શયતાન/સેતાન : અલ્લાનો વિરોધ કરનારું તત્વ. ‘શયતાન’ અરબી ભાષાનો શબ્દ છે, જેનો અર્થ ‘દુષ્ટ’ થાય છે. ઇસ્લામી વિચારસરણીમાં શયતાન એક એવો જીન હતો જે બીજા બધા જીનો(ફિરસ્તાઓ)નો શિક્ષક હતો. કુરાનમાં જણાવ્યા પ્રમાણે જ્યારે અલ્લાએ મનુષ્ય-(આદમ)નું સર્જન કર્યું ત્યારે બધા જીનોને આજ્ઞા આપી કે તેઓ મનુષ્યને નમન કરે; પરંતુ શયતાને જવાબ આપ્યો કે માણસને માટીમાંથી બનાવવામાં આવ્યો છે અને મારું સર્જન અગ્નિમાંથી થયું છે તેથી હું માણસ કરતા શ્રેષ્ઠ છું. આમ શયતાને અલ્લાની આજ્ઞાનું પાલન કર્યું નહિ; તેથી તેને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યો. એ વખતે શયતાને જાહેર કર્યું કે પોતે માણસને હમેશાં માર્ગચલિત કરતો રહેશે. આથી કુરાને ચેતવણી આપતાં જાહેર કર્યું છે કે શયતાન મનુષ્યનો ખુલ્લો દુશ્મન છે અને કોઈ પણ સંજોગોમાં તેને નહિ અનુસરવું. વળી એવું ઠરાવવામાં આવ્યું છે કે મનુષ્યથી જે ખોટાં કૃત્યો, અનૈતિક કાર્યો તથા પાપનાં કામો થાય છે તે શયતાનની દોરવણીથી થાય છે, માટે શયતાનનાં કપટ તથા ચઢવણીથી બચવા માટે અલ્લાને પ્રાર્થના કરવી. કુરાનમાં આજ્ઞા છે : કુરાનનું વાંચન શરૂ કરતાં પહેલાં પણ, હું દુષ્ટ શયતાનથી અલ્લાની પનાહ ચાહું છું, એવો મંત્ર બોલવામાં આવે. કુરાનમાં કુલ 88 જગ્યાએ શયતાન તથા તેના કપટનો ઉલ્લેખ થયો છે. શયતાન માણસને ગરીબાઈનો ભય બતાવી દયાદાન કરવાથી રોકે છે, અપકૃત્ય કરવા માટે પ્રેરે છે, જે શયતાન સાથે મૈત્રી કરે છે તે નુકસાન ઉઠાવે છે. દારૂ તથા જુગાર જેવી બદીઓ શયતાનની પ્રેરણાથી ફેલાય છે. આ બદીઓ દ્વારા તે માણસો વચ્ચે વૈમનસ્ય તથા ઝઘડા ઊભા કરે છે.
કુરાન અનુસાર એક શયતાનમાંથી શયતાનોની પેઢી ઊતરી આવી છે. એક માન્યતા અનુસાર દરેક મનુષ્યની સાથે એક શયતાન સંકળાયેલો રહે છે અને તેને ગાફેલ જોઈને તેને માર્ગચલિત કરવાનો પ્રયત્ન કરતો રહે છે. કુરાન અનુસાર શયતાનો આકાશની વાતો સાંભળવાનો જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે ફિરસ્તાઓ તારાઓમાંથી આગ લઈને તેમને મારે છે. કુરાનમાં કહેવામાં આવ્યું છે કે, અલ્લાહે આકાશને તારાઓ રૂપી દીવાઓથી શણગાર્યું છે અને શયતાનોને મારવાનું સાધન બનાવ્યું છે.
‘શયતાન’ શબ્દનું મૂળ ‘શતન’ છે જેનો અર્થ ‘દૂર થયો’ અથવા ‘જેણે વિરોધ કર્યો’ એવો થાય છે. અલ્લાહની આજ્ઞાનો વિરોધ કર્યો હતો તેથી તેને સ્વર્ગમાંથી દૂર કરવામાં આવ્યો હતો. આ કારણોસર તે ‘શયતાન’ કહેવાય છે. અરબીમાં એક પ્રકારના સર્પને ‘શયતાન’ કહેવામાં આવે છે તથા બળવાખોર અને માથાભારે તત્વોને પણ ‘શયતાન’ નામ આપવામાં આવે છે.
શયતાન બે પ્રકારના હોય છે : એક પ્રકારના શયતાન જિન્નાતને અને બીજા પ્રકારના માણસોને માર્ગચલિત કરે છે. શયતાનને ઇબ્લીસ પણ કહેવામાં આવે છે. શયતાન અથવા ઇબ્લીસનું મૂળ નામ અઝાઝીલ હતું. અલ્લાએ તેને શ્રેષ્ઠતા આપી હતી. તે અલ્લાની ઇબાદત (બંદગી) અને પવિત્રતામાં બીજા ફિરસ્તાઓથી આગળ હતો, પરંતુ તેણે ઘમંડ કરતાં, સ્વર્ગમાંથી તેની હકાલપટ્ટી થઈ હતી. જ્યાં કુરાને શયતાનને બદીની એક મોટી શક્તિનું સ્વરૂપ ગણાવ્યું છે ત્યાં આધુનિક મુસ્લિમ ચિંતકોએ ઇબ્લીસને એક એવી શક્તિ બતાવી છે, જે માણસને કાર્યશીલ બનાવે છે. અંગ્રેજ કવિ મિલ્ટને પોતાની જગવિખ્યાત કૃતિ PARADISE LOSTમાં અને જર્મન કવિ ગટેએ FOUSTમાં શયતાનને મહત્વનું પાત્ર ગણ્યું છે. તેવી જ રીતે કવિ ઇકબાલે તથા તેમના વિવેચક ખલીફા અબ્દુલ હકીમે શયતાનનું પુનરુત્થાન કરવાનો પ્રયત્ન કર્યો છે. સૂફી સાહિત્યમાં શયતાનનું વિસ્તારપૂર્વક કાલ્પનિક વર્ણન પણ જોવા મળે છે. અરબ સૂફી-લેખક શેખ ઇબ્ન-અરબીએ શયતાન વિશેની માન્યતાઓની છણાવટ કરી છે જે મહદ્ અંશે ગહન રહી છે.
ઈશ્વરનો વિરોધ કરનારા. આ તત્વ માટે ઇસ્લામ ધર્મગ્રંથ કુરાનમાં ‘શયતાન’ અને યહૂદી તેમજ ખ્રિસ્તી ધર્મગ્રંથ બાઇબલમાં ‘સેતાન’ શબ્દ વપરાયો છે. હીબ્રૂ ભાષામાં આ શબ્દનું જે મૂળ છે તેનો અર્થ થાય છે વિરોધ કરવો. આમ, ‘સેતાન’ એટલે વિરોધ કરનાર. ઈશ્વરનો વિરોધ કરનાર. એ વિરોધ કરનારનું સંજ્ઞાવાચક નામ ‘શયતાન’.
યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મ એકેશ્વરવાદી છે. એનો અર્થ એ થયો કે સર્વનો સર્જનહાર એકમાત્ર ઈશ્વર છે. તો હવે, આ વિરોધ કરનારનો સર્જનહાર એ જ એક ઈશ્વર ? ઈશ્વર પોતાના જ વિરોધીનું સર્જન શા માટે કરે ? એટલે યહૂદી અથવા ખ્રિસ્તી ધર્મ સેતાન ક્યાંથી આવે છે અથવા શા માટે અસ્તિત્વ ધરાવે છે એવા ફિલસૂફીપ્રચુર પ્રશ્ર્નોની છણાવટ કરતા નથી. હા, સેતાન વિશેની સમજ સમય જતાં વિકસતી જાય છે. આજે ખ્રિસ્તી ધર્મમાં આવી સમજ પ્રવર્તે છે : ઈશ્વરે માનવને પોતાની પ્રતિમૂર્તિરૂપ બનાવ્યો છે. જેવો ઈશ્વર તેવો માનવ. ઈશ્વર સ્વતંત્ર તો માનવ પણ સ્વતંત્ર. સ્વાતંત્ર્ય એટલે માનવ સમક્ષ એક કરતાં વધુ વિકલ્પો ખુલ્લા છે અને માનવ તેમાંથી એક વિકલ્પ પસંદ કરવા મુક્ત છે. માનવ સામેનો એક વિકલ્પ તે ઈશ્વર, બીજો વિકલ્પ તે સેતાન.
સેતાન એટલે જે કંઈ આપણે ઈશ્વરને માટે કહી શકીએ તેનાથી તદ્દન વિરુદ્ધની બાબતો. જોકે ઈશ્વર અને સેતાન વચ્ચે કેટલીક સમાનતા પણ છે. જેમ ઈશ્વર અદૃશ્ય તેમ સેતાન પણ; જેમ ઈશ્વરનો અનુભવ કરી શકાય તેમ સેતાનનો પણ કરી શકાય; જેમ ઈશ્વર માનવના અંતરમાં અને માનવની બહાર વસે છે તેમ સેતાન પણ. સેતાન માનવ પર જબરું દબાણ લાવે છે. બાઇબલ આ હકીકતનો સ્વીકાર કરે છે. આ હકીકત એક વાર્તાના રૂપમાં રજૂ કરે છે : ઈશ્વરે માનવનું સર્જન કરી તેને પોતાના માળી તરીકે આ સૃષ્ટિરૂપી બાગમાં મૂક્યો. સેતાને માનવને માળી મટી માલિક બની બેસવાનો ઇરાદો બતાવ્યો. માનવ સેતાને સુઝાડેલો વિકલ્પ સ્વીકારે છે. પ્રસ્તુત વાર્તા દ્વારા બાઇબલ બતાવે છે કે સેતાને દર્શાવેલા વિકલ્પો લોભામણા છે, તત્કાળ લાભદાયી છે, સ્વીકારવા સહેલા છે. ઈશ્વરના વિરોધી છે. સેતાનના દર્શાવેલા વિકલ્પો કાં તો માનવઅંતરમાં સ્ફુરે છે કાં તો માનવ આસપાસના વાતાવરણમાં પ્રગટે છે. અંદર અને બહાર વચ્ચે જબરો તાલમેલ છે. અંતરની સ્ફુરણા બહારની પ્રેરણાને આભારી છે અને બહારની પ્રેરણા અંતરની સ્ફુરણાને કારણે સ્વીકારાય છે. બાઇબલ એ પણ હકીકત રજૂ કરે છે કે શયતાને દર્શાવેલો વિકલ્પ સ્વીકારીને માનવ સૌપ્રથમ સમગ્ર સૃષ્ટિથી વિમુખ થઈ જાય છે, પછી અન્ય માનવથી વિમુખ થઈ જાય છે અને અંતે ખુદ પોતાની જાતથી જ વિમુખ થઈ જાય છે આ છે તેનો વિનાશ. સેતાન માનવનો વિનાશ નોંતરે છે. એ વિનાશમાંથી માનવનો છુટકારો કરવા ઈશ્વર અવિરતપણે મથતો રહે છે. બાઇબલ કહે છે કે સેતાન સાથેના માનવ બાબતના ઈશ્વરના આ ગજગ્રાહમાં વિજય તો અંતે ઈશ્વરનો જ થાય છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી
ફાધર જેમ્સ બી. ડાભી