શમ્સુદ્દીન ‘બુલબુલ’ (જ. 1857, મેહર, પૂર્વ સિંધ; અ. 1919) : સિંધી કવિ, નિબંધકાર અને પત્રકાર. સિંધી કાવ્યમાં અતિસૂક્ષ્મ વ્યંગ્ય અને વિનોદ દાખલ કરનાર પ્રથમ કવિ. પત્રકારત્વમાં પણ તેમણે તેનો લાભ લીધો. તેઓ ઇસ્લામના ઉત્સાહી પ્રચારક હતા અને સિંધી મુસ્લિમોમાં તે સમયે પ્રવર્તતા બૂરા રિવાજો અંગે તેમનાં કાવ્યોમાં ભારોભાર વ્યંગ્ય અભિવ્યક્ત કર્યો છે.
તેઓ કરાંચીમાં પ્રખર શિક્ષણકાર હસન અલી આફન્દીના સંપર્કમાં આવ્યા; જેમણે તેમની પાત્રતા પિછાણીને સિંધમાં મુસ્લિમોના શિક્ષણને ઉત્તેજન આપવા માટે તેમની બુદ્ધિશક્તિનો ઉપયોગ કર્યો. હસન અલી આફન્દી માટે કામગીરી કરનારા ‘બુલબુલ’, ‘હાલી ઑવ્ સિંધ’ તરીકે જાણીતા થયા. તેમણે જુદા જુદા વખતે વિવિધ સામયિકોનું સંપાદન સંભાળ્યું. તેમની કૉલમ ‘ન્યૂઝ ઍન્ડ વ્યૂઝ’થી વિશિષ્ટ વર્ગમાં તેઓ અતિલોકપ્રિય બન્યા. ‘મૌમિન’ દૈનિક સાથે તેઓ ગાઢ રીતે સંકળાયેલા રહ્યા અને સિંધી મુસ્લિમોના પુનર્જીવનમાં તેમણે સક્રિય ફાળો આપ્યો.
તેમણે સંખ્યાબંધ ગ્રંથો આપ્યા છે. તેમાં લાલ શાહબાઝ કલંદરની વાર્ષિક દિનની ઉજવણી દરમિયાન શેહપાન ખાતેના મેળાનું લયબદ્ધ કાવ્યમાં કરેલું વર્ણન ઉલ્લેખનીય છે. કરિમા અને રહિમા નામક જાણીતાં ફારસી કાવ્યોના તેમના વિડંબન-કાવ્યે તેમને ભારે ખ્યાતિ અપાવી. તેમની લોકપ્રિય કાવ્યકૃતિઓમાં ‘દીવાને બુલબુલ’ (1891), ‘કરિમા નેચરલ’ (મસ્નવી સ્વરૂપમાં) અને ‘બુલબુલ જો કલામુ’નો સમાવેશ થાય છે.
બળદેવભાઈ કનીજિયા