શબ્દવ્યાપારવિચાર

January, 2006

શબ્દવ્યાપારવિચાર : શબ્દશક્તિ વિશે આચાર્ય મમ્મટની રચના. આ નાનકડી રચના મમ્મટે મુકુલ નામના લેખકની ‘અભિધાવૃત્તમાતૃકા’ નામની રચનાની સામે પ્રતિક્રિયા અથવા વળતા જવાબ તરીકે લખી છે. તેનું શીર્ષક સૂચવે છે તે મુજબ અભિધા, લક્ષણા અને વ્યંજના  એ ત્રણ શબ્દશક્તિઓની ચર્ચા તેમાં રજૂ થઈ છે. આ નાનકડી રચના છ કારિકાઓની બનેલી છે. એ છ કારિકાઓની વિસ્તૃત સમજ વૃત્તિમાં આચાર્ય મમ્મટે આપી છે. પોતાના પ્રસિદ્ધ ગ્રંથ ‘કાવ્યપ્રકાશ’માં બીજા ઉલ્લાસમાં શબ્દની શક્તિઓની જે ચર્ચા મમ્મટે કરી છે, તેના કરતાં આ રચનામાં ‘કાવ્યપ્રકાશ’ના બીજા ઉલ્લાસથી પણ વધુ પ્રૌઢ ચર્ચા મમ્મટે રજૂ કરી છે. વળી તેમાં પાંચમા ઉલ્લાસનો એક અંશ પણ રજૂ થયો છે.

‘કાવ્યપ્રકાશ’ સમસ્ત કાવ્યશાસ્ત્રનો સાર આપે છે, પરંતુ ‘શબ્દવ્યાપારવિચાર’ એક જ વિષયની ચર્ચા કરતી એકાંગી રચના છે. ‘અભિધાવૃત્તમાતૃકા’નું ખંડન કરવા મમ્મટે ‘શબ્દવ્યાપાર-વિચાર’ની રચના કરી છે.

મુકુલ એક જ અભિધાની શબ્દશક્તિને માને છે અને તેના દસ વૃત્ત એટલે ભેદો ગણાવે છે. આ દસ પ્રકારની અભિધા દ્વારા મુખ્ય અને અમુખ્ય બધા અર્થો મળે છે એવો તેમનો સિદ્ધાન્ત છે. જ્યારે તેનું ખંડન કરી મમ્મટ શબ્દની ત્રણ શક્તિઓ અભિધા, લક્ષણા અને વ્યંજનાને સ્વીકારે છે અને અભિધાથી મુખ્યાર્થ અને અમુખ્ય અર્થો એટલે લક્ષણાથી લક્ષ્યાર્થ અને વ્યંજનાથી વ્યંગ્યાર્થ મળે છે એમ માને છે. શબ્દશક્તિ એક અર્થ બતાવીને વિરામ પામે છે એટલે તે પછી તે શબ્દમાંથી મળતા બીજા અર્થો અન્ય શબ્દશક્તિ દ્વારા જ મળે છે એમ મમ્મટ માને છે; જ્યારે મુકુલ અન્ય શબ્દશક્તિઓને નથી માનતા. એકલી અભિધા જ સર્વ અર્થો આપે છે એવો મુકુલનો મત છે. મમ્મટ ‘શબ્દવ્યાપારવિચાર’માં અર્થની તાત્પર્ય નામની શક્તિ માને છે. મુકુલ તાત્પર્યવૃત્તિને માનતા નથી. ‘શબ્દવ્યાપારવિચાર’ જેવી જ ચર્ચા ‘કાવ્યપ્રકાશ’માં મમ્મટે આપી છે. ‘કાવ્યપ્રકાશ’માં મમ્મટે વિશિષ્ટ લક્ષણાની વાત કરી છે તે મુકુલે ‘અભિધાવૃત્તમાતૃકા’માં કરી નથી. જ્યારે મુકુલે ત્યાજ્યા લક્ષણાની વાત કરી છે તે મમ્મટે ‘શબ્દવ્યાપારવિચાર’માં અને ‘કાવ્યપ્રકાશ’ના સાતમા ઉલ્લાસમાં નેયાર્થ દોષની ચર્ચામાં આપી છે. મુકુલે અભિહિતાન્વયવાદ અને અન્વિતાભિધાનવાદ – બંનેના સમન્વયમાં અને અખંડાર્થવાદમાં લક્ષણાની સ્થિતિ બતાવી છે તે મમ્મટે ‘શબ્દવ્યાપારવિચાર’માં આપી છે, પરંતુ ‘કાવ્યપ્રકાશ’માં આપી નથી. અલબત્ત, અભિહિતાન્વયવાદ, અન્વિતાભિધાનવાદ અને અખંડાર્થવાદની સમજ મમ્મટે ‘કાવ્યપ્રકાશ’ કરતાં ‘શબ્દવ્યાપારવિચાર’માં વધુ સ્પષ્ટ આપી છે. ભર્તૃહરિના ‘વાક્યપદીય’માંથી આચાર્ય મમ્મટે પ્રતિભા-પક્ષનો સ્વીકાર ‘કાવ્યપ્રકાશ’માં નથી કર્યો, પરંતુ ‘શબ્દવ્યાપારવિચાર’માં કર્યો છે. લક્ષણાને વાચ્યાર્થસંબંધ પર આધૃત માની તે સંબંધની વિવિધતા મુકુલે સોદાહરણ આપી છે તેથી મમ્મટે ‘શબ્દવ્યાપારવિચાર’માં તે ચર્ચા આપી છે, પરંતુ ‘કાવ્યપ્રકાશ’માં નથી આપી. મમ્મટે ‘કાવ્યપ્રકાશ’માં વ્યંગ્યાર્થ માટે ભાવયિત્રી પ્રતિભાની આવશ્યકતા, પ્રજ્ઞાનૈર્મલ્ય અને પ્રજ્ઞા અને પ્રતિભાની અભિન્નતા વગેરે વાતો લખી નથી; પરંતુ ‘શબ્દવ્યાપારવિચાર’માં આ વાતો લખી છે. વક્તૃ, વાચ્ય, વાક્ય વગેરેની વિશેષતાથી અર્થમાં પરિવર્તનોની વાત ‘કાવ્યપ્રકાશ’માં નથી, પરંતુ ‘શબ્દવ્યાપારવિચાર’માં આપવામાં આવી છે. સંક્ષેપમાં, ‘શબ્દવ્યાપારવિચાર’માં મમ્મટની ચર્ચા પ્રૌઢ છે.

‘શબ્દવ્યાપારવિચાર’ સર્વપ્રથમ મુંબઈથી નિર્ણયસાગર પ્રેસે 1916માં પ્રગટ કરેલી રચના છે. એના સંપાદક મંગેશ તેલંગ હતા. એ પછી 1974માં વારાણસીમાંથી ‘ચૌખંભા વિદ્યાભવન’ દ્વારા રેવાપ્રસાદ દ્વિવેદીએ હિંદી ભાષાન્તર અને ભૂમિકા સાથે બીજી આવૃત્તિ પ્રકાશિત કરેલી છે.

પ્ર. ઉ. શાસ્ત્રી