શરદ (ઋતુ) : દુનિયાના સામાન્ય સંદર્ભમાં ઉનાળા અને શિયાળા વચ્ચેની ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં તે અંતિમ સપ્ટેમ્બર, ઑક્ટોબર અને નવેમ્બર દરમિયાન પ્રવર્તે છે; પરંતુ આ ઋતુ ધ્રુવીય પ્રદેશમાં આટલા લાંબા ગાળા માટે પ્રવર્તતી નથી; ત્યાં અતિવિષમ ઠંડું હવામાન વહેલું શરૂ થઈ જતું હોય છે. અયનવૃત્તીય પ્રદેશોમાં ઋતુઓમાં ઝાઝો ફેરફાર જોવા મળતો નથી. દક્ષિણ ગોળાર્ધમાં શરદઋતુ માર્ચથી શરૂ થઈને જૂનના પ્રારંભ સુધી ચાલે છે.
કેટલાક દેશોમાં શરદઋતુને પાનખર પણ કહે છે. ઘણા કૃષિપાકો માટે આ ઋતુમાં લણણી થાય છે. શરદઋતુના પૂર્ણ થવાના સમય વખતે સરોવરો, જળાશયો અને નદીઓનાં જળની ઠરવાની ક્રિયા શરૂ થાય છે, પક્ષીઓ સ્થળાંતર કરવાનું શરૂ કરે છે તથા હિમપાતની શરૂઆત થાય છે.
અમેરિકામાં શરદઋતુને ‘પાત’ (પાનખર, Fall) તરીકે ઓળખવામાં આવે છે. મધ્ય અક્ષાંશોના વિસ્તારમાં તે અલગ અલગ રીતે ઘટાવાય છે. ઉત્તર ગોળાર્ધમાં તે 21-22 સપ્ટેમ્બરથી 21-22 ડિસેમ્બર સુધી પ્રવર્તે છે, તેમ છતાં તેનો સમયગાળો મોટેભાગે તો સપ્ટેમ્બરથી નવેમ્બરનો ગણાય છે; જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં તે 21-22 માર્ચથી 21-22 જૂન સુધી પ્રવર્તે છે. એ રીતે તેનો સમયગાળો મોટેભાગે ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલનો ગણાય છે.
ભારતમાં શરદઋતુનો સમય ભાદરવો અને આસો માસના ગાળામાં આવે છે. વર્ષાઋતુ (અષાઢ-શ્રાવણ) પૂરી થયા પછી ભાદરવો સામાન્ય રીતે વધુ તપે છે. લોકોના સ્વાસ્થ્ય પર અસર પહોંચે છે. આ માટે ‘शतं जीव शरदः’(સો શરદ સુધી જીવો.)નો આશીર્વાદ અપાય છે. અર્થાત્ જેણે શરદઋતુ હેમખેમ પસાર કરી તેનું તે વરસ સારી રીતે પૂર્ણ થયું ગણાય.
ગિરીશભાઈ પંડ્યા