શબ્દ–બ્રહ્મ : સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રની એક આગવી વિભાવના. વૈયાકરણોએ ‘શબ્દ’ના દાર્શનિક સ્વરૂપને મહત્ત્વ આપતાં ‘શબ્દ એ જ બ્રહ્મ છે’ એવા શબ્દબ્રહ્મના સિદ્ધાંતને પ્રતિષ્ઠાપિત કર્યો છે.
સુપ્રસિદ્ધ વૈયાકરણ અને વ્યાકરણશાસ્ત્રની એક વિશિષ્ટ દર્શન તરીકે પ્રતિષ્ઠા કરનાર ભર્તૃહરિએ તેમના ‘વાક્યપદીય’ નામના ગ્રન્થમાં શબ્દની બ્રહ્મ તરીકેની પ્રતિષ્ઠા વિસ્તારપૂર્વક કરી છે. આ ગ્રન્થની સૌપ્રથમ કારિકા કે શ્ર્લોકમાં ભર્તૃહરિ કહે છે કે આદિ અને અન્ત વિનાનું શબ્દતત્ત્વરૂપ અક્ષરબ્રહ્મ છે. તે અર્થ રૂપે ‘વિવર્ત’ પામે છે, જેનાથી આ જગતનો વ્યવહાર પ્રવૃત્ત થયો છે. આ જ વિચારને જરા વિસ્તારથી જોવામાં આવે તો આ શબ્દરૂપ બ્રહ્મ માનવની બુદ્ધિમાં અનન્ત અર્થો, પદાર્થો, અભિપ્રાય વિચારો કલ્પનાઓના રૂપમાં વિદ્યમાન છે; તો બીજી બાજુ આ જ શબ્દબ્રહ્મ સ્થૂલ જગતના સંપૂર્ણ બાહ્ય પદાર્થો, વસ્તુઓ સૃષ્ટિઓના રૂપમાં વિવર્તિત થાય છે. આ શબ્દબ્રહ્મથી જગતની સંપૂર્ણ પ્રક્રિયા સંપન્ન થાય છે.
આ પછી ભર્તૃહરિ આ જ ગ્રન્થની દ્વિતીય કારિકામાં જણાવે છે તેમ, ‘શબ્દબ્રહ્મ એક જ છે, પરંતુ પોતાની અનન્ત અને વિભિન્ન શક્તિઓનો આશ્રય હોવાને કારણે તે અનેક જેવું પ્રતીત થાય છે. પોતાની શક્તિઓ સાથે સર્વથા અભિન્ન હોવા છતાં પણ તે ભિન્ન જેવું પ્રતીત થાય છે.’
આ પછી ભર્તૃહરિ બતાવે છે તેમ, ‘‘આ શબ્દબ્રહ્મ સૌનું મૂલ કારણ છે, તથા ‘ભોક્તા’, ‘ભોક્તવ્ય’ અને ‘ભોગ’ એ સૌ રૂપે છે.’’
શબ્દની બ્રહ્મરૂપતાનો સિદ્ધાન્ત કે વિચાર છેક વૈદિક વાઙ્મયથી પ્રવૃત્ત થયેલો છે. વેદ, બ્રાહ્મણ, ઉપનિષદ આદિ ગ્રન્થોમાં શબ્દનો ‘બ્રહ્મ’ તરીકે નિર્દેશ કરતા અનેક ઉલ્લેખો છે. ઐતરેય બ્રાહ્મણ (6/3) અને શતપથ બ્રાહ્મણ (2/1/4/10)માં ‘वाग् व ब्रह्म।’ એમ આ શબ્દબ્રહ્મનો(વાગ્બ્રહ્મ)નો નિર્દેશ થયેલ છે.
આ પછી પાણિનિ આદિ(ત્રિમુનિ, પાણિનિ, કાત્યાયન, પતંજલિ)નાં વ્યાકરણોમાં તો પ્રમાણમાં નવ્યયુગ તરીકે ઓળખાતા સમયગાળામાં ભટ્ટોજિ દીક્ષિત, કૌણ્ડભટ્ટ, નાગેશ ભટ્ટ જેવા પ્રખર અનેક વૈયાકરણોએ, ભર્તૃહરિની જેમ શબ્દની બ્રહ્મ તરીકેની પ્રતિષ્ઠાના સ્વીકાર સાથે તેના ઉપર સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે.
આ સંદર્ભમાં વ્યાકરણ કે શબ્દશાસ્ત્રમાં ‘સ્ફોટ’ નામનો સિદ્ધાન્ત બહુ જ જાણીતો હોવાનું પણ જોવા મળે છે, જેને શબ્દબ્રહ્મ સાથે સાંકળી શકાય એમ છે.
વર્ણોના પ્રાકૃત ધ્વનિથી સ્ફુટિત કે પ્રકાશિત થનાર, પણ વર્ણોથી પૃથક્ (જુદો) રહીને અર્થનો બોધ કરાવનાર નિત્ય, નિરવયવ, સૂક્ષ્મ શબ્દ જ ‘સ્ફોટ’ છે. આ ‘સ્ફોટ’ પદની ભટ્ટોજિ, કૌણ્ડભટ્ટ આદિ વિદ્વાનોએ છણાવટ કરતાં કહ્યું છે : ‘સ્ફુટતિ અર્થ: યસ્માત્’ (જેમાંથી અર્થનો ઉદ્ભવ થાય છે, ભટ્ટોજિ દીક્ષિત કે ‘સ્ફુટ્યતે વ્યજ્યતે વર્ણૈ: શબ્દૈર્વા ઇતિ સ્ફોટ:.’ (વર્ણો કે શબ્દોથી જે અભિવ્યક્ત થાય છે તે સ્ફોટ છે.)
આ ‘સ્ફોટ’ને વર્ણ-સ્ફોટ, પદ-સ્ફોટ, વાક્ય-સ્ફોટ આદિ આઠ પ્રકારનો માનવામાં આવ્યો છે, અને તેનું વિવેચન કરતા અનેક ગ્રન્થો છે.
ભર્તૃહરિએ આ જ સ્ફોટ વિશે વિપુલ પ્રમાણમાં મીમાંસા કરી છે અને સ્ફોટને કાલ કે વિભાગથી રહિત, કાલાતીત નિરવયવ, અખંડ આદિ વિશેષણોથી નવાજ્યો છે અને તેની ‘શબ્દબ્રહ્મ’ રૂપે પ્રતિષ્ઠા કરી છે. ભટ્ટોજી દીક્ષિતે ‘એ શબ્દતત્ત્વ ક્ષયથી રહિત અક્ષર, અવિનાશી, ઉપાધિ વગરનું નિરંજન એવું પરમતત્ત્વ છે’ એમ કહી એ શબ્દતત્ત્વને પ્રણામ કર્યા છે. આ જ વિચારની વિશદતા કરતાં કૌણ્ડ ભટ્ટે ઉપનિષદનાં વાક્યોને પ્રમાણ તરીકે ઉદ્ધૃત કર્યાં છે. કૌણ્ડ ભટ્ટે તો સ્ફોટરૂપ શબ્દ સાથે ‘બ્રહ્મ’નો સંબંધ જોડી શબ્દની બ્રહ્મરૂપતા સિદ્ધ કરી છે. આ માટે તૈત્તિરીય ઉપનિષદનો ત્રીજા અધ્યાય ભૃગુવલ્લીનો અને પછી ‘આનંદવલ્લી’ કે ‘બ્રહ્મવલ્લી’નો નિર્દેશ કરી વેદાન્ત-નિર્દિષ્ટ ‘બ્રહ્મ’ના જ્ઞાન માટે અન્નમય, પ્રાણમય આદિ પંચ કોશોના જ્ઞાનની આવશ્યકતા છે તે રીતે શબ્દ(સ્ફોટ)રૂપ બ્રહ્મના જ્ઞાન માટે પ્રકૃતિ, પ્રત્યય, આદિનું વિશ્લેષણ કરનાર વ્યાકરણશાસ્ત્ર આખરે ‘સ્ફોટરૂપ બ્રહ્મ’ના જ્ઞાન માટે આવશ્યક છે એમ બતાવ્યું છે. નામ, આખ્યાત, ઉપસર્ગ, નિપાત જેવો ચતુર્વિધ પદવિભાગ અને શબ્દમાત્રતત્ત્વ જ વિવિધ વર્ણાત્મક, પદાત્મક આદિનો આકાર ધારણ કરતો શબ્દ નામ-રૂપ ધરાવતો વાણીનો આહ્લાદક રસ છે તેમ ભર્તૃહરિએ દર્શાવ્યું છે. વળી ભર્તૃહરિ બતાવે છે તેમ, ‘રેખા ગવય’ એટલે કે અમુક રેખા (પંક્તિ) દોરીને બાળકોને અક્ષરોનું જ્ઞાન કરાવવામાં આવે છે કે ‘ચિત્રગવય’ એટલે ચિત્રમાં દોરેલ ગવય(બળદના આકારનું પશુ)ને દોરી એ કાલ્પનિક ચિત્રથી વાસ્તવિક ગવયનો પરિચય આપવામાં આવે છે; તેવી રીતે પદ-પ્રકૃતિ જેવા કાલ્પનિક વિભાગ દ્વારા આખરે તો સ્ફોટાત્મક શબ્દ-બ્રહ્મને પ્રત્યે પહોંચવાનો માર્ગ છે અને આ માર્ગનો આશ્રય લેવાથી મુક્તિ કે મોક્ષનો લાભ થાય છે.
ભગવતીપ્રસાદ પંડ્યા