફ સાયંસિઝમાં પ્રથમ જે. સી. બોઝ પારિતોષિક; 1976માં સિલ્વર જ્યૂબિલી ચંદ્રક, ઇંડિયન નૅશનલ સાયંસિઝ એકૅડેમી; 1979માં FLCCI ઍવૉર્ડ; 1983માં ‘પદ્મભૂષણ’; 1992માં ઓ. પી. ભાસિન પારિતોષિક; 1994માં જી. એમ. મોદી પારિતોષિક; 1994માં જે. સી. બોઝ મેમૉરિયલ પારિતોષિક; 1995માં સર આશુતોષ મુખરજી પારિતોષિક અને 1998માં મેઘનાદ સહા ચંદ્રક પ્રાપ્ત કર્યાં હતાં.

તેમણે ભારતમાં કોષ-જનીનવિજ્ઞાન અને કોષવિજ્ઞાનના સંશોધનક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે. તેમણે રંગસૂત્ર તકનીકીઓ વિશે સંશોધનો કર્યાં છે. તેમનાં 400થી વધારે સંશોધનપત્રો અને યુનિવર્સિટી-કક્ષાના અભ્યાસક્રમને લગતાં કેટલાંક પાઠ્યપુસ્તકો પ્રકાશિત થયાં છે. તે પૈકી ‘ક્રોમોઝોમ ટેક્નિક્સ : થિયરી ઍન્ડ પ્રૅક્ટિસ’ (અર્ચના શર્મા સાથે લખાયેલું) અને ‘ક્રમોઝોમ ઇન ઇવૉલ્યુશન ઑવ્ યુકેયૉર્ટિક ગ્રૂપ્સ’(ભાગ – I અને II)એ પુસ્તકોની કેટલીક આવૃત્તિઓ થઈ છે.

બળદેવભાઈ પટેલ