શબ્દાર આકાશ (1971) : ઊડિયા કવિ સીતાકાન્ત મહાપાત્ર (1937)-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ સંગ્રહ 35 કાવ્યોનો બનેલો છે.
પ્રાચીન પુરાણકથાઓમાં જે વ્યાપકતા જોવા મળે છે તેનું કવિએ વ્યક્તિગત કાવ્યદર્શન સાથે સંકલિત અર્થઘટન કરી આ બધાં કાવ્યોમાં નિરૂપણ કર્યું છે. તેમના આગળના કાવ્યસંગ્રહો કરતાં આ સંગ્રહમાં તેમણે જીવનની જટિલતા, ભરચકતા તથા ગહનતા વિશે નવીન દૃષ્ટિએ અને સૂક્ષ્મ સૂઝની સુદૃઢ પ્રતીતિ કરાવી છે. આજના ઊડિયા કવિમાં આવું લક્ષણ ભાગ્યે જ જોવા મળે છે.
‘શબ્દાર આકાશ’ શીર્ષક હેઠળના પ્રથમ કાવ્યમાં જીવનના અસભ્ય અવાજો સંભળાવાની સાથે સર્જનાત્મક શબ્દોની કરામત દ્વારા કોમળ, સૂક્ષ્મ લયનું નિર્માણ કરાતું નિરૂપાયું છે અને આખરી બોધ સ્પષ્ટ કરાયો છે. એક તરફ નુકસાન અને વિનાશની અનુભૂતિ અને બીજી તરફ વિશ્વાસ અને આરોગ્યની અનુભૂતિ તેમજ પ્રવર્તમાન પરસ્પર ગૂંચવાડા પરનો તેનો ભાર અદ્યતન રહેણીકરણીના જટિલ ઢાંચા અંગે મહત્વની ટીકા પૂરી પાડે છે. આ રીતે આ કૃતિ તેના સમગ્ર પોતની દૃષ્ટિએ નોંધપાત્ર બની છે.
આ પુરસ્કૃત કૃતિ ‘શબ્દાર આકાશ’ તેના પૌરાણિક માળખા અને જોરદાર ભાષાને લીધે ઊડિયા સાહિત્યમાં અનોખું સ્થાન ધરાવે છે.
મહેશ ચોકસી