શચી : દાનવરાજ પુલોમાની પુત્રી, જેનાં લગ્ન ઇંદ્ર સાથે થયાં હતાં. જયંત શચીનો જ પુત્ર હતો. પુલોમાએ દેવાસુર સંગ્રામમાં પહેલાં અગ્નિ સાથે મળીને અને પછી વૃત્રાસુર સાથે મળીને ઇંદ્ર સાથે યુદ્ધ કર્યું હતું અને ઇંદ્રને હાથે પુલોમાનો વધ થતાં શચી ઇંદ્રને પ્રાપ્ત થઈ હતી.

એક વાર દેવતાઓએ નહુષને ઇંદ્રપદ આપી દીધું. નહુષની શચી પર કુદૃષ્ટિ પડી. ઇંદ્રની સલાહ મુજબ શચીએ નહુષને કહેવડાવ્યું કે જો તમે સાત ઋષિઓના ખભા પર રાખેલ પાલખીમાં બેસીને આવો તો હું તમારી સાથે આવીશ. નહુષ પાલખીમાં બેસીને ઋષિઓ પાસે જઈ બોલો સર્પ-સર્પ (અર્થાત્ જલદી-જલદી) કહેતાંની સાથે ઋષિઓએ એના શાપ આપતાં એ પોતે સર્પ બની ગયો.

ઋગ્વેદમાં શચીના નામનાં કેટલાંક સૂક્તો છે, જેમાં શોક્યનો નાશ કરવાની પ્રાર્થના કરવામાં આવી છે. દ્રૌપદી શચીના અંશથી ઉત્પન્ન થયાનું દર્શાવાયું છે.

પ્રવીણચંદ્ર પરીખ