શરાફતહુસેનખાં (જ. 30 જુલાઈ 1930, અત્રૌલી, જિલ્લો અલિગઢ, ઉત્તર પ્રદેશ; અ. 6 જુલાઈ 1985, નવી દિલ્હી) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. તેઓ અત્રૌલી-આગ્રા ઘરાનાના સંગીતકાર હતા. તેમના પિતા લિયાકતહુસેનખાંસાહેબ જાણીતા ગાયક હતા અને જયપુર રિયાસતના દરબારી ગાયક તરીકે ખ્યાતિ પામેલા.

શરાફતહુસેનખાં

માત્ર પાંચ વર્ષની ઉંમરે શરાફતહુસેનખાંએ પોતાની સંગીતસાધનાની શરૂઆત કરી હતી. પ્રારંભમાં તેમણે તેમના પિતા પાસેથી તાલીમ લેવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે ઉસ્તાદ ફૈયાઝખાંસાહેબ તથા ઉસ્તાદ અતાહુસેનખાંસાહેબ પાસેથી શાસ્ત્રીય સંગીતનું ઉચ્ચ કક્ષાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. સતત પંદર વર્ષ સુધી (1935 –50) તાલીમ મેળવ્યા બાદ તેમણે આમંત્રિત શ્રોતાઓની ઉપસ્થિતિમાં જાહેર કાર્યક્રમો આપવાની શરૂઆત કરી હતી, જોકે શિખાઉ ગાયક તરીકે તેમનો પ્રથમ કાર્યક્રમ આઠ વર્ષની ઉંમરે 1938માં કોલકાતા ખાતે ઑલ બૅંગાલ મ્યુઝિક સર્કલની નિશ્રામાં થયો હતો. અગિયાર વર્ષની વયે તેમણે 1941માં ગયા ખાતે આયોજિત અખિલ ભારતીય સંગીત સંમેલનમાં પોતાનું ગાયન રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આમ બાળપણથી જ એક સારા ગાયક તરીકે તેમણે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.

તેમણે ભારતમાં આયોજિત શાસ્ત્રીય સંગીત-સંમેલનોમાં તથા વિદેશોમાં પણ પોતાના કાર્યક્રમો રજૂ કર્યા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે