શરિયત : ઇસ્લામ ધર્મ મુજબની જીવનપદ્ધતિના નિયમોનું લખાણ. ઇસ્લામ ધર્મમાં દીન અથવા ઇસ્લામી જીવનપદ્ધતિને શરિયત કહેવામાં આવે છે, જે અલ્લાએ પોતાના બંદાઓ માટે નક્કી કરી હોય અને જેનો અમલ કરવા માટે હુકમ કર્યો હોય. દા.ત., નમાઝ, રોઝા, હજ, જકાત તથા અન્ય ધાર્મિક કાર્યો. શરિયત એવો રસ્તો છે જેની ઉપર પયગંબરસાહેબે પોેતે ચાલીને પછી તે સૌને ચીંધી બતાવ્યો છે. શરિયત, સાંસારિક અને અલૌકિક બંને ક્ષેત્રોમાં સફળતાસૂચક હોય છે. શરિયતના નિયમો કુરાન અને હદીસ બંને ઉપર આધારિત હોય છે. કુરાનમાં શરિયતના પાયાના સિદ્ધાંતો દર્શાવવામાં આવ્યા છે. જ્યારે પયગંબરસાહેબ તેમના અમલની પદ્ધતિ સૂચવે છે. શરિયતને માનવી માટે જીવન જીવવાનો સીધો અને સુરક્ષિત માર્ગ ગણવામાં આવે છે, જેની ઉપર ચાલનાર બંને લોકની ભલાઈ પ્રાપ્ત કરે છે. શરિયતની આધુનિક વ્યાખ્યા પ્રમાણે કુરાન, સુન્નત, ઉમ્મતની સંમતિ અને ક્યાસ(અનુમાન)નો આધાર લઈને જે કાયદો ઘડવામાં આવે તે શરિયત. શરિયતનો કાયદો, ઈશ્વરી કાયદો હોઈ તેમાં પાયાનો કોઈ ફેરફાર થઈ શકે નહિ. તે સમગ્ર ઇસ્લામધર્મીઓ માટે બધા સમય અને બધાં સ્થળો માટે સમાન હોય છે. શરિયત તેના માનનારાઓના જન્મથી લઈને મૃત્યુ સુધીના સમગ્ર જીવનકાળને આવરી લે છે. ઇસ્લામી શરિયતના ત્રણ મુખ્ય ભાગ છે : ઇબાદત (ઈશ્વરી આજ્ઞાઓનું પાલન કરવું); મઆમ્લાત (માનવ-વ્યવહાર) અને કરેલા કર્મનું પરિણામ.
ઇસ્લામી શરિયતના ઉદ્ભવ તથા વિકાસને જુદા જુદા તબક્કાઓમાં વહેંચવામાં આવે છે. પહેલો તબક્કો ઈ. સ. 610થી 632નો સમય છે; જ્યારે પયગંબરસાહેબે કુરાન, પોતાની સુન્નત અને પોતાના પ્રયત્ન(ઈજિતહાદ)નો ઉપયોગ કર્યો હતો. આ સમય દરમિયાન ઇસ્લામી શરિયતના પાયાના સિદ્ધાંતો નક્કી થયા હતા.
બીજો તબક્કો : ઈ. સ. 632થી 661નો સમય છે. જ્યારે પ્રથમ ચાર ખલીફાઓ(ખુલ્ફાએ રાશિદીન)એ કુરાન તથા હદીસ ઉપરાંત સંમતિ અને ક્યાસનો આધાર લઈને શરિયતનો વ્યાપક વિકાસ કર્યો હતો.
ત્રીજો તબક્કો : ઈ. સ. 661થી 750નો બનૂ ઉમૈય્યાની ખિલાફતનો સમય છે, જેમાં કાયદાઓને સ્પષ્ટ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
ચોથો તબક્કો : ઈ. સ. 750થી 1000નો અબ્બાસી ખિલાફતનો સમય છે, જેમાં શરિયતના કાયદાઓને નિશ્ચિત સ્વરૂપ આપવામાં આવ્યું. આ કાળમાં શરિયતનાં જુદાં જુદાં સ્વરૂપો ઘડાયાં; દા.ત., સુન્ની મુસ્લિમોમાં હનફી, માલિકી, શાફિઈ તથા હંબલી અને શિયા મુસ્લિમોમાં ઇસ્માઇલી, જાફરી, નઝારી વગેરે.
પાંચમો તબક્કો : ઈ. સ. 1000થી 1300નો સમય છે, જેમાં વિકાસ સ્થગિત થઈ ગયો અને ઇસ્લામી ધર્મગુરુઓની પ્રવૃત્તિઓ પેટા-નિયમોની ચર્ચાઓ સુધી મર્યાદિત થઈ ગઈ.
છઠ્ઠો તબક્કો : ઈ. સ.ના ચૌદમા સૈકાથી અત્યાર સુધીનો (21મી સદી) સમય છે; જે શરિયતના નિયમોના વિસ્તૃતીકરણ અને સાથે સાથે અમલીકરણ માટે મહત્વ ધરાવે છે. આ તબક્કાના શરૂઆતના કાળમાં વિશ્વના મુસ્લિમ પ્રદેશો સ્વતંત્ર હતા અને તે બધા પ્રદેશોમાં શરઈ અદાલતો અસ્તિત્વ ધરાવતી હતી. આ અદાલતો શરિયતના કાયદાઓનું અર્થઘટન કરતી હતી અને મુસ્લિમ સમાજમાં આવી અદાલતોના ચુકાદાઓ ઉપર અમલ થતો હતો. પરંતુ ઓગણીસમા સૈકામાં યુરોપના દેશોએ એશિયા તથા આફ્રિકાના લોકોને ગુલામ બનાવી, મુસ્લિમ દેશોમાંથી શરઈ અદાલતો નાબૂદ કરી તથા પોતાના કાયદાઓ લાગુ પાડ્યા. ત્યારપછીના સમયમાં શરિયતના કાયદાઓના વિકાસમાં સ્થગિતતા આવી અને અમલીકરણ પણ બંધ પડી ગયું. આ સમય દરમિયાન અરબસ્તાનમાં મુહમ્મદ બિન અબ્દુલવહાબ, હિન્દમાં શાહ વલીઉલ્લા દહેલવી અને મિસરમાં શેખ મુહમ્મદ અબ્દૂહએ શરિયતના કાયદાઓની સુધારણા તથા નવરચના માટે પ્રશંસનીય કાર્યો કર્યાં હતાં. વીસમા સૈકામાં સાર્વભૌમત્વ પ્રાપ્ત થયા પછી મુસ્લિમ દેશોમાં શરઈ કાયદાઓમાં સુધારાને વેગ મળ્યો છે. ભારતમાં જુદા જુદા ફિરકાઓના મુસ્લિમોએ ભેગા મળીને મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડની રચનાની પ્રશંસનીય કામગીરી બજાવી છે અને જ્યાં રાજ્ય દખલ દઈ શકતું નથી ત્યાં આ બૉર્ડ કાર્ય કરે છે. વળી કેટલાંક રાજ્યોમાં શરઈ અદાલતો પણ સ્થાપવામાં આવી છે; જે અનૌપચારિક રીતે મુસ્લિમોને શરિયતની બાબતમાં માર્ગદર્શન પૂરું પાડે છે. ભારત સિવાય કેટલાક અરબ દેશો (મિસર, જૉર્ડન, સાઉદી અરબસ્તાન) અને ઈરાન, પાકિસ્તાન, બંગલાદેશ, મલેશિયા, ઇંડોનેશિયા વગેરેમાં શરિયતની જોગવાઈઓમાં, સમય તથા જરૂરત અનુસાર સુધારાવધારાની પ્રવૃત્તિ સતત ચાલુ રહી છે. કેટલાક મુસ્લિમ દેશોનાં રાજ્ય-બંધારણોને પણ શરિયતને અધીન બનાવવામાં આવ્યાં છે.
ઇસ્લામી શરિયતના બે મુખ્ય ભાગ પડી ગયા છે : એક સુન્ની અને બીજો શિયા. સુન્ની ફિરકાના લોકો ઉપર જણાવ્યા પ્રમાણે કુરાન, હદીસ તથા સહાબાઓની સંમતિને આધાર બનાવે છે. જ્યારે શિયા લોકો કુરાન ઉપરાંત અને કુરાનથી પણ વધુ બાર ઇમામોનાં વચનોનો આધાર લઈને શરિયતના કાયદાઓ બનાવે છે. વળી શિયાઓના જુદા જુદા પેટાવિભાગોના હાજર ઇમામ પોતાની મરજીથી પણ શરિયતમાં ફેરફાર કરી શકે છે. દા.ત., પાંચ વખતની નમાજ બધા મુસલમાનોની શરિયતમાં ફરજિયાત છે. પરંતુ ઇસ્માઇલી ફિરકાના આગાખાને પોતાના અનુયાયીઓ માટે નમાજ મોકૂફ કરી દીધી છે. સુન્ની શરિયતમાં આવા ફેરફારનો કોઈને અધિકાર હોતો નથી. સુન્ની તથા શિયા મુસલમાનોમાં ઉદ્ભવેલા જુદા જુદા પેટા વિભાગો દા.ત., એહલે હદીસ, વહાબી, બરેલવી, એહમદિયા, નઝારી વગેરેમાં શરિયતના કાયદાની કેટલીક વિગતોમાં ફેરફાર થયેલો જોવા મળે છે. તેમ છતાં એેકેશ્વરવાદમાં શ્રદ્ધા, અલ્લાહની બંદગી, કૌટુંબિક જીવન, વારસાની વહેંચણી, હજ તથા જકાત જેવી બાબતોમાં શરિયતનો કાયદો અકબંધ રહી શક્યો છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી