શરાફ : ભારતની મૂળ પદ્ધતિ પ્રમાણે થાપણો સ્વીકારનાર અને ધિરાણ કરનાર નાણાવટી. પાશ્ર્ચાત્ય પદ્ધતિ પ્રમાણે સાંપ્રત સમયમાં કામ કરતી વ્યાપારી બૅન્કો ઓગણીસમી શતાબ્દીથી ભારતમાં શરૂ થઈ; પરંતુ તે અગાઉ પણ ભારતમાં સ્વદેશી પદ્ધતિ મુજબ કૌટુંબિક અને વ્યક્તિગત ધોરણે નાણાં ધીરવાની વ્યવસ્થા અસ્તિત્વ ધરાવતી હતી. હાલમાં દેશના જુદા જુદા ભાગોમાં નાણાવટીઓ શરાફીનો ધંધો ‘શરાફ’, ‘શેઠ’, ‘શાહુકાર’, ‘મહાજન’, ‘ચેટ્ટી’ વગેરે નામોથી ચલાવે છે. તેઓના ધંધાનું કદ નાની અને સામાન્ય ધીરધારીથી માંડીને વિશાળ અને વિશિષ્ટ શરાફી પેઢી સુધીનું હોય છે. શરાફો ત્રણ પ્રકારના હોય છે : (1) ફક્ત શરાફી ધંધો કરનાર, (2) શરાફી ધંધા સાથે દલાલી તથા વ્યાજવટાવ કરનાર અને (3) મુખ્યત્વે વેપાર અને દલાલી કરનાર પરંતુ સાથોસાથ ઓછાવત્તા પ્રમાણમાં શરાફી ધંધો કરનાર. આમ ત્રણેય પ્રકારમાંથી મોટાભાગના શરાફો બીજા પ્રકારના હોય છે. તેમનો ધંધો કૌટુંબિક સ્વરૂપનો હોવાથી તેઓ પોતાની મૂડી વડે જ ધંધો કરે છે અને વ્યાપારી બૅન્કોની જેમ થાપણો સ્વીકારતા નથી જોકે કોઈક વાર અપવાદ તરીકે તેઓ સગાંવહાલાં અને મિત્રોની થાપણ સ્વીકારે છે; તેઓ સામાન્ય સોનું, ઝવેરાત, જમીન, વચનચિઠ્ઠી અને હૂંડી જેવી જામીનગીરીઓ ઉપર અને કેટલીક વાર અંગત શાખ ઉપર ધિરાણ આપે છે. આ ઉપરાંત તેઓ પ્રેષિત ભરણાં (remittances)ની લે-વેચ અને હૂંડીવટાવ દ્વારા ગામડાંમાંથી વેપારી કેન્દ્રો અને બંદરો સુધી મોકલવામાં આવતા પાક માટે નાણાંનો પુરવઠો પૂરો પાડે છે.
શરાફી ધંધામાં કેટલીક ઊણપો જોવામાં આવી છે; જેવી કે : (1) શરાફો સંગઠિત ન હોવાથી વ્યાપારી બૅન્કો સાથે તેમના સંબંધો નહિવત્ હોય છે; (2) તેઓ વેપાર અને શરાફી ધંધો સાથોસાથ કરતા હોવાથી વેપારનાં જોખમોની શરાફી ધંધા ઉપર પ્રતિકૂળ અસર પડે છે; (3) તેઓ લાંબા ગાળા અને ટૂંકા ગાળાનાં ધિરાણ અને ધિરાણ મેળવનારના ભિન્ન ભિન્ન ઉદ્દેશો અંગે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખતા નથી અને (4) પ્રમાણ બહારના દરે તેઓ વ્યાજ વસૂલ કરે છે જેને પઠાણી વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. વળી નાણાં ચૂકવનારને કાયદેસરની રસીદ આપતા નથી તેમજ દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ વિશ્વાસપાત્ર અને વ્યવસ્થિત હિસાબકિતાબ રાખતા નથી. આ પ્રકારની ઊણપોને લીધે તથા ભારતીય સ્ટેટ બૅન્ક, રાષ્ટ્રીયકૃત બૅન્કો અને સહકારી બૅન્કોનો વ્યાપ વધવાથી તેમના ધંધામાં પડતી થવાની શક્યતાઓ વધી છે; પરંતુ બૅન્કિંગ કમિશને (1972) ખેડૂતોની મોટાભાગની જરૂરિયાતો અને ઉદ્યોગ-ધંધાની ઠીક ઠીક જરૂરિયાતો સંતોષતા શરાફોની ભૂમિકાનો સ્વીકાર કર્યો છે અને અભિપ્રાય આપ્યો છે કે જો શરાફો અને વ્યાપારી બૅન્કો વચ્ચે સમન્વય કરવામાં આવે તો શરાફોની આર્થિક શક્તિનો દેશની અર્થવ્યવસ્થાનો વિકાસ કરવા માટે સારી રીતે ઉપયોગ થઈ શકે છે.
જયંતિલાલ પો. જાની