શત્રુંજય પરનાં મંદિરો

January, 2006

શત્રુંજય પરનાં મંદિરો : જૈનોનું મહિમાવંતું ગિરિતીર્થ. જૈનોમાં મહાતીર્થ અને તીર્થાધિરાજ તરીકે એનું ગૌરવ-ગાન કરવામાં આવે છે. ‘એ સમ તીરથ ન કોય’ – એની તોલે આવી શકે એવું બીજું કોઈ તીર્થ નથી – એમ કહીને, એનો અપરંપાર મહિમા જૈન સંઘમાં વર્ણવવામાં આવ્યો છે. શ્રી ઋષભદેવ શ્રી શત્રુંજય પર્વત ઉપર સમવસર્યા હતા તેથી તે શ્રી ઋષભદેવના તીર્થ તરીકે પ્રસિદ્ધ છે.

શ્રી ઋષભદેવના પ્રથમ ગણધર પુંડરીકસ્વામી આ મહાતીર્થ ઉપર નિર્વાણ પામ્યા હતા, તેથી આ તીર્થ પુંડરીકગિરિ તરીકે પણ પ્રસિદ્ધ છે. આ ગિરિરાજના માહાત્મ્યને વર્ણવતા અનેક ગ્રંથો લખાયા છે; જેમ કે, ‘શ્રી શત્રુંજયમાહાત્મ્ય’, ‘શત્રુંજયલઘુકલ્પ’, ‘શ્રીશત્રુંજયતીર્થો-દ્ધારપ્રબંધ’, ‘શ્રીશત્રુંજયતીર્થોદ્ધાર રાસ’ વગેરે. જૈન પરંપરા પ્રમાણે શ્રી શત્રુંજય તીર્થના 16 ઉદ્ધારો થયેલા છે અને સત્તરમો ઉદ્ધાર ભવિષ્યમાં થશે તેવી માન્યતા છે. આ પર્વત ઉપર નવ ટૂક આવેલી છે. નવ ટૂક ઉપર બંધાયેલાં નાનાં-મોટાં મંદિરોની સંખ્યા સેંકડોની છે. પર્વત ઉપર આટલી મોટી સંખ્યામાં મંદિરો અહીં જ જોવા મળે છે. આથી આને ‘મંદિરોનું નગર’ કહેવામાં આવે છે. નવ ટૂક આ પ્રમાણે છે – દાદાની મોટી ટૂક, ચોમુખજીની (ખરતરવસહીની) ટૂક, છીપાવસહીની ટૂક, સાકરવસહીની ટૂક, નંદીશ્વરદ્વીપની ટૂક, હેમાભાઈની ટૂક, મોદીની ટૂક (પ્રેમાવસહી), બાલાભાઈની ટૂક (બાલાવસહી) અને મોતીશાની ટૂક.

આ ગિરિરાજના નગરમાં પ્રવેશવા માટેનો મુખ્ય રસ્તો જય-તલાટીનો છે. આ રસ્તે 3745 પગથિયાં છે. આખો રસ્તો રામપોળ સુધી અઢી માઈલનો થાય છે. દાદાની ટૂક અહીંની મહત્ત્વની ટૂક છે. દાદા તરીકે પૂજાતા શ્રી આદીશ્વર(ઋષભદેવ)નું મુખ્ય મંદિર અહીં હોવાથી આ ટૂક એ નામે ઓળખાય છે. ભરત મહારાજાથી માંડીને કરમાશા સુધી સોળ ઉદ્ધાર થયા છે. વર્તમાન મંદિર વિ. સં. 1213માં બાહડમંત્રીએ કરેલા ઉદ્ધારનું છે. પંદરમા અને સોળમા ઉદ્ધારમાં તેનું સમારકામ થયું હતું; પરંતુ નવું બંધાયું નથી. કરમાશાના સમયના ઉદ્ધાર અંગેનો લેખ શ્રી આદીશ્વરની પ્રતિમા ઉપર વિદ્યમાન છે. પ્રતિમાજીને ફરતું પરિકર ત્યારે ન હતું. વિદ્યમાન પરિકર અમદાવાદના શા. શાંતિદાસ વગેરેએ ભરાવેલું છે. તેની પ્રતિષ્ઠા વિ. સં. 1670માં શ્રી વિજયદેવસૂરિ મહારાજે કરાવી હતી. મંદિરના રંગમંડપના એક સ્તંભ પર 87 પંક્તિઓનો શિલાલેખ છે; જેમાં મૂળ મંદિરનું નામ ‘નંદીવર્ધન’ જણાવ્યું છે. મંદિરનો મંડપ બે માળનો છે.

આ ટૂક પર અન્ય મંદિરો પણ આવેલાં છે. સં. 1718માં ઉગ્રસેનપુરના વર્ધમાન શાહે બનાવેલ સહસ્રકૂટના મંદિરમાં 1024 પ્રતિમાઓનું આયોજન નોંધપાત્ર છે. રાયણપગલાંની દેરી, શ્રી આદીશ્વરનું નવું મંદિર, સમ્મેત શિખરનું દેરાસર, સિમંધર સ્વામીનું મંદિર, પાંચ ભાઈઓનું મંદિર, શ્રી પુંડરીક સ્વામીનું મંદિર વગેરે ઉલ્લેખનીય છે.

ચૌમુખજી(ખરતરવસહી)ની ટૂક પરનું મુખ્ય મંદિર ચૌમુખજી છે; તેથી આ ટૂક તેમના નામે પણ ઓળખાય છે. મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં પોરવાડ જ્ઞાતિના સંઘવી રૂપજીએ શત્રુંજયની યાત્રા માટેનો સંઘ કાઢીને આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું અને જિનરાજસૂરિએ એની પ્રતિષ્ઠા કરેલી. ગર્ભગૃહમાં ચારેય દિશામાં મુખ રાખીને આસનસ્થ આદીશ્વરની આરસની ચાર પ્રતિમાઓ બિરાજમાન છે. આથી આ મંદિર ચતુર્મુખવિહાર અથવા ચોમુખજીના મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરની સન્મુખે શ્રીપુંડરીક સ્વામીનું મંદિર છે. આ ટૂક પરનાં અન્ય મંદિરોમાં સહસ્રકૂટનું મંદિર, શાંતિનાથ, પાર્શ્વનાથ, સિમંધરસ્વામી અને અજિતનાથનાં મંદિરો ઉલ્લેખનીય છે. આ ટૂકમાંથી પાછળની બારીમાંથી બહાર નીકળતાં પાંડવોનું દેરાસર આવેલું છે.

છીપાવસહી(ભાવસારની ટૂક)માં ટોડરવિહાર નામનું મંદિર, શ્રેયાંસનાથનું મંદિર, અજિતનાથ અને શાંતિનાથનાં અડોઅડ આવેલાં મંદિર, ઋષભદેવનું મંદિર, નેમિનાથનું મંદિર, પાર્શ્વનાથનું મંદિર વગેરે મંદિરો આવેલાં છે.

સાકરવસહીની ટૂકમાં ત્રણ દેરાસર અને 21 દેરીઓ આવેલ છે. મૂળ મંદિર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું છે. નંદીશ્વર દ્વીપની ટૂક (ઊજમ ફોઈની ટૂક) પર મુખ્ય મંદિર શ્રીનંદીશ્વર દ્વીપનું છે. આ ઉપરાંત કુંથુનાથ અને શાંતિનાથનાં મંદિરો આવેલાં છે. હેમાવસહી ટૂક પર અજિતનાથ, પુંડરીકસ્વામી અને ચૌમુખ મંદિરો આવેલાં છે. મુખ્ય મંદિર અજિતનાથનું છે. મોદીની ટૂક (પ્રેમાવસહી) પરનું મુખ્ય મંદિર ઋષભદેવનું છે. ટૂકમાં પ્રવેશતાં એક બાજુએ સહસ્રફણા પાર્શ્વનાથનું મંદિર છે. આ ટૂકથી આગળ ઊતરતાં શ્રી અદબદજીનું દેરાસર આવે છે. આ મંદિર શ્રી આદીશ્વરનું છે. તેમાં આદીશ્વરની પ્રતિમા 5.5 મીટર (18 ફૂટ) ઊંચી અને 4.5 મીટર (141 ફૂટ) પહોળી છે. આ વિશાળ પ્રતિમા હોવાથી ‘અદબદજી’ એમ બોલાય છે. બાલાવસહી (બાલાભાઈની) ટૂક પર આદીશ્વર, પુંડરીક સ્વામી, ચોમુખજી, વાસુપૂજ્યસ્વામી, અજિતનાથ અને શાંતિનાથનાં મંદિરો આવેલાં છે. મોતીશાની ટૂક પર આદીશ્વર, પુંડરીકસ્વામી, ધર્મનાથ ચૌમુખજી, ઋષભદેવ, પદ્મપ્રભુ, પાર્શ્વનાથ, સહસ્રકૂટ, સુપાર્શ્વનાથ અને મહાવીરસ્વામીનાં મંદિર આવેલાં છે.

ગિરિરાજની બધીયે ટૂકને આવરી લેતા કોટની રચના કરવામાં આવી છે. તેમાં પ્રવેશવાના ત્રણ દરવાજા છે. મોટો દરવાજો રામપોળ તરીકે ઓળખાય છે; બીજા બે દરવાજા નાની બારી જેવા છે તે પૈકી એક ઘેટીની બારી અને બીજી નવટૂકની બારી તરીકે ઓળખાય છે.

શત્રુંજય પરનાં મંદિરો

કોટનો ઘેરાવો દોઢ ગાઉ જેટલો છે. પ્રતિમા પરના લેખો અને શિલાલેખોની કુલ સંખ્યા 586 જેટલી છે.

ટૂક પરનાં મંદિરો અને પ્રતિમાઓ

ટૂકનું નામ પાષાણ- પ્રતિમાઓ ધાતુ-પ્રતિમાઓ મોટાં મંદિર નાની દેરીઓ
1. દાદાની મોટી ટૂક 4339 50 44 289
2. ચોમુખજીની ટૂક 702 10 11 74
3. છીપાવસહીની ટૂક 48 06
14 7 ખાલી
4. સાકરવસહીની ટૂક 1359 01 02 35
8 ખાલી
5. નંદીશ્વરદ્વીપની ટૂક 288 02 06
6. હેમાભાઈની ટૂક 265 04 34
3 ખાલી
7. મોદીની ટૂક 525 01 04 31
8. બાલાભાઈની ટૂક 270 458 04 13
9. મોતીશાની ટૂક 3011 145 16 181

થૉમસ પરમાર