શબ્દસૃષ્ટિ : ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર. દર માસની પાંચમી તારીખે પ્રગટ થતું આ માસિક અકાદમીના સ્થાપનાવર્ષ ઈ. સ. 1982ના બીજા વર્ષથી એટલે કે ઈ. સ. 1983થી પ્રગટ થાય છે. તે ગુજરાતી સાહિત્ય જગતની તાસીર અને તસવીર રજૂ કરે છે. સરેરાશ 80થી 100 તથા એથી વધુ પૃષ્ઠસંખ્યા મુજબ વર્ષના 12 (બાર) અંકોમાં વિશેષાંક મળીને 1,000થી વધુ પૃષ્ઠોમાં સાહિત્યસામગ્રી પીરસવામાં આવે છે. આ સામયિકમાં સાહિત્યલક્ષી સર્જનાત્મક, સંશોધનાત્મક, આલોચનાત્મક, આસ્વાદલક્ષી સાહિત્ય અને ગ્રંથાવલોકનો મુખ્યત્વે પ્રગટ થાય છે. કાવ્ય, વાર્તા, હાસ્ય, સ્મરણો-રેખાચિત્રો, નિબંધો, વિવેચન, આસ્વાદ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમીનાં પ્રકાશનો, પ્રવૃત્તિઓની માહિતી તથા સાહિત્યવૃત્તમાં ગુજરાતમાં બનતી સાહિત્યિક ઘટનાઓની સંક્ષેપ નોંધ વગેરે સારગર્ભ સામગ્રી રજૂ કરવામાં આવે છે. ‘શબ્દસૃષ્ટિ’ના મથાળે દંડીના સંસ્કૃત શ્ર્લોકખંડના અનુવાદ રૂપે ‘શબ્દાખ્ય જ્યોતિ પ્રકાશો’ સૂત્ર રજૂ થાય છે.

‘શબ્દસૃષ્ટિ’નો પ્રથમ અંક ઈ. સ. 1983ના ઑક્ટોબર મહિનામાં પ્રગટ થયો હતો. તેના પ્રથમ માનાર્હ સંપાદક હતા ડૉ. સુમન શાહ. તેમણે મે, 1986 સુધી આ પદ ઉપર રહી સેવાઓ આપી. બાદમાં આ માસિકના બીજા સંપાદક તરીકે જ્યોતિષ જાનીએ ઑક્ટોબર 1986થી ફેબ્રુઆરી, 1990 સુધી સેવાઓ આપી. એ પછી ત્રીજા સંપાદક તરીકે ડૉ. પ્રવીણ દરજીએ જાન્યુઆરી, 1992થી ડિસેમ્બર, 1994 સુધી સેવાઓ આપી. તે પછી તા. 1-1-1995થી આજ પર્યંત હર્ષદ ત્રિવેદી સંપાદક તરીકે કાર્યરત છે. તેમણે અગાઉના સંપાદકોના આવાગમનવેળાએ શૂન્યાવકાશકાળમાં જૂન, 1986થી સપ્ટેમ્બર, 1986 તેમજ માર્ચ, 1990થી ડિસેમ્બર, 1991 દરમિયાન પણ આ માસિકનું સંપાદનકાર્ય અનૌપચારિક રીતે સંભાળ્યું હતું.

આ માસિક તેના આરંભે રૉયલ સાઇઝમાં તથા 1987થી લઈને 1994ના અંતભાગ (11 વર્ષ ને 3 માસ) સુધી સાદા ન્યૂઝપ્રિન્ટ પેપરમાં ડિમાઈ સાઇઝમાં છપાતું હતું. વળી, તેનાં આવરણપૃષ્ઠો (બંને બાજુ) પણ આ જ કાગળમાં એકરંગી અથવા દ્વિરંગી આવતાં હતાં. જાન્યુઆરી, 1995થી આ માસિકની કાયાપલટ થઈ. વર્ષ 1995ના પ્રથમ અંકથી માસિકનું કદ ક્રાઉન સાઇઝથી વધારીને મૅગેઝિન સાઇઝ (23.5 સેમી. x 16.3 સેમી.) કરવામાં આવ્યું. વળી, દાયકાભરમાં આ માસિકે સાહિત્યપદાર્થને લઈને 13 જેટલા વિશેષાંકો આપવાનું સરાહનીય કાર્ય પણ કર્યું, જે સ્વતંત્ર અભ્યાસ માટેના નાનકડા સંદર્ભગ્રંથોની ગરજ સારે એવા ઉપયોગી બની રહ્યા છે.

આ 13 વિશેષાંકોની સારગર્ભ સામગ્રીચયન આ પ્રમાણે છે : (1) વિવિધ સ્વરૂપોનું સર્જનાત્મક સાહિત્ય – 1995 (કાવ્ય, વાર્તા, નિબંધ, નાટક વગેરે સાહિત્યિક કૃતિઓ), (2) દિવંગત 35 સાહિત્યકારોનાં સંસ્મરણો ‘સ્મરણ-રેખ’  1996, (3) સાહિત્યકારો (53) સાથે પ્રશ્નોત્તર – ‘તપસીલ’ – 1997 (દરેક સાહિત્યકારના કાર્યપ્રદાનને લઈને અલગ અલગ પ્રશ્નોત્તર), (4) સ્વાતંત્ર્ય-સુવર્ણજયંતી વિશેષાંક – 1998 (ગત 50 વર્ષ દરમિયાન ગુજરાતી સાહિત્યમાં કાવ્ય, વાર્તા, નવલકથા, નાટક, નિબંધ, વિવેચન, પત્રકારત્વ અને સાંસ્કૃતિક ભૂમિકાનું સરવૈયું વિહંગાવલોકન), (5) ગઝલ-વિશેષાંક  1998 (100 સાંપ્રત ગુજરાતી ગઝલો અને તેના કર્તાઓની તસવીર), (6) નાટ્ય-વિશેષાંક – 1999 (3 એકાંકીઓ, 2 દ્વિઅંકીઓ, 2 ત્રિઅંકીઓ), (7) 200મો અંક લલિતગદ્ય-વિશેષાંક  ‘લાલિત્ય’ – 2000 (લલિતગદ્ય 50 કૃતિઓની પ્રસ્તુતિ), (8) ગીત-વિશેષાંક – 2000 (70 ગીતો, પરંપરાનાં ચૂંટેલાં ગીતો, 9 ગીતકારોની મુલાકાત તેમજ ગીત વિશે 2 અભ્યાસલેખો), (9) હાસ્ય-વિશેષાંક – 2001 (‘પુનરપિ’ શીર્ષક હેઠળ અગાઉ પ્રગટ પુસ્તકમાંથી ચૂંટેલા 35 હાસ્યલેખો તેમજ વર્તમાન લેખકોના 16 લેખો), (10) નારીલેખન-વિશેષાંક – 2002 (26 કવયિત્રીઓનાં કાવ્યો, 16 વાર્તાઓ, 9 સ્મરણલેખો, 5 નિબંધો, 1 નાટક, 1 રેડિયોનાટક, 1 પત્ર, 3 હાસ્યલેખો, 1 વિચાર-વિસ્તાર, 2 અભ્યાસલેખો, બે મહિલા સાહિત્યકારની મુલાકાત), (11) અમેરિકામાં રચાતું ગુજરાતી સાહિત્ય  વિશેષાંક – 2003 (15 કવિઓની રચનાઓ, 12 વાર્તાકારોની વાર્તાઓ, 1 સંસ્મરણ, 1 રેખાચિત્ર, 1 હાસ્યલેખ, 1 નાટક, 2 અભ્યાસલેખો, 1 વિચાર-વિસ્તાર, 1 ભાવચિંતન વિશે લેખ, 1 ડાયસ્પોરા વિશે લેખ), (12) ગુજરાતી દલિત સાહિત્ય-વિશેષાંક – 2003 (30 કવિઓની રચનાઓ, 13 વાર્તાકારોની વાર્તાઓ, 1 અનુભવકથા, 2 સ્મરણકથાઓ, 1 રેખાચિત્ર, 9 અભ્યાસલેખો), (13) કાવ્યાસ્વાદ- વિશેષાંક – 2004 (60 કાવ્યોના જુદા જુદા આસ્વાદકોએ કરાવેલા આસ્વાદો). તે પછીનો વિશેષાંક કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ જેમને મળ્યો છે તેમાં ઈ. સ. 1955થી ઈ. સ. 2004 દરમિયાનનાં ગુજરાતીનાં પુસ્તકો અંગેના આસ્વાદલેખો અંગેનો તૈયાર થઈ રહ્યો છે.

દિનેશ દેસાઈ