શક–પહ્લવ : એશિયાની પ્રાચીન જાતિના લોકો. સિકંદરના સામ્રાજ્યના ભાગલા પડતાં એમાંના એશિયાઈ મુલકો પર યવન (યુનાની) વિજેતા સેલુકની સત્તા સ્થપાઈ. સેલુક સામ્રાજ્યના બાહ્લિક (બૅક્ટ્રિયા) પ્રાંત[હાલના અફઘાનિસ્તાનના ઉત્તર ભાગમાં આવેલો બલ્ખ(બૅક્ટ્રા)ની આસપાસનો પ્રદેશ]ની જેમ તેનો પહ્લવ (પાર્થિયા) પ્રાંત (હાલ ઈશાન ઈરાનમાં આવેલો ખોરાસાન અને એની નજીકનો પ્રદેશ) પણ ઈ. પૂ. 250ના અરસામાં સ્વતંત્ર થયો હતો. બાહ્લિકના રાજા દિમિત્રના સમયમાં પહ્લવ દેશમાં મિથ્રદત 1લો નામે પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. પહ્લવ રાજ્યનું પાટનગર હાલના બગદાદ પાસે આવેલું હતું. દિમિત્ર અને એઉક્રતિદ વચ્ચેના સંઘર્ષનો લાભ લઈ મિથ્રદતે હેરાત અને કંદહારના પ્રદેશ જીતી લીધા હતા. એવામાં સરદરિયાની ઉત્તરે વસતા શક લોકોને ત્યાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી અને તેમનાં ધાડાં બાહ્લિક તથા પહ્લવ દેશમાં ઊતરી આવ્યાં. પહ્લવોને એ શકોનો સામનો કરવામાં પારાવાર સહન કરવું પડ્યું. દરમિયાન પૂર્વ ઈરાનમાં કેટલાક પ્રાંત સ્વતંત્ર થયા. પહ્લવ રાજા મિથ્રદત 2જાએ શકોને પહ્લવ દેશમાંથી હાંકી કાઢ્યા. આથી શક લોકો દક્ષિણ તરફ આગળ વધ્યા. પૂર્વ ઈરાનમાં એમણે પોતાનું શકસ્થાન વસાવ્યું; જે હાલ ‘સિસ્તાન’ તરીકે ઓળખાય છે. આ પ્રદેશમાં શકો અને પહ્લવો વચ્ચે એવું જાતીય તથા સાંસ્કૃતિક મિશ્રણ થયું કે એનાં અનેક કુટુંબોમાં શક અને પહ્લવનો ભેદ પાડવો મુશ્કેલ બન્યો, આથી એને શક-પહ્લવ એવા મિશ્ર નામે ઓળખવામાં આવે છે.
રામજીભાઈ સાવલિયા