શમ્સે બુરહાની સૈયદ ઉસ્માન (. ?; . . . 1458, અમદાવાદ) : જાણીતા પવિત્ર સંત સૈયદ બુરહાનુદ્દીન અબુ મુહમ્મદ અબ્દુલ્લા બુખારી (અથવા કુતૂબે આલમ)ના શિષ્ય. ગુજરાતના મુસલમાન કાળના ઇતિહાસમાં બુખારી સૈયદોનું આગવું સ્થાન હતું. ગુજરાતના સ્વતંત્ર સુલતાનો સાથે તેઓને ઘરોબો હતો. પોતાના પાક પીરના આદેશાનુસાર તેઓ બહાવદીનપુરમાં આસન રાખીને લોકોને ઉપદેશ આપતા હતા. તેઓ સાધક કક્ષાના સંત હોવાથી, મોટી સંખ્યામાં લોકો આવે તે તેમને ફાવતું નહિ. તેથી તેઓ અમદાવાદમાં આવી, સાબરમતી નદીની સામે પાર તંબૂ નાખીને રહ્યા. તેઓ શમ્-સે-બુરાહાની તરીકે લોકોમાં પ્રસિદ્ધ થયા, કારણ કે શ્રદ્ધાળુઓ તેમને તેમના પીર સૈયદ બુરહાનુદ્દીન કુત્બે આલમની ‘શમા’ અર્થાત્ મીણબત્તી માનતા હતા. આમ કાળક્રમે શમ્સે બુરહાની અર્થાત્ ‘દીપકનો પ્રકાશ’ તેમની આધ્યાત્મિક ઓળખ બની. જે સ્થળે તેમણે નિવાસ કર્યો તેની આસપાસ ઉસ્માનપુરા નામનું પરું વસી ગયું. તે આજે પણ અસ્તિત્વ ધરાવે છે. ગુજરાતની સ્વતંત્ર સલ્તનતના સમયમાં, અમદાવાદમાં આ પરું સૌથી સમૃદ્ધ પરાંઓમાંનું એક હતું.

તેમનો કંઠ મધુર હતો. તેથી તેમના સોહરવદિયા ફિરકાના સિદ્ધાંતોના પ્રચાર માટે તેમની પસંદગી થઈ હતી. તેઓ શાયર હતા અને ‘ઉસમાન’ તખલ્લુસથી તેમણે ફારસીમાં સુંદર ગઝલો રચી હતી. તેમણે કેટલાક સૂફી ગ્રંથો પણ રચ્યા છે. તેમાં ‘મદારીઝ-ઉલ-મઅરીઝ’ પ્રસિદ્ધ છે. તેમની એક પ્રસિદ્ધ ગઝલમાં તેઓ કહે છે કે, ‘‘રાજ્ય- શાસન દરવીશોના આંગણાનું પાથરણું છે. દુ:ખ એ ફકીરોનું દ્રવ્ય છે. ફકીરોની કફનીમાંથી ચિરસ્થાયી દ્રવ્ય (આત્મજ્ઞાન) મળે છે. દરવીશોને કનડવાથી દુ:ખ આવે છે. એમના આશીર્વાદ તિરસ્કારને ફેરવીને એમાંથી પ્રેમ ઉત્પન્ન કરે છે.’’

‘મિરાતે અહમદી’ તેમના વિશે નોંધે છે કે, આ દેશના પીરોમાં તેઓ મોટા છે. તેમની ઘણી કરામતો કહેવાય છે. સુલતાન મહમૂદ બેગડાએ તેમનો રોજો તથા ભવ્ય મસ્જિદ બંધાવ્યાં હતાં. તેમનો રોજો થાંભલા અને પાટડાની રચનામાં ઉત્તમ પ્રકારનો મનાય છે.

એમનો ઉર્સ હિજરી માસ જમાદીઉલની પંદરમી તારીખે અવલ થાય છે.

ઈશ્વરલાલ ઓઝા