શક્કરિયાના રોગો અને તેનું નિયંત્રણ : શક્કરિયાને થતા રોગો. તેને ફૂગ દ્વારા રોગો થાય છે. કેટલાક રોગો આ પ્રમાણે છે : (1) સફેદ ગેરુ : આ રોગ આલ્બ્યુગો આઇપૉમી (Albugo ipomoea) નામની ફૂગથી થાય છે. આ રોગનું આક્રમણ છોડની પાછલી અવસ્થામાં થાય છે. પાન પર તેની અસર થાય તે પહેલાં છોડનો વિકાસ થઈ ગયેલ હોય છે. પાનની નીચલી સપાટીએ પીળા કલરનાં અનિયમિત ધાબાં જોવા મળે છે. પછી તે ધાબાં સફેદ રંગમાં રૂપાંતર પામે છે અને તેની બરાબર ઉપલી સપાટીમાં આછાં પીળાં ધાબાં જોવા મળે છે. આ ધાબાંમાં સફેદ ચૂનાની ભૂકી કે છારી જેવા ફૂગના બીજાણુઓ જોવા મળે છે. આવાં પાન સુકાઈને ખરી પડે છે.
નિયંત્રણ : આ રોગના નિયંત્રણ માટે મેન્કોઝેબ 0.2 ટકાનો છંટકાવ અથવા રોગપ્રતિકારક જાતની વાવણી કરાય છે.
(2) ફ્યુઝેરિયમથી થતો કોહવારો : આ રોગ ફ્યુઝેરિયમ ઑક્ઝિસ્પોરમ નામની ફૂગથી થાય છે. વ્યાધિજન ફૂગનું આક્રમણ થતાં જ વેલો પીળો પડવા માંડે છે અને તે સુકાઈ જાય છે. પાન પર બે નસો વચ્ચેનો ભાગ પીળો પડે છે, જે આ રોગનું અગત્યનું લક્ષણ છે. શરૂઆતના તબક્કામાં રોગ આવે તો થડની લંબાઈ ઓછી રહે છે. જલવાહિનીમાં રતાશ પડતો લાલ રંગ જોવા મળે છે. આ ઝાંખો લાલ આભાસ મૂળથી વેલા પર 8 ફૂટ સુધી પહોંચે છે. આ ફૂગ કંદને પણ નુકસાન કરે છે. આ ફૂગની અસર પછી ડાળી પર બીજી મૃતોપજીવી ફૂગ દાખલ થઈ ડાળીનો કોહવારો કરે છે. ભેજવાળા વાતાવરણમાં ગુલાબી રંગના બીજાણુઓનો સમૂહ મરી ગયેલા વેલા પર જોવા મળે છે.
નિયંત્રણ : આ રોગના નિયંત્રણ માટે રોગપ્રતિકારક જાતની પસંદગી કરાય છે. વળી વેલાના ટુકડાઓને વાવતાં પહેલાં પારાયુક્ત 0.2 % એગેલોલના દ્રાવણમાં બોળવામાં આવે છે; ભલામણ મુજબના ખાતરનો ઉપયોગ કરાય છે અને વેલાઓને પાણીના સંપર્કથી બચાવવામાં આવે છે.
(3) રાઇઝોપસથી થતો કંદનો પોચો કોહવારો : રાઇઝોપસ નામની ફૂગથી થતો આ રોગ 4થી 5 દિવસમાં જ આખા કંદને કોવડાવી નાખે છે. જ્યારે કંદની સપાટી ફાટે છે ત્યારે તેમાંથી ભૂખરા રંગનું પ્રવાહી બહાર નીકળે છે. જો કંદની સપાટી ફાટે નહિ તો રોગવાળાં કંદ ભેજ ગુમાવી દે છે અને છેવટે ચીમળાઈ જાય છે. જ્યારે રોગ વધતો હોય ત્યારે કંદની સપાટી તૂટે છે અને તેમાં ફૂગનો ઉગાવો જોવા મળે છે; જે ફૂગના બીજાણુદંડ અને બીજાણુઓ હોય છે.
નિયંત્રણ : આ રોગના નિયંત્રણ માટે આ પ્રમાણે ઉપાયો કરવા જરૂરી છે : કંદને કાઢતી વખતે કે સંગ્રહ કરતી વખતે કોઈ પણ જાતનો ઘા તેને ન પડે તેની કાળજી રાખવી જરૂરી છે. વળી કંદનો સંગ્રહ કરતાં પહેલાં તે બરાબર સાફ કરવા જરૂરી છે. કંદનો સંગ્રહ કરવાની જગ્યા પણ બરાબર સાફ કરવી જરૂરી છે. એ જગ્યા 2.5 % કૉપર સલ્ફેટથી ધોવી હિતાવહ છે. વળી તાપમાન 26.5°થી 30° સે. અને ભેજ 90 ટકા 10થી 14 દિવસ માટે અને ત્યારપછી તાપમાન 13° સે. અને હવામાં ભેજ 85 ટકાથી 90 ટકા રાખવામાં આવે તે ઇષ્ટ છે.
(4) કાળો કોહવારો : તે જમીનની અંદરના બધા જ ભાગોને નુકસાન કરે છે. પહેલાં કુમળી ડાળી પર કાળાં ટપકાં જોવા મળે છે. તેથી પાન પીળાં પડે છે. ગોળ કાળાં, જુદાં જુદાં માપનાં ટપકાં મોટા પ્રમાણમાં મૂળ અને કંદ પર જોવા મળે છે. સૂકા કંદમાં ટપકાં રાખોડી કાળાં અને ભેજમાં લીલાશ પડતાં કાળાં જોવા મળે છે. આ ટપકાંની મધ્યમાં અથવા જૂનાં ટપકાંમાં વચ્ચે ફૂગની બીજધાનીઓ જોવા મળે છે.
નિયંત્રણ : આ પાકના નિયંત્રણ માટે પાકની ફેરબદલી કરવી, સારી નિતારવાળી જમીનની પસંદગી કરવી, નીંદામણયુક્ત ખેતર રાખવું (કારણ કે તે ભેજ વધારે છે), વાવણી માટે સારા તંદુરસ્ત વેલાની પસંદગી કરવી, બીજ માટે કંદ અને વેલા(seed material)ને મરક્યુરિક કોલોરાઇડ(1 : 1000)ના દ્રાવણમાં બોળવા અથવા બીજ-માવજત માટે ડાઇથાયૉકાર્બોમેટનો ઉપયોગ કરવો વગેરે ઉપાયો કરવામાં આવે છે. આ રોગમાં નુકસાનવાળા છોડના ભાગને 43° સે. તાપમાને 24 કલાક રાખવાથી એમાંની ફૂગનો નાશ થાય છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ