શટર (કૅમેરા) : કૅમેરામાં પ્રકાશના પ્રવેશને નિયંત્રિત કરવા માટેનું સાધન. મુખ્યત્વે બે પ્રકારનાં શટરનો ઉપયોગ થઈ રહ્યો છે : (1) ‘ટ્વિન લેન્સ’ કૅમેરામાં બે લેન્સ વચ્ચેનું શટર : આમાં બે લેન્સ વચ્ચેના હવાયુક્ત ભાગમાં શટર જડેલું હોય છે. (2) પડદાવાળું શટર : આમાં .35 એમ.એમ.નાં ‘સિંગલ લેન્સ’ અસંખ્ય કૅમેરામાં બે લેન્સની બરાબર પાછળ, પરંતુ ફિલ્મની બરાબર સન્મુખ, અપારદર્શક બે પડદાવાળાં શટર હોય છે, એ બે પડદા ખૂલ-બંધ થવાથી યથાવશ્યક પ્રકાશ ફિલ્મ પર પાડે છે.
કૅમેરા એક તદ્દન અંધારી ડબ્બી છે. તેમાં એક છેડે ફિલ્મ હોય છે અને બીજા છેડે એક છિદ્ર, જેમાંથી પ્રકાશ પ્રવેશે છે અને ફિલ્મની રાસાયણિક દ્રવ્યવાળી ઝટ અસર થાય એવી સપાટી પર પડે છે અને પ્રતિમા ઝિલાય છે. સામાન્ય ‘બૉક્સ બ્રાઉની’ જેવા કૅમેરાથી માંડીને હજારો રૂપિયાની કિંમતના અતિઆધુનિક કૅમેરામાં આ જ પ્રકારની કામગીરી રહેતી હોય છે. તેનું મૂળ કાર્ય ફિલ્મ પર પ્રકાશ પાડીને પ્રતિમા ઉપસાવવાનું હોય છે.
પ્રકાશને પ્રવેશવાના છિદ્રને ‘ઍપર્ચર’ કહેવાય છે. છિદ્રમાં પ્રકાશના પ્રવેશવા પર નિયંત્રણ રાખવાનું કાર્ય બંધબેસતું કરી શકાય એવું ડાયફ્રેમ એટલે કે ધાતુની પાતળી પડદીઓ હોય છે. છિદ્રમાં પ્રકાશને પ્રવેશવા માટે લેન્સ હોય છે, જેમાંથી પ્રકાશ પ્રવેશીને પ્રતિમાને ફિલ્મ પર ફેંકે છે. યોગ્ય ક્ષણે બટનને થોડી ક્ષણો માટે દબાવવાથી શટર ખૂલે છે જેમાંથી જોઈતા પ્રમાણમાં પ્રકાશ પ્રવેશીને ફિલ્મ પર સંતોષકારક પ્રતિમા ઉપસાવે છે.
ઍપર્ચરમાં એકબીજા પર ગોઠવેલી ધાતુની પડદીઓ ઝીણાથી પૂરા છિદ્ર સુધી ખોલ-બંધ થઈ શકે છે. તે ખૂબ ઓછા પ્રમાણમાં પ્રકાશને ઍપર્ચરમાંથી પ્રવેશવા દે છે તેમજ તે આખું ખૂલી જવાથી વધુ પ્રકાશ પ્રવેશી શકે છે, આથી પ્રકાશના માર્ગ પર નિયંત્રણ થઈ શકે છે. સામાન્ય રીતે, વિવિધ કૅમેરાનાં શટર ખોલ-બંધ થવાની ઝડપ પણ વિવિધ હોય છે. ઓછા પ્રકાશ માટે બટનને જેટલો વખત દબાવી રાખીએ તેટલો વખત ઍપર્ચર ખુલ્લું રહીને પ્રકાશને પ્રવેશ આપતું રહે છે, જ્યારે સ્વાધીનગતિક શટરમાં પ્રકાશની સ્થિતિને અનુરૂપ શટર ખોલ-બંધ થવાની ઝડપ એક સેકન્ડ કે તેના અડધાથી બે હજારમા ભાગ સુધીની હોય છે. આને કારણે પ્રકાશ પરનું નિયંત્રણ તેમજ ઝડપથી ભાગતા પદાર્થોની સ્થિર પ્રતિમા ઝડપી શકાય છે.
રમેશ ઠાકર