શતકત્રય : ભર્તૃહરિ નામના કવિએ રચેલાં ત્રણ શતકકાવ્યો. ભર્તૃહરિએ રાજા અને એ પછી સંન્યાસી-જીવનમાં જે અનુભવો મેળવેલા તેનો સાર ‘નીતિશતક’, ‘શૃંગારશતક’ અને ‘વૈરાગ્યશતક’ ત્રણ કાવ્યોમાં રજૂ કર્યો છે. માનવજીવનના ચાર પુરુષાર્થોમાંથી ધર્મ અને અર્થ વિશેનું ચિંતન ‘નીતિશતક’માં, કામ વિશેનું ચિંતન ‘શૃંગારશતક’માં અને મોક્ષ વિશેનું ચિંતન ‘વૈરાગ્યશતક’માં રજૂ થયું છે. દરેકમાં શ્ર્લોકોની સો જેટલી સંખ્યા છે. કેટલાક પાછળના કવિઓએ રચેલા ક્ષેપક શ્ર્લોકો પણ તેમાં ઉમેરાવાથી શ્ર્લોકસંખ્યા સોથી વધુ થઈ છે; એટલું જ નહિ, મુંબઈના ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસે તો આ ત્રણ શતકો ઉપરાંત ચોથું ‘વિજ્ઞાનશતક’ પણ ભર્તૃહરિએ રચેલું છે એમ માની તે પ્રગટ કરેલું છે. તદુપરાંત, ‘યોગશતક’, ‘વિટવૃત્ત’, ‘વિદ્વચ્છતક’, ‘દરિદ્રશતક’, ‘વ્યવહારશતક’, ‘મૂર્ખશતક’ અને ‘ભર્તૃહરિસંહિતા’ પણ ભર્તૃહરિએ રચેલાં શતકકાવ્યો છે એવો પણ કેટલાક વિદ્વાનોનો મત છે. અલબત્ત, ‘નીતિશતક’, ‘શૃંગારશતક’ અને ‘વૈરાગ્યશતક’ – એ શતકત્રય ભર્તૃહરિની જ રચનાઓ હોવાનો મત બધા વિદ્વાનોને માન્ય છે.
(1) નીતિશતક : 110 શ્ર્લોકોના બનેલા આ શતકકાવ્યમાં મૂર્ખની નિંદા, વિદ્વાનની પ્રશંસા, માનશૌર્યનું સ્વરૂપ, અર્થનો મહિમા, દુર્જનની નિંદા, સુજનની પ્રશંસા, પરોપકારની ગરિમા, ધૈર્યના લાભ, દૈવની પ્રબળતા અને કર્મનું મહત્ત્વ વગેરે વિશે ભર્તૃહરિનું ચિંતન રજૂ થયું છે. જીવન જીવવા માટે ઉપયોગી સદ્ગુણો અને જીવન જીવવાની નીતિ આ ચિંતનના મુખ્ય મુદ્દાઓ છે. રોજ ખપ પડે તેવાં બોધવચનો ‘નીતિશતક’માં રહેલાં છે. માનવજીવનનાં અપેક્ષિત મૂલ્યો, વિધિ, નિષેધ અને અન્યોક્તિ દ્વારા કવિએ બતાવ્યાં છે.
(2) શૃંગારશતક : આ શતકકાવ્યમાં સ્ત્રીની પ્રશંસા, સંભોગનું વર્ણન, કામિનીનો તિરસ્કાર, સુવિરક્ત અને દુર્વિરક્તનું સ્વરૂપ, ઋતુઓનું વર્ણન વગેરે મુદ્દાઓ રજૂ થયા છે. માનવજીવનમાં શૃંગાર, વિલાસો અને કામુક સ્ત્રીપુરુષોના વ્યવહારોનું ચિત્ર ‘શૃંગારશતક’માં છે. જુદી જુદી ઋતુઓમાં સુંદર યુવતીઓની કામુકતા અને મોહકતાનો પ્રભાવ એમાં નિરૂપાયો છે. પ્રસ્તુત કાવ્યના અંતિમ શ્ર્લોકોમાં શૃંગારમાંથી વૈરાગ્યની વાત તરફ કવિ વળે છે તથા કામ અને શૃંગારનું સુખ મોક્ષના સુખ પાસે ક્ષુદ્ર છે એમ અંતે કવિ પ્રતિપાદિત કરે છે.
(3) વૈરાગ્યશતક : આ શતકકાવ્યમાં તૃષ્ણાના દોષો, વિષયોનો ત્યાગ, યાચનાનું દૂષણ, ભોગોની અસ્થિરતા, કાળનો મહિમા, યતિ અને રાજાનો સંવાદ, મનનું નિયંત્રણ, નિત્ય અને અનિત્ય વસ્તુનો વિચાર, શિવની પૂજા અને અવધૂતની ચર્યા વગેરે વિષયો વર્ણવવામાં આવ્યા છે. સંક્ષેપમાં, સંસારની અસારતા અને સંસારત્યાગની ભાવના આ શતકમાં જોવા મળે છે. વિષયસેવનને બદલે વનસેવન એ જીવનની સમસ્યાનો ઉકેલ છે – એમ કવિ માને છે સંસાર અમૃતમય છે કે વિષમય એવો પ્રશ્ન ખડો કરીને સંસારની અસારતા પર કવિ ભાર મૂકે છે. પરિણામે શિવનામસ્મરણ કરી જીવન સમાપ્ત કરવાની ઇચ્છા રાખે છે.
પ્રસ્તુત શતકત્રયમાં ભર્તૃહરિના જીવનના ત્રણ તબક્કાઓ દેખાય છે. કિશોર, યુવાન અને સંન્યાસી કે યોગી જીવનના એ ત્રણ તબક્કાઓની વાત ત્રણ શતકોમાં રજૂ થઈ છે. ચાર પુરુષાર્થો પણ આ ત્રણ શતકોમાં નિરૂપાયા છે. પ્રાસાદિક અને રસજનક શૈલી તથા પાણિનીય વ્યાકરણને ચુસ્તપણે અનુસરતી સંસ્કૃત ભાષામાં રચાયેલા આ શતકત્રયનું કાવ્યતત્ત્વ ચરમસીમાએ અનુભવાય છે. જીવનોપયોગી અર્થ અને એને સુંદર રીતે અભિવ્યક્ત કરતી શબ્દરચના શતકત્રયને સત્ત્વસુંદર બનાવે છે. ટૂંકમાં, શતકત્રય ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ઋષિમુનિઓની ઉજ્જ્વળ પરંપરા અને સદાચારનો પુરસ્કાર કરે છે. આથી પાછળના કવિઓ માટે આ ત્રણેય શતકો આદર્શ બન્યાં છે; એટલું જ નહિ, આલંકારિકોએ એમાંના ઘણા શ્ર્લોકો ઉદ્ધુત કર્યા છે અને સુભાષિતસંગ્રહોમાં પણ એમાંનાં ઘણાં સુભાષિતોને આદર્શ ગણી સમાવવામાં આવ્યાં છે.
પ્ર. ઉ. શાસ્ત્રી