શરદચંદ્ર, જી. એસ. ચેટ્ટી (. 3 મે 1938, નંજાન્ગુડ, મૈસૂર, કર્ણાટક) : ભારતીય અંગ્રેજી કવિ. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી બી.એ.; બી.એલ.; ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાંથી એમ.એસ.; ઓસ્ગોડે હૉલ લૉ સ્કૂલ, કૅનેડામાંથી એલએલ.એમ.; આયોવા યુનિવર્સિટીમાંથી એમ.એફ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી.

તેમણે અમેરિકાની મિસૂરી યુનિવર્સિટીમાં અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપક તરીકે અધ્યાપન કરવા સાથે લેખનકાર્ય આરંભ્યું. 1964માં તેઓ ફેલો-ઍટ લૉ; 1978 અને 1989માં મલયેશિયા અને બંગ્લાદેશમાં સિનિયર ફૂલબ્રાઇટ પ્રાધ્યાપક; 1985 અને 1987માં હવાઈ યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક; 1985માં પુરદુ યુનિવર્સિટી, અમેરિકામાં મુલાકાતી પ્રાધ્યાપક; આયોવા સ્ટેટ આર્ટ્સ કાઉન્સિલના અને 1993માં કૉલોરાડો આર્ટ્સ કાઉન્સિલના ન્યાયાધીશ અને વિવેચક રહ્યા.

માતૃભાષા કન્નડ હોવા છતાં તેમણે અંગ્રેજીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ભરતનાટ્યમ્ ડાન્સર’ (1968); ‘એપ્રિલ ઇન નંજાન્ગુડ’ (1971); ‘ઑફસ્પ્રિંગ્સ ઑવ્ સર્વજ્ઞ’ (1974); ‘વન્સ ઑર ટ્વાઇસ’ (1974), ‘ઘોસ્ટ ઑવ્ મિનિંગ’ (1978); ‘એઅરલુમ’ (1982); ‘ફૅમિલી ઑવ્ મિરર્સ’ (1993) તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે. ‘ઇમિગ્રન્ટ્સ ઑવ્ લૉસ’ (1993) કાવ્યાનુવાદ છે.

તેઓ સાહિત્યિક પરિષદોના પ્રમુખ; 1987માં એકૅડેમી ઑવ્ અમેરિકન પોએટ્સ પ્રાઇઝ; લાઇવ્ઝ ઇન યુ.એસ.ના તજ્જ્ઞ રહ્યા. તેમની કાવ્યકૃતિઓ માટે તેમને 1980માં ફૅલારિડા આર્ટ્સ કાઉન્સિલ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

બળદેવભાઈ કનીજિયા