શઙ્કુણ્ણિનાયર, એમ. પી. (જ. 4 માર્ચ 1917, મેષતુર, જિ. પાલઘાટ, કેરળ) : મલયાળમ ભાષાના વિવેચક. તેઓ સંસ્કૃત, અંગ્રેજી અને તમિળ ભાષાના તેજસ્વી વિદ્વાન છે અને સંસ્કૃતમાં ‘શિરોમણિ’નું બિરુદ તેમજ કલાના વિષય સાથે એમ.એ.ની ડિગ્રી ધરાવે છે. ચેન્નાઈની કૉલેજમાં ખૂબ લાંબો સમય અધ્યાપનની યશસ્વી કારકિર્દી પછી નિવૃત્ત થઈને હવે (2002માં) સ્વતંત્ર લેખનકાર્યમાં વ્યસ્ત છે.
1950માં તેમણે લેખન-પ્રવૃત્તિ શરૂ કરી. અત્યાર સુધીમાં તેમણે 11 ગ્રંથો આપ્યા છે. તેમાં પર્લ બકના ‘ગુડ અર્થ’નો મલયાળમ અનુવાદ ‘નલ્લભૂમિ’ અને સંસ્કૃત નાટકો તથા પ્રાચીન તમિળ કાવ્યરચનાઓનાં પદ્યરૂપાંતરનો સમાવેશ થાય છે. તેમણે આધુનિક મલયાળમ વાર્તાઓના બે ખંડનું સંકલન-સંપાદન કર્યું.
તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1991), એન. વી. ક્રિષ્ણ વૉરિયર ઍવૉર્ડ, ઓડક્કુઝલ ઍવૉર્ડ, ઑલપ્પામન્ના ઍવૉર્ડ જેવા પુરસ્કાર મળેલા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘છત્રવું ચામરવું’ કાલિદાસની કૃતિઓ પર આધારિત 22 નિબંધોનું સંકલન છે. આ નિબંધોની વિશિષ્ટતા છે : અગાધ પાંડિત્ય, મૌલિક વ્યાખ્યા, ગહન અનુસંધાન અને સહાનુભૂતિપૂર્ણ દૃષ્ટિ. કાલિદાસની કૃતિઓ લેખકના અંતરમાં ભાવાત્મક અને બૌદ્ધિક પ્રતિક્રિયાઓને જન્મ આપે છે, જે સૂક્ષ્મતા, વાગ્વૈદગ્ધ અને પરિહાસ દ્વારા સંપ્રેષિત એક પ્રામાણિક પરિપ્રેક્ષ્યમાં રૂપાંતરિત થઈ જાય છે. તેની વ્યાપકતા, ઓજ અને વિદ્વત્તા તથા કાલિદાસના કાલાતીત પ્રભાવના સક્ષમ સંપ્રેષણ માટે આ કૃતિ મલયાળમમાં લખાયેલ ભારતીય સાહિત્યનું એક અનુપમ પ્રદાન લેખાય છે.
તેમની માતૃભાષા મલયાળમ છે અને અંગ્રેજીમાં પણ લખે છે. તેમનાં મલયાળમમાં લખાયેલાં પુસ્તકોમાં ‘કટ્ટુન્ના ચક્રમ’ છે, જેમાં વાર્તાઓ અને પુરાણકથાઓ છે, જ્યારે ‘નાટ્યમંડપમ્’માં વિવેચના છે. ‘ચાત્રવમ ચક્રમ’ એ વાર્તાઓ અને પુરાણકથાઓનો સંગ્રહ છે.
‘નાટકીયાનુભુવમ્ એન્ના રસમ્’ – એ રસશાસ્ત્રનો ગ્રંથ છે. અંગ્રેજીમાં લખાયેલો તેમનો ગ્રંથ તે ‘પૉઇન્ટ્સ ઑવ્ કૉન્ટેક્ટ બિટ્વિન પ્રાકૃત ઍન્ડ મલયાળમ’.
મહેશ ચોકસી