શતાવરી : એકદળી વર્ગમાં આવેલા બિલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Asparagus racemosus Willd. (બં. શતમૂલી; ગુ. એકલકંટો, સતાવરી, સસલાચારો; હિં. ચાતવાલ, સતાવર, સતમૂલી; મ. આસવેલ, શતાવરી, શતમૂલી; ક. અહેરુબલ્લી, આશાધી; મલ. ચાતવાલી, સતાવરી; ત. અમૈકોડી, ઇન્લી-ચેડી, કડુમૂલા, શિમૈશડાવરી; તે. પિલ્લી-ગડ્ડાલુ, તોઆલા-ગડ્ડાલુ) છે. આ પ્રજાતિની જાતિઓ ઉપ-ક્ષુપ (under-shrub) કે શાકીય (herb) હોય છે અને તેમનું વિતરણ જૂની દુનિયાના સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 22 જેટલી જાતિઓ થાય છે.

શતાવરીનો છોડ

શતાવરી એક ખૂબ મોટી આરોહી, કંટકીય, ઉપક્ષુપીય સાકંદ (tuberous) મૂળો ધરાવતી વનસ્પતિ છે. તેનો મૂલવૃન્ત (root stock) ટૂંકો હોય છે. તેના ઉપર અનેક ત્રાકાકાર, માંસલ સાકંદ મૂળો ઉત્પન્ન થાય છે. આ મૂળ 30થી 100 સેમી. લાંબાં અને 1થી 2 સેમી. જાડાં હોય છે. તે આંદામાન સહિતના ભારતના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં પ્રાકૃતિક રીતે ઊગે છે. હિમાલયમાં તે 1,500 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેનું પ્રકાંડ કાષ્ઠમય, સફેદ-ભૂખરું કે બદામી હોય છે અને 5થી 13 મિમી. લાંબાં, સીધાં કે વક્ર, મજબૂત કંટ ધરાવે છે. તેના કક્ષમાંથી ઉત્પન્ન થતી શાખાઓ પર આવેલી ગાંઠો પર નાનાં પર્ણો શલ્કી (scaly) કે અર્ધ-વક્ર કંટ સ્વરૂપે જોવા મળે છે. આ શલ્કી કે કંટમય પર્ણોની કક્ષમાંથી 2થી 6 લીલી, સોયાકાર અને અણીદાર શાખાઓ ઉત્પન્ન થાય છે. આ શાખાઓ એક જ આંતરગાંઠની બનેલી હોવાથી તેમને એકપર્વીય પર્ણ-કાર્ય સ્તંભ કે પત્રકાંડ (cladode) કહે છે. પુષ્પો નાનાં, સફેદ, સુગંધિત, દ્વિલિંગી, સદંડી, પુષ્કળ સંખ્યામાં અને સરળ કે શાખિત, 7થી 10 સેમી. લાંબી કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. પુષ્પોનો વિકાસક્રમ અગ્રાભિવર્ધી (acropetal) હોય છે. ફળો અનષ્ઠિલ (berry) પ્રકારનાં, ત્રિખંડી, ગોળ, 4થી 6 મિમી. વ્યાસવાળાં અને સિંદૂરી લાલ રંગનાં હોય છે.

ભારતમાં તેની ત્રણ જાતો (varieties) થાય છે : (1) Var. racemosus : અર્ધછાયિત મેદાનોમાં અને કર્ણાટકના હસન જિલ્લાના ઉપરિઘાટમાં થાય છે; (2) Var. javanicus Baker syn. A. javanica mig : દક્ષિણ ભારત, સૌરાષ્ટ્ર અને ભોપાલ(મધ્યપ્રદેશ)માં થાય છે અને (3) Var. subacerosa Baker 300થી 1,200 મી. ઊંચાઈએ સિક્કિમમાં થાય છે. આ વનસ્પતિ ઉપરિ ગંગાનાં મેદાનોમાં અને બિહારની પઠાર (plateau) ભૂમિમાં ખૂબ સામાન્ય છે.

શતાવરી નદીની રેતી સાથે મિશ્રિત બ્લૅક કૉટન મૃદામાં સારી રીતે થાય છે. તેનું પ્રસર્જન અસ્થાનિક મૂળો દ્વારા પણ કરવામાં આવે છે. તેમને ગાયના પ્રવાહીમય છાણમાં 24 કલાક માટે ડુબાડી રાખી ધરુવાડિયામાં રોપવામાં આવે છે. ચોમાસામાં તેમનું ખરપિયા વડે ખેડવાનું અને નીંદણ કાઢી નાખવાનું જરૂરી હોય છે. 2, 4-D જેવા વિપત્રકો(defoliators)ના છંટકાવથી પત્રકાંડોની સંખ્યા ઘટે છે અને મૂળનું ઉત્પાદન વધે છે. વધારે પડતું પાણી મૂળની વૃદ્ધિ અવરોધે છે. 50 કિગ્રા./હેક્ટરના દરે નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાથી લાભ થાય છે.

તેનાં સફેદ સાકંદ મૂળ ખોરાક માટે એકત્રિત કરવામાં આવે છે અને ઔષધીય દૃષ્ટિએ સફેદ મૂસળીનો એક પ્રકાર બનાવે છે, સ્વાદે તેઓ મીઠાં અને કડવાં હોય છે અને કોઈ સ્પષ્ટ સુગંધ ધરાવતાં નથી.

તે શતાવરીન Iથી IV – એમ ચાર પ્રકારનાં સેપોનિન ધરાવે છે. શતાવરીન IV રહેમ્નોઝના એક અણુ અને ગ્લુકોઝના એક અણુ વડે બનતો સારસાસેપોજેનિન નામનો ગ્લાયકોસાઇડ છે. 20 માઇક્રોગ્રા.થી 500 માઇક્રોગ્રા.ની માત્રામાં સેપોનિન આપવાથી ઉંદર ગિનીપિગ અને સસલાના ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન પ્રેરતા સિન્ટૉસિનોન(ઑક્સિટૉસિન)નો વિશિષ્ટ અવરોધ ઉત્પન્ન થાય છે. તે ગર્ભાશયની થતી સ્વયંવર્તી હલનચલનની ક્રિયાને પણ અવરોધે છે. તેની છાલ જીવાણુરોધી અને ફૂગરોધી સક્રિયતા દર્શાવે છે; જ્યારે તેના હવાઈ ભાગો પ્રાયોગિક પ્રાણીઓમાં કંઠનળીનું કૅન્સર કરે છે. મૂળના જલીય નિષ્કર્ષ Meloidogyne arenaria (Neal) અને M. javanica Treub-થી ઈંડાની સેવનક્રિયાને અવરોધે છે. મંદ માત્રામાં સક્રિય ઘટક અસરકારક હોતો નથી.

તેનાં તાજાં મૂળ સાફ કરી કાપીને ભેંસને આપવાથી દૂધનું ઉત્પાદન વધે છે. તેના સફેદ તરુણ પ્રરોહોનો મુરબ્બો બનાવાય છે અને શાકભાજી તરીકે ખવાય છે. તેના કંદને ખાંડ પાઈને મીઠાઈ બનાવાય છે. તેનાં પુષ્પો હવામાં લાંબા અંતર સુધી સુવાસ આપે છે. તેઓ ક્વિર્સેટિન, રુટિન (2.5 %, શુષ્કતાને આધારે) અને હાઇપરોસાઇડ ધરાવે છે. પરિપક્વ ફળો ઉપર્યુક્ત ગ્લાયકોસાઇડ ઉપરાંત સાયનિડિન-3-ગૅલેક્ટોસાઇડ અને સાયનિડિન-3-ગ્લુકોર્હેમ્નોસાઇડ ધરાવે છે. પર્ણો ડાયોસ્જેનિન અને ક્વિર્સેટિન-3-ગ્લુક્યુરોનાઇડ ધરાવે છે.

  1. adscendens Roxb. (ગુ. ધોળી મૂસળી, ઊજળી મૂસળી; હિં. હઝારમૂલી, સતાવર, સતમૂલી, સફેદ મૂસલી; મ. સફેદ મૂસલી) ઉપોન્નત (sub-erect) કાંટાળો ક્ષુપ છે અને સફેદ સાકંદ મૂળો અને મજબૂત પ્રકાંડ ધરાવે છે. તે પશ્ચિમ હિમાલય, હિમાચલ પ્રદેશ અને કુમોનમાં 1,500 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તે મોટેભાગે જંગલ- વિસ્તારમાં, ગોચર, પડતર જમીન કે શેઢાપાળે વાડ કે વૃક્ષોનો ટેકો લઈને ઊગે છે.

ઔષધ તરીકે સૂકા મૂળનો ઉપયોગ થતો હોવાથી મૂળ ઉપરની છાલ કાઢવી જરૂરી હોય છે. ચોમાસું પૂરું થતાં જમીનમાં ભેજ ઓછો હોય ત્યારે જમીનમાંથી મૂળ ખોદીને કાઢવામાં આવે છે. A. adscendensનાં મૂળને જમીનમાંથી ખોદીને 1થી 2 દિવસ સૂર્યના તડકામાં સૂકવતાં તેના મૂળ ઉપરની છાલને હાથ વડે સરળતાથી છૂટી પાડી શકાય છે. છાલ કાઢેલાં મૂળને પાણીથી સાફ કરી તડકામાં સૂકવતાં એકાદ અઠવાડિયામાં મૂળ સુકાઈ જાય છે. A. racemosusમાં મૂળ પરની છાલ ધારવાળા ચપ્પા વડે છોલીને છૂટી પાડી તડકે સૂકવવામાં આવે છે.

શતાવરીનાં મૂળ

શુષ્ક છાલરહિત સાકંદ મૂળમાંથી પીળાશ પડતું સફેદ ચૂર્ણ બને છે; જેમાં પાણી 11.4 %, લિપિડ 0.87 %, પ્રોટીન 5.44 %, સેપોનિન 5.02 %, કાર્બોદિત (યુરોનિક ઍસિડ અને મુક્ત શર્કરાઓ સહિત) 46.84 %, અશુદ્ધ રેસો 23.42 %, અકાર્બનિક દ્રવ્ય 7.02 % અને ભસ્મ 6.28 % હોય છે. કાર્બોદિત ઘટક મુક્ત શર્કરાઓ 35.0 %, શ્લેષ્મ 2.3 %, હેમિસેલ્યુલૉઝ 6.1 % અને અદ્રાવ્ય પૉલિસૅકેરાઇડ 3.4 %નો બનેલો છે. હેમિસેલ્યુલૉઝ ઝાયલૉઝ, ગ્લુકોઝ અને ગ્લુક્યુરોનિક ઍસિડનો બનેલો છે. શ્લેષ્મ શર્કરાઓ ઉપરાંત મેનોઝ ધરાવે છે. સાકંદ મૂળની છાલમાંથી મળતું બાષ્પશીલ તેલ ખસના તેલ સાથે સામ્ય ધરાવે છે.

મૂળ અતિસાર (diarrhoea) અને મરડો મટાડે છે. તે A. officinalis-ની અવેજીમાં વપરાય છે. મૂળની છાલ વાજીકર (aphrodisiac) છે. મૂળ સ્ટેરોઇડીય સેપોનિન ધરાવે છે; જે કેટલાક રોગજન્ય સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અવરોધે છે.

સાકંદ મૂળમાંથી અથાણું બનાવવામાં આવે છે અને તેના કુમળા પ્રરોહો શાકભાજીમાં વપરાય છે. બીજમાં પ્રોટીન (6.0 %) અને તેલ 5.9 %) હોય છે. વનસ્પતિમાં સારસાસેપોજેનિન હોય છે.

  1. officinalis-ના ખાદ્ય, લીલા પ્રરોહો પોષક અને વિટામિનથી ભરપૂર હોય છે. તેના પ્રરોહનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 93 %, પ્રોટીન 2.2 %, લિપિડ 0.2 %, કાર્બોદિત (કુલ) 3.9 %, રેસો 0.7 % અને ભસ્મ 0.7 % હોય છે. ખનિજદ્રવ્યોમાં કૅલ્શિયમ 21.0 મિગ્રા., ફૉસ્ફરસ 62.0 મિગ્રા., લોહ 0.9 મિગ્રા., મૅગ્નેશિયમ 12.0 મિગ્રા., પોટૅશિયમ 187 મિગ્રા., સોડિયમ 3 મિગ્રા., ક્લોરિન 36.0 મિગ્રા અને સલ્ફર 46 મિગ્રા./100 ગ્રા. હોય છે. પ્રરોહમાં વિટામિન ‘એ’ 1,000 આઇ.યુ., થાયેમિન 0.16 મિગ્રા., રાઇબો ફ્લેવિન 0.19 મિગ્રા., નાયેસિન 1.4 મિગ્રા. અને વિટામિન ‘સી’ 33 મિગ્રા./100 ગ્રા. હોય છે. તે એસ્પેરેજિન ધરાવે છે. તે મૂત્રલ (diuretic) છે અને હૃદ્-જલોદર અને દીર્ઘકાલીન ગાઉટ(gout)માં વપરાય છે. પ્રરોહ બે ફ્યુરોસ્ટેનોલ સેપોનિન ધરાવે છે. તરુણ પ્રરોહમાં આવેલાં એન્થોસાયનિન રંજકદ્રવ્યોમાં સાયનિડિન-3-ર્હેમ્નોસિલ ગ્લુકોસાઇડ પિયોનિડિન-3-ગ્લુકોસિલ રહેમ્નોસિલ ગ્લુકોસાઇડ અને પિયોનિડિન – 3-રહેમ્નોસિલ ગ્લુકોસાઇડનો સમાવેશ થાય છે.

પાંડુરિત (etiolated) કે વિવર્ણિત (blanched) તરુણ પ્રરોહ એસ્પેરેગસિક ઍસિડ (C4H6O2S2), ડાઇહાઇડ્રૉએસ્પેરેગસિક ઍસિડ (C4H8O2S2), Sએસિટિલ ડાઇહાઇડ્રૉએસ્પેરેગસિક ઍસિડ (C6H10O3S2), એસ્પેરેગસિક ઍસિડઍન્ટિSઑક્સાઇડ (C9H6O3S2) અને તેના ત્રિપરિમાણી સમઘટક (stereo isomer) ધરાવે છે. આ સંયોજનો (6.67 × 10-7 – 6.67 × 104 M સાંદ્રતાએ) વનસ્પતિ-વૃદ્ધિના અવરોધકો તરીકે ખૂબ અસરકારક હોય છે. તેમની અવરોધક-પ્રક્રિયા ઍબ્સિસિક ઍસિડ જેવી હોય છે.

પ્રરોહો કરતાં મૂળ વધારે મૂત્રલ હોય છે અને જલોદરમાં તેમની ભલામણ કરવામાં આવે છે. તેઓ સ્વાદ અને સુગંધરહિત હોય છે અને શરબતના સ્વરૂપમાં આપવામાં આવે છે. તેઓ શક્તિશાળી હૃદ્-શામક છે. મૂળનો આસવ કમળામાં અપાય છે. તેમનો ઉપયોગ ક્ષુધા-ઉત્તેજક (apetizer) અને શિસ્ટોસ્ટોમા-રુગ્ણતા(schistosomiasis)માં થાય છે. તે ક્ષય અને અન્ય રોગજન સૂક્ષ્મ જીવો સામે અવરોધક સક્રિયતા દાખવે છે. મૂળના મિથેનોલીય નિષ્કર્ષમાંથી 11 પદાર્થો અલગ કરવામાં આવ્યા છે : b-સિટોસ્ટેરોલ, સારસાસેપોજેનિન અને ઍસ્પેરેગોસાઇડ Aથી ઍસ્પેરેગોસાઇડ I (સ્ટેરોઇડીય ગ્લાયકોસાઇડો). મૂળમાંથી 0.011 % બાષ્પશીલ તેલ પ્રાપ્ત થાય છે.

યુરોપમાં તેનાં ભૂંજેલાં બીજ કૉફીની અવેજીમાં વપરાય છે. તેમાંથી તેલ (15 %) મળે છે.

આ વનસ્પતિ શામક (demulcent), મૂત્રલ, રેચક અને હૃદ્-શામક છે. તે ત્વચા-ઉત્તેજક હોય છે અને ત્વચાશોથ (dermatitis) માટે જવાબદાર છે. આ વનસ્પતિનું ટિંક્ચર મૂત્રરોગો અને સંધિવામાં વપરાય છે. તાજાં કે સૂકાં ફળોના કાઢાનો યુરોપમાં ગર્ભનિરોધક તરીકે ઉપયોગ થાય છે. આ વનસ્પતિ ઢોરો માટે વિષાળુ હોવાનું નોંધાયું છે.

આયુર્વેદ અનુસાર, શતાવરી શીત, વૃષ્ય, મધુર, કડવી, રસાયન, સ્વાદુ, ગુરુ, સ્નિગ્ધ, દુગ્ધપ્રદ, બલ્ય, મેધ્ય, અગ્નિદીપક, પૌષ્ટિક અને ચક્ષુષ્ય છે. તે પિત્ત, કફ, વાયુ, ક્ષય, રક્તદોષ, સોજો, ગુલ્મ અને અતિસારનો નાશ કરે છે. મહાશતાવરી હૃદ્ય, મેધ્ય, અગ્નિદીપન, બલ્ય, શુક્લ, શીત, રસાયન અને વૃષ્ય છે. તે સંગ્રહણી, અર્શ અને નેત્રરોગનો નાશ કરે છે; બાકીના ગુણ શતાવરી સાથે મળતા આવે છે. શતાવરીના અંકુર કડવા, વૃષ્ય, લઘુ અને હૃદયને હિતકારી હોવાથી ત્રિદોષ, પિત્ત, વાતરક્ત, અર્શ અને સંગ્રહણીનો નાશ કરે છે. શતાવરી ધાતુપૌષ્ટિક પણ ગણાય છે.

તેનો ઉપયોગ સ્તનમાં દૂધ વધારે આવવા માટે, દાહ અને સર્વ પ્રકારના શૂળ ઉપર, ટાઢિયા તાવ ઉપર, કૂતરાના વિષ અને પથરી ઉપર; પિત્તપ્રદર, ધાતુવૃદ્ધિ, અપસ્માર અને વાતજ્વર ઉપર, રક્તશુદ્ધિ માટે, રક્તાતિસાર અને ત્રિદોષથી થયેલા મૂત્રકૃચ્છ્ર પર થાય છે. અમ્લપિત્ત પર શતાવરીઘૃત આપવામાં આવે છે. શતાવર્યાદિ ક્વાથ પિત્તના મૂત્રકૃચ્છ્ર પર અપાય છે. મહાવિષ્ણુતેલ સર્વ પ્રકારના વાતરોગ ઉપર ઉત્તમ ગુણકારી છે. ગૂમડાં પાકવા માટે અને શીતળાનું જોર ઓછું કરવા શતાવરી ઉપયોગમાં લેવાય છે.

મહેશભાઈ અંબાલાલ પટેલ

દિનકરભાઈ હરિભાઈ પટેલ

એસ. શ્રીરામ

બળદેવભાઈ પટેલ