શક્કરટેટીના રોગો અને તેનું નિયંત્રણ

January, 2006

શક્કરટેટીના રોગો અને તેનું નિયંત્રણ : શક્કરટેટીને થતા રોગો. તેને ફૂગ અને બૅક્ટેરિયા દ્વારા રોગો થાય છે. કેટલાક જાણીતા રોગો આ પ્રમાણે છે :

(1) તળછારો (downy mildew) (સ્યૂડોપેરોનોસ્પોરા ક્યુબે-નસિસ) : આ એક ફૂગજન્ય રોગ છે. આ રોગની શરૂઆતમાં પરિપક્વ પાનની ઉપરની બાજુએ અનિયમિત આકારનાં પીળાશ પડતાં ધાબાં પડે છે. રોગનું પ્રમાણ વધતાં પીળા ડાઘની સંખ્યા અને તેના વિસ્તારમાં વધારો થાય છે; જેથી એકબીજા સાથે તે મળી જાય છે. સતત ભેજવાળું હવામાન રહે ત્યારે પાનની નીચેની બાજુએ સફેદ ફૂગ અને બીજાણુઓની છારી જોવા મળે છે. આખો છોડ પીળો પડી જાય છે અને પાન સુકાઈને ખરી પડે છે. છોડની વૃદ્ધિ અટકે છે. છોડમાં ફળ ઓછાં બેસે છે અને કદમાં નાનાં રહે છે અને એ રીતે ઉત્પાદનમાં ઘટાડો થાય છે.

નિયંત્રણ : આ રોગની શરૂઆત થાય ત્યારે મેન્કોઝેબ/અથવા કૅપ્ટાફોલ 0.2 ટકા (27 ગ્રામ/10 લિટર પાણી) દ્રાવણનો છંટકાવ કરાય છે અને બીજો છંટકાવ 15થી 20 દિવસે કરાય છે.

(2) કાલવર્ણ (anthracnose) (કોલેટોટ્રિકમ લેગ્નેરિયમ) : આ રોગ વેલાવાળા શાકભાજીમાં સૌપ્રથમ વાર ઇટાલીમાં 1867માં નોંધાયો હતો. અત્યારે દુનિયાના બધા વિસ્તારોમાં આ રોગ જોવા મળે છે. શક્કરટેટી, દૂધી અને કાકડી વર્ગના પાકોમાં આ રોગથી નુકસાન થાય છે.

આ રોગની વ્યાધિજન્ય ફૂગ છોડના બધા જ ભાગો પર નુકસાન કરે છે. આ રોગની શરૂઆતમાં પાંદડા ઉપર પીળા રંગનાં નાનાં ટપકાં અથવા પાણીપોચાં ટપકાં જોવા મળે છે; જે જલદીથી મોટા થઈને બદામી રંગમાં ફેરવાઈ જાય છે. આ રોગ આગળની અવસ્થામાં પર્ણદંડને નુકસાન કરે છે, જેથી પાંદડાં ખરી પડે છે. પર્ણદંડ અને ડાળી ઉપર પણ આવાં જ બદામી રંગનાં ટપકાં જોવા મળે છે. ફળ ઉપર પણ ગોળાકાર પાણીપોચાં ઝાંખાં બદામી ટપકાં જોવા મળે છે. આ ટપકાંના કેન્દ્રમાં કાળા રંગની ફૂગની બીજાણુધાની જોવા મળે છે. ઘણી વખત આવાં નુકસાન થયેલાં ફળોમાંથી લાલ ગુંદર જેવું પ્રવાહી બીજાણુઓ સાથે બહાર આવે છે.

નિયંત્રણ : આ રોગના નિયંત્રણ માટે પાકની ફેરબદલી કરવી અને તંદુરસ્ત વિસ્તારમાંથી બીજ મેળવી, ફૂગનાશક દવાનો પટ આપવો (બાર્વિસ્ટીન અથવા બેનલેટ, 2.5 ગ્રામ/1 કિલો બીજ) તથા સારી નિતારવાળી જમીનમાં વાવણી કરવી જરૂરી છે. વળી અત્રે નિર્દેશેલી કોઈ પણ એક ફૂગનાશકનો છંટકાવ કરી શકાય છે : મેન્કોઝેબ 2 કિલો/હેક્ટર, ડાયફોલેટાન 2 કિલો/હેક્ટર. છંટકાવની શરૂઆત બે પાન આવ્યાં બાદ શરૂ કરી, દર 10થી 15 દિવસે છંટકાવ ચાલુ રાખવો ઇષ્ટ છે.

(3) ફૂગથી થતો સુકારો (ફ્યુઝેરિયમ ઑક્સિસ્પોરમ) : આ રોગ જમીનજન્ય ફૂગથી થાય છે. કુમળા છોડમાં શરૂઆતમાં પાનની નસોનો ભાગ પીળો પડે છે. પાનની દાંડી ચીમળાઈને નમી પડે છે. ખેતરમાં ગમે તે સમયે અનુકૂળ વાતાવરણ મળતાં રોગ શરૂ થાય છે. શરૂઆતમાં રોગ લાગેલ આખો છોડ પ્રમાણમાં નાનો રહે છે. પ્રથમ જૂનાં પાન પીળાં પડે છે, જે ચીમળાઈને મરી જાય છે. રોગ આગળ વધતાં નવાં કુમળાં પાન અસર પામી છેવટે આખો છોડ સુકાઈ જાય છે. કેટલીક વાર એક અથવા એક કરતાં વધુ વેલાઓ સુકાય છે. આવા સુકાયેલા છોડનું થડ ફાટીને જોતાં વચ્ચેના વાહીપુલોનો ભાગ બદામી રંગનો થઈ ગયેલ દેખાય છે; જેમાં સફેદ ફૂગની વૃદ્ધિ તાંતણાસ્વરૂપે જોવા મળે છે.

નિયંત્રણ : આ રોગના નિયંત્રણ માટે પાક ફેરબદલી કરાય છે. વળી કોર્બન્ડાઝિમ 50 વે. પા. 10 ગ્રામ 10 લિટર પાણીમાં ઓગાળીને થડ પાસે જમીનમાં રેડવામાં આવે છે. લીમડાનો ખોળ અથવા રાયનો ખોળ અથવા જૈવિક ફૂગનાશક જમીનમાં ઉમેરવાથી પણ રોગનું નિયંત્રણ કરી શકાય છે.

(4) ખૂણિયા ટપકાં (angular leaf-spot) : આ જીવાણુથી થતો રોગ પાન, ડાળી અને ફળ પર જોવા મળે છે. પાન પર પાણીપોચાં ખૂણિયા ટપકાં દેખાય છે. પાણીપોચાં ટપકાંમાંથી જીવાણુઓ પાણીનાં ટપકાંના સ્વરૂપમાં ઝરે છે. ટપકાં મોટાં થઈ બદામી રંગનાં થાય છે. પાછલી અવસ્થામાં પાન પર અનિયમિત આકારનાં કાણાં પડી જાય છે. ફળ પર નાનાં અને ગોળ ભૂખરાં કાળાં ટપકાં જોવા મળે છે.

નિયંત્રણ : આ રોગના નિયંત્રણ માટે રોગમુક્ત વિસ્તારમાંથી બીજ મેળવી, પારાયુક્ત ફૂગનાશક દવાનો પટ આપી, વાવણી કરવી જરૂરી છે. વળી સ્ટ્રેપ્ટોસાઇક્લિન જેવી જીવાણુનાશક દવાનો છંટકાવ કરવો હિતાવહ છે.

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ