શરદી (common cold) : ઉપરના શ્વસનમાર્ગનો સ્વત:સીમિત (self-limited) વિષાણુજન્ય ચેપ. તે નાક, ગળું અને નાકની આસપાસનાં હાડકાંમાંનાં પોલાણો(અસ્થિવિવર, sinus)માં થતો અને પોતાની જાતે શમતો વિષાણુથી થતો વિકાર છે. પુખ્તવયે દર વર્ષે 2થી 4 વખત અને બાળકોમાં 6થી 8 વખત તે થાય છે. તેના કારણરૂપ મુખ્ય વિષાણુઓ છે. નાસાવિષાણુ (rhinovirus, 40 %) તથા મુકુટ-વિષાણુ (coronavirus, 10 %) અને અન્ય વિષાણુઓ પણ શરદીનો વિકાર કરે છે. તેમાં પેરાઇન્ફ્લુએન્ઝા, ઇન્ફ્લુએન્ઝા તથા રેસ્પિરેટરી સિન્સિટિયલના વિષાણુઓ, ગ્રંથિવિષાણુ (adenovirus) વગેરેનો સમાવેશ થાય છે. નાસાવિષાણુની લગભગ 100 જેટલી પ્રતિરક્ષાલક્ષી જાતો છે અને તેથી તેની સારવાર કે રસી બનાવવામાં મુશ્કેલી રહે છે. શરદી થાય ત્યારે નાકની અંદરની દીવાલ, નાકની આસપાસનાં અસ્થિવિવરો તથા ગળામાં લોહી તથા સ્થાનિક પેશીના પ્રતિરક્ષાલક્ષી કોષોનો ભરાવો થાય છે. તે ભાગ લાલ થાય છે, ત્યાં સોજો આવે છે અને તે પીડાકારક બને છે. આ સ્થિતિને તે સ્થાનનો શોથ (inflammation) કહે છે. જો તે નાકમાં થાય તો તેને નાસિકાશોથ (rhinitis), અસ્થિવિવરમાં થાય તો તેને અસ્થિવિવરશોથ (sinusitis) અને તે ગળામાં થાય તો તેને ગ્રસનીશોથ (pharyngitis) કહે છે. તેમાં મધ્યકર્ણમાંથી ગળામાં ખૂલતી નળીનું મુખદ્વાર બંધ થાય તો કાનમાં પણ પીડા થાય છે. દર્દીને નાક ઝરે છે, સૂકી અથવા થોડાક કફવાળી ખાંસી થાય છે તથા તાવ આવે છે. તેને શરીરે કળતર પણ થાય છે. હાલ આ રોગની કોઈ ચોક્કસ સારવાર નથી અને તેથી તેનાથી થતી તકલીફો ઘટાડવા પ્રતિહિસ્ટામિન દ્રવ્યો (antihistamines), અલ્પરુધિરભારકો (decongestants) તથા ઇપ્રાટ્રોપિયમ બ્રોમાઇડનો નાકમાં છંટકાવ (spray) વગેરે ઔષધો વપરાય છે. એક અભ્યાસ પ્રમાણે ઝિંક ગ્લુકોનેટની મમળાવવાની ગોળીઓ (lozenges) રોગનો સમયગાળો ઘટાડે છે, પરંતુ તે ઊલટી-ઊબકા કરે છે. શરદી થતી અટકાવવામાં પ્રજીવકસીનો ઉપયોગ લાભકારક સાબિત થયેલો નથી. તાવ-દુખાવો થાય તો પેરાસિટેમોલનો ઉપયોગ કરાય છે.

શિલીન નં. શુક્લ