શતવર્ષીય યુદ્ધ

January, 2006

શતવર્ષીય યુદ્ધ (1337-1453) : ફ્રાન્સ ઉપર અંકુશ મેળવવા વાસ્તે પાંચ અંગ્રેજ અને પાંચ ફ્રેન્ચ રાજાઓના શાસન સુધી વિસ્તરેલ યુદ્ધ. ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ વચ્ચેના આ સંઘર્ષમાં યુદ્ધવિરામો તથા સંધિઓનો ભંગ કરીને યુદ્ધો કરવામાં આવ્યાં હતાં. ઈ. સ. 1204માં અંગ્રેજોએ ફ્રાન્સમાં આવેલું નૉર્મન્ડી ગુમાવ્યું, તે યુદ્ધનું પાયાનું કારણ બન્યું. યુદ્ધ માટે બીજાં કારણો પણ જવાબદાર હતાં. ફ્રાન્સની નૈર્ઋત્યમાં આવેલ અંગ્રેજોના અંકુશ હેઠળના ગાસ્કોની પ્રાંત ઉપર અંકુશ મેળવવાના ફ્રેન્ચ રાજાઓના પ્રયાસોથી અંગ્રેજો ગુસ્સે થયા હતા. ફ્રેન્ચોએ ઇંગ્લૅન્ડ વિરુદ્ધ સ્કૉટ લોકોને ટેકો આપ્યો અને તેમણે અંગ્રેજોના ઊનના વેપારને અંકુશમાં રાખવા પ્રયાસો કર્યા. ઇંગ્લિશ ચૅનલમાં અધિકારો વાસ્તે અંગ્રેજ અને ફ્રેન્ચ નાવિકો તથા માછીમારો ઝઘડ્યા. ઇંગ્લૅન્ડમાં એડ્વર્ડ 3જો 1327માં ગાદીએ બેઠો. તેની માતા, ત્રણ ફ્રેન્ચ રાજાઓની બહેન થતી હતી; તેણે 1337માં ફ્રાન્સની ગાદી ઉપર વિધિસરનો પોતાનો દાવો કર્યો. તેણે શતવર્ષીય યુદ્ધ શરૂ કરવા નૉર્મન્ડીમાં લશ્કર ઉતાર્યું. પ્રથમ મહત્ત્વની લડાઈ 1346માં ક્રેસીમાં થઈ. તેમાં ફ્રેન્ચો ઉપર એડ્વર્ડે ભવ્ય વિજય મેળવ્યો. બ્લૅક પ્રિન્સ નામથી ઓળખાતા તેના પુત્ર એડ્વર્ડે પોઇટિયર્સમાં 1356માં બીજો મહાન વિજય મેળવ્યો.

ઇંગ્લૅન્ડને વિજયો મળવા છતાં, યુદ્ધ લંબાતું રહ્યું. અંગ્રેજ લોકોએ લાંબા યુદ્ધનો વિરોધ કરવા માંડ્યો અને યુદ્ધ માટે જરૂરી ઊંચા કરવેરા મંજૂર કરવાનો પાર્લમેન્ટે ઇનકાર કર્યો. ઈ. સ. 1381માં, રિચર્ડ 2જાના શાસન દરમિયાન, વેટ ટાઇલર નામના લુહારે ફરજિયાત મજૂરી અને ભારે કરવેરા સામે, ખેડૂતોના બળવાની આગેવાની લીધી. રાજાના લશ્કરે તરત બળવો દાબી દીધો. બળવા પછી, રાજા રિચર્ડે પાર્લમેન્ટ વિના રાજ્ય કરવા માંડ્યું; પરંતુ તેને રાજ કરતાં આવડ્યું નહિ. તેણે એવું ખરાબ શાસન કર્યું કે દેશના લોકો તેના વિરોધી થઈ ગયા. ઈ. સ. 1399માં તેને ગાદીત્યાગ કરવાની ફરજ પડી. પાર્લમેન્ટે રાજા તરીકે ડ્યૂક ઑવ્ લકેસ્ટરને પસંદ કરીને હેન્રી 4થો નામ આપ્યું. તેણે પોતાનો ઘણો સમય અંગ્રેજ ઉમરાવો સામે લડાઈઓ કરવામાં વિતાવ્યો અને ફ્રાન્સ સાથેના યુદ્ધ તરફ ધ્યાન આપ્યું નહિ; પરન્તુ તેના પુત્ર, હેન્રી 5માને શતવર્ષીય યુદ્ધ ચાલુ રાખવા વાસ્તે લોકોનો ટેકો મળ્યો.

ઈ. સ. 1415માં, એગીનકૉર્ટમાં હેન્રી 5માને મહાન વિજય મળ્યો. તે પછી તેણે પોતાને રીજન્ટ (રાજાના વતી શાસનકર્તા) તરીકે તથા ફ્રેન્ચ રાજગાદીના વારસ તરીકે સ્વીકારવાની ફ્રાન્સના રાજાને ફરજ પાડી. હેન્રી 1422માં અવસાન પામ્યો પછી ફ્રેન્ચોએ રાજગાદી પર અંગ્રેજોના દાવાનો વિરોધ કર્યો; અને તેથી યુદ્ધ ફરીથી ફાટી નીકળ્યું. ઈ. સ. 1428 સુધીમાં અંગ્રેજોએ ઉત્તર ફ્રાન્સ કબજે કર્યું; પરન્તુ 1429માં પરિસ્થિતિએ પલટો લીધો. જૉન ઑવ્ આર્ક નામની ખેડૂતની છોકરીના નેતૃત્વ હેઠળ ફ્રેન્ચ સેનાએ ઓર્લિયન્સ નજીક અંગ્રેજોને હરાવ્યા. તે પછી ફ્રેન્ચોને વિજયો મળ્યા. 1453માં યુદ્ધ પૂરું થયું ત્યારે અંગ્રેજોના અંકુશમાં માત્ર કેલે નગર હતું.

જયકુમાર ર. શુક્લ