શક્કરિયું : દ્વિદળી વર્ગમાં આવેલા કન્વૉલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ipomoea batatas (Linn.) Lam. (હિં. મીઠા આલુ, શકરકંદ; બં. લાલ આલુ; મ. રતાલુ; ગુ. શક્કરિયું; તે. ચેલાગાડા; ત. સક્કરીવેલ્લેઇકિલંગુ; મલ. ચાકરકિલંગુ; અં. સ્વીટ પોટેટો) છે. તે નાજુક ભૂપ્રસારી કે આરોહી બહુવર્ષાયુ, શાકીય વનસ્પતિ છે. તે માંસલ સાકંદ મૂળ ધરાવે છે. પર્ણો એકાંતરિક, અંડ-હૃદયાકાર, 2.5થી 8.25 સેમી. લાંબાં, અખંડિત, કોણીય કે ખૂબ ઊંડા ખંડોવાળાં હોય છે. એકાકી કે પરિમિત (cyme) સ્વરૂપે સફેદ કે જાંબલી રંગનાં, નિવાપ આકારનાં પુષ્પો ગોઠવાયેલાં હોય છે. ફળો ગોળાકાર કે અંડાકાર પ્રાવર પ્રકારનાં હોય છે. બીજ 2થી 4, નાનાં કાળાં અને કેટલેક અંશે ચપટાં હોય છે.

શક્કરિયાં

શક્કરિયાનો ઉદ્ભવ નક્કી કરવો મુશ્કેલ છે, કારણ કે આઇપોમિયાની વન્ય જાતિઓ કૃષ્ય જાતો કરતાં ઘણા તફાવતો ધરાવે છે. શક્કરિયાની કોષવિદ્યા પણ તેની ઉત્પત્તિ વિશેની જટિલતાનો નિર્દેશ કરે છે. એક મંતવ્ય પ્રમાણે શક્કરિયાની ઉત્પત્તિ I. tiliacea (willd.) choisyમાંથી થઈ છે, જે ઉષ્ણકટિબંધીય અમેરિકામાં ઊગતી વન્ય જાતિ છે.

શક્કરિયાનું વાવેતર આફ્રિકા, ભારત, ચીન, જાપાન, ઉત્તર અમેરિકા, મલય આર્ચીપેલાગો, દક્ષિણ-પશ્ચિમ એશિયાના દેશોમાં, પૅસિફિક ટાપુઓના ઉષ્ણકટિબંધીય અને કેટલાક સમશીતોષ્ણ પ્રદેશોના ભાગોમાં તેમજ દક્ષિણ અમેરિકામાં થાય છે. ભારતમાં તેનું બધાં રાજ્યોમાં વાવેતર થાય છે અને ઉત્પાદનની દૃષ્ટિએ કંદિલ પાકોમાં બટાટા અને સાબુદાણા (ટેપિયૉકા) પછી ત્રીજા ક્રમમાં આવે છે. મુખ્યત્વે બિહાર અને ઉત્તરપ્રદેશ પછી મૈસૂર, કેરળ, મુંબઈ, ઓરિસા, ચેન્નાઈ અને મધ્યપ્રદેશમાં તેનું વાવેતર થાય છે. બિહાર અને ઉત્તરપ્રદેશના વાવેતરનો વિસ્તાર ભારતમાં થતા તેના કુલ વાવેતરના 60 % જેટલો લગભગ થાય છે. ગુજરાતમાં ખેડા અને મહેસાણા જિલ્લામાં તેનું વાવેતર વધારે પ્રમાણમાં થાય છે.

શક્કરિયાના મુખ્ય પ્રકાંડના તલપ્રદેશની નજીક અથવા જમીન પર પથરાતા વેલાની ગાંઠો પરથી કંદ ઉત્પન્ન થાય છે. તેઓ પ્રકાંડની નજીકથી સમૂહમાં કે પાર્શ્ર્વીય રીતે છૂટા છૂટા ઉદ્ભવે છે. એક છોડ 40થી 50 જેટલા 15 સેમી.થી 30 સેમી. લાંબા કંદ ઉત્પન્ન કરે છે. તેઓ કાં તો ત્રાકાકાર કે લગભગ ગોળાકાર હોય છે. તેની સપાટી કાં તો લીસી અને એકસરખી અથવા અનિયમિતપણે ખાંચોવાળી હોય છે. તેની છાલનો રંગ સફેદ, આછો પીળો, પીળો, બદામી, સોનેરી, તામ્રરંગી, લાલ, જાંબલી કે ગુલાબી અને ગરનો રંગ પીળાથી માંડી લાલ કે જાંબલી છાંટવાળો હોય છે. ફળદ્રૂપ ભૂમિમાં થતા કંદનું વજન આશરે 1.35 કિગ્રા.થી 5.4 કિગ્રા. જેટલું હોય છે; પરંતુ સામાન્ય રીતે તેનું વજન લગભગ 100 ગ્રા.થી 0.95 કિગ્રા. જેટલું હોય છે.

આ પાકની ઉત્પાદનક્ષમતા સારી હોય છે. તેની મહત્ત્વની જાતો, વાવેતરનો વિસ્તાર અને વિશિષ્ટતાઓ સારણી 1માં દર્શાવવામાં આવ્યાં છે.

સારણી 1 : ગુજરાતમાં વવાતી શક્કરિયાની જાતો, તેના વાવેતરનો વિસ્તાર અને વિશિષ્ટતાઓ

ક્રમ જાતનું નામ વાવેતરનો વિસ્તાર વિશિષ્ટતા
1. પુસા લાલ સમગ્ર ગુજરાત મધ્યમ કદના કંદ
2. પુસા સોનેરી સમગ્ર ગુજરાત મધ્યમ કદના જાડા કંદ, સંગ્રહશક્તિ સારી
3. પુસા સફેદ સમગ્ર ગુજરાત પ્રજીવક ધરાવતી જાત
4. ક્રૉસ-4 સફેદ દક્ષિણ ગુજરાત આશાસ્પદ જાત, કંદ સફેદ, લંબગોળ
5. સિલેક્શન-31 દક્ષિણ ગુજરાત આશાસ્પદ જાત

શક્કરિયાને હૂંફાળું વાતાવરણ વધારે અનુકૂળ હોય છે; ખૂબ ગરમીમાં તેનું ઉત્પાદન ઓછું મળે છે. પરંતુ 20°થી 30° સે. તાપમાને સારું ઉત્પાદન મળે છે. મધ્યમ પ્રમાણમાં કાંપ હોય તેવી રેતાળ જમીન શક્કરિયાને વધુ માફક આવે છે. જમીન હૂંફાળી, હવાની અવરજવર થઈ શકે તેવી અને સારી નિતારશક્તિવાળી હોય તો ઉત્પાદન વધુ મળે છે.

તેની રોપણી જૂન-જુલાઈ અને નવેમ્બર માસમાં કરી શકાય છે. વેલાનો ટોચનો અને વચ્ચેનો ભાગ બીજ તરીકે ઉગાડવાથી સારું ઉત્પાદન મળે છે. 20 સેમી.થી 30 સેમી. ટુકડાની વચ્ચેની ગાંઠો જમીનમાં દબાવી અને બાકીની બે ગાંઠો બહાર રાખી 30 સેમી. x 15 સેમી.ના અંતરે રોપણી કરવામાં આવે છે અને તુરત જ પિયત આપવામાં આવે છે.

શક્કરિયાના પાકને જરૂરિયાત પ્રમાણે માપસરનું ખાતર આપવું અગત્યનું છે. નાઇટ્રોજનયુક્ત ખાતર વધારે પડતાં આપવાથી ફક્ત વેલાની જ વૃદ્ધિ થાય છે, જેથી કંદનો વિકાસ ઓછા પ્રમાણમાં થાય છે. 60-60-30 કિગ્રા. એન.પી.કે./હેક્ટર ખાતર આપવાની ભલામણ કરાઈ છે; જેમાં નાઇટ્રોજન બે ભાગમાં આપવામાં આવે છે. 30 કિગ્રા. નાઇટ્રોજન રોપણી પછી 30 દિવસે અને બાકીનો નાઇટ્રોજન 60 દિવસે આપવામાં આવે છે. ફૉસ્ફરસ અને પોટાશયુક્ત ખાતરો વેલાની રોપણી પહેલાં જમીન તૈયાર કરતી વખતે આપવામાં આવે છે.

ચોમાસુ પાકને સામાન્ય રીતે પિયતની જરૂર રહેતી નથી. વરસાદ લંબાય તો પિયત આપવું જરૂરી છે. શિયાળુ પાકને વધારે પિયત આપવાથી વેલાની વૃદ્ધિ સારી થાય છે; તેથી જમીનમાં પૂરતો ભેજ જળવાઈ રહે તેમ જમીનના પ્રકાર પ્રમાણે 12થી 15 દિવસે જરૂરી પ્રમાણમાં પિયત અપાય છે.

શક્કરિયાના વેલા પ્રસરી ગયા પછી નીંદણ થતું નથી. શરૂઆતમાં એકથી બે વાર નીંદામણ કરવું જરૂરી છે. શક્કરિયાના વેલા તેની ગાંઠમાંથી મૂળ જમીનમાં દાખલ કરાતા હોવાથી વેલાને અવારનવાર ફેરવતાં રહેવું જરૂરી છે.

સામાન્ય રીતે શક્કરિયાની જાત પ્રમાણે, 120થી 180 દિવસે પાક તૈયાર થાય છે. તેના વેલા પીળા પડે અને પર્ણો પીળાં પડી ખરવા માંડે ત્યારે શક્કરિયાના કંદ કાળજીપૂર્વક ખોદી કાઢવામાં આવે છે. કંદ ખોદીને કાપતાં દૂધ સુકાઈ જાય અને કાપેલો ભાગ કાળો લીલો પડે નહિ તે અવસ્થાએ કંદ ખોદી શકાય છે. કંદને ખોદીને સાફ કરી કદ પ્રમાણે ગ્રેડિંગ-બજારમાં મોકલવામાં આવે છે. કંદનું ઉત્પાદન પ્રતિ હેક્ટરે 12થી 15 ટન જેટલું મળે છે.

રાંધેલા કંદનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : કુલ ઘન પદાર્થો 32.55 %, આલ્કોહૉલમાં અદ્રાવ્ય ઘન પદાર્થો 18.29 %, રિડ્યુસિંગ શર્કરાઓ 6.45 %, સુક્રોઝ 2.23 %, માલ્ટોઝ 8.64 %, ડેક્સ્ટ્રીન 0.51 % અને પૉલિસૅકેરાઇડ 14.13 %.

અન્ય શાકભાજીના પ્રોટીનના મૂલ્યની તુલનામાં તે સારા પ્રમાણમાં પ્રોટીન ધરાવે છે. આ પ્રોટીનોમાં આર્જિનિન, હિસ્ટીડિન, લાયસિન, ટ્રિપ્ટોફેન, ફિનિલ એલેનિન, મિથિયોનિન, થ્રિયોનિન, લ્યુસિન, આઇસોલ્યુસિન અને વેલાઇન જેવા આવશ્યક ઍમિનોઍસિડ મળી આવે છે.

શક્કરિયામાં ખનિજઘટકોનું પ્રમાણ આ મુજબ છે : કૅલ્શિયમ 30 મિગ્રા., મૅગ્નેશિયમ 24 મિગ્રા., પોટૅશિયમ 373 મિગ્રા., સોડિયમ 13 મિગ્રા., ફૉસ્ફરસ 49 મિગ્રા., ક્લોરિન 85 મિગ્રા., સલ્ફર 26 મિગ્રા. અને લોહ 0.8 મિગ્રા./100 ગ્રા., આયોડિન 4.5 માઇક્રોગ્રામ/કિગ્રા., મૅંગેનીઝ, તાંબું અને જસત અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે.

કંદમાંથી પ્રાપ્ત થયેલા વિવિધ ઉત્સેચકો આ પ્રમાણે છે : એમાઇલેઝ, પ્રોટિયેઝ, ઇન્વર્ટેઝ, કેટાલેઝ, લૅક્ટેઝ, એરેબિનેઝ, ગૅલેક્ટેનેઝ, પૉલિગેલેક્ટ્યુરોનેઝ; પેરૉક્સિડેઝ, મૉનોફિનોલેઝ, કૅટેચોલેઝ, સાયટોક્રોમસી ઑક્સિડેઝ, ફૉસ્ફૉરાઇલેઝ અને ફૉસ્ફોટેઝ.

કાળા સડા(ceratostomella fimbriata)થી ચેપગ્રસ્ત કંદ લગભગ 0.14 % જેટલું બાષ્પશીલ તેલ ઉત્પન્ન કરે છે. તે મુખ્ય ઘટક તરીકે આઇપોમિયામેરોન (C15H22O3) નામનું કિટોન ધરાવે છે. આ તેલ પ્રાણીઓ માટે વિષાળુ છે.

શક્કરિયાનો મુખ્ય ઉપયોગ ખોરાકમાં થાય છે. કંદમાંથી આલ્કોહૉલ અને સ્ટાર્ચનું ઉત્પાદન પણ કરવામાં આવે છે. તેના સ્ટાર્ચનો કાગળના છિદ્રપૂરણ (sizing) માટે, વસ્ત્રઉદ્યોગ (textile industry) અને લૉન્ડ્રીમાં ઉપયોગ થાય છે. લૉન્ડ્રીના કામમાં તે અન્ય સ્ટાર્ચની તુલનામાં તંતુઓને વધારે લીસા અને કડક બનાવે છે. તેનો ખોરાકની નીપજો, મીઠાઈ અને બૅકરી ઉદ્યોગમાં એક ઘટક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેનો સૌંદર્ય-પ્રસાધન માટે પણ ઉપયોગ થાય છે.

સ્ટાર્ચના નિષ્કર્ષણ પછી રહેલા શેષ ભાગનો ઢોરોના ખાણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ શેષ ભાગનું રાસાયણિક મૂલ્ય આ પ્રમાણે છે : શુષ્ક દ્રવ્ય 90.2 %, પ્રોટીન 2.5 %, લિપિડ 0.3 %, રેસો 9.6 %, નાઇટ્રોજનમુક્ત નિષ્કર્ષ 71.8 %, ખનિજદ્રવ્ય 6.0 %, પાચ્ય પ્રોટીન 0.4 %, કુલ પાચ્ય પોષકો 69.0 % અને પોષણ-ગુણોત્તર 171.5 %.

શક્કરિયાના કંદ સૂકવીને અને દળીને લોટ તૈયાર કરી તેનો ધાન્યના લોટના પૂરક તરીકે તેમજ શીરો, બૅકરીની નીપજો અને દૂધની જેલી બનાવવામાં ઉપયોગ કરી શકાય છે. ઘઉંના લોટમાં તેનું 25 % જેટલું મિશ્રણ કરીને રોટલીઓ બનાવવામાં ઉપયોગ થાય છે. તે આઇસક્રીમની બનાવટમાં સ્થિરીકરણ પ્રક્રિયક (stabilizing agent) તરીકે કાર્ય કરે છે. શક્કરિયાના લોટ અને મગફળીના લોટનું 4 : 1ના પ્રમાણમાં મિશ્રણ ચોખાના પોષણમૂલ્ય કરતાં વધારે સારું ગણાય છે.

યુ.એસ.માં નીચી ગુણવત્તાવાળાં શક્કરિયાંનો ઉપયોગ ઢોરોને ખવડાવવામાં થાય છે. તેના વેલાઓનો પણ ઢોરોના લીલા ચારા તરીકે ઉપયોગ થાય છે. તેનું પોષણમૂલ્ય રજકાના ચારા જેટલું લગભગ હોય છે, તેથી દૂધના ઉત્પાદનમાં વધારો થાય છે. વેલાઓના સૂકા ચારાનું મૂલ્ય આ પ્રમાણે છે : શુષ્ક દ્રવ્ય 90.7 %, પ્રોટીન 12.6 %, લિપિડ 3.3 %, રેસા 19.1 %, નાઇટ્રોજનમુક્ત નિષ્કર્ષ 45.5 %, ખનિજદ્રવ્ય 12.2. %, પાચ્ય પ્રોટીન 8.9 %, કુલ પાચ્ય પોષકો 51.7 % અને પોષણ-ગુણોત્તર 4.8 %.

શક્કરિયાં ઔદ્યોગિક આલ્કોહૉલ, લૅક્ટિક ઍસિડ, ઍસિટોન, બ્યૂટેનૉલ, એસેટિક ઍસિડના આથવણ દ્વારા કરવામાં આવતા ઉત્પાદનમાં અગત્યનો કાચો માલ છે.

તેના ટોચ પરના નાજુક ભાગો અને પર્ણોનો શાકભાજી અને કચુંબર તરીકે ઉપયોગ થાય છે. તેમાંથી સૂપ પણ બનાવવામાં આવે છે.

તેનાં મૂળ રેચક ગણાય છે. તેનાં મૂળમાંથી પીણું બનાવી તાવમાં આપવામાં આવે છે. તેની ટોચો અને નાજુક પ્રરોહોનો પોટીસ તરીકે ઉપયોગ થાય છે. પર્ણો (maturative cataplasm) તરીકે ઉપયોગી છે. પર્ણોને મીઠા સાથે દળીને બનાવેલો મલમ હાથપગનાં આંગળાંના સોજા પર લગાડાય છે. મૂળ કે પર્ણોનો મલમ વીંછીના કરડવા પર ઉપયોગી છે.

નવીનચંદ્ર રણછોડભાઈ રાય

હેમંતભાઈ ચીમનભાઈ પટેલ

બળદેવભાઈ પટેલ