શકુનશાસ્ત્ર : શકુન-અપશકુનનું શાસ્ત્ર. પ્રાચીન ભારતીય જ્યોતિષનો સ્રોત વૈદિક જ્યોતિષ (જ્યોતિષવેદાંગ) મનાય છે. પરંતુ શકુનવિદ્યાનાં મૂળ વેદમાં મળે છે. ‘કપોત સૂક્ત’ (10/165) તેનું ઉદાહરણ છે. ઘરમાં કપોત (હોલો) પ્રવેશે તે અપશુકન છે. કાળું પક્ષી પણ ઘરમાં પ્રવેશે તે અપશુકન છે. શકુનને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તના શુભ અને અશુભ પ્રકાર છે. અશુભ નિમિત્તને દુર્નિમિત્ત કહે છે.
મહાભારતમાં સભાપર્વમાં દ્રૌપદી-વસ્ત્રાહરણ પ્રસંગે શિયાળવાંનાં રુદન, યજ્ઞશાળામાં આગ વગેરે અપશકુનો વર્ણવાયાં છે. ‘શાકુંતલ’માં જમણા બાહુનું સ્ફુરણ, ‘વેણીસંહાર’માં ધ્વજભંગ જેવાં દુર્નિમિત્તોનો ઉલ્લેખ છે.
સ્વપ્ન શુભાશુભ નિમિત્ત સૂચન ગણી અથર્વવેદમાં દુ:સ્વપ્નનાશનનાં સૂક્તો આપ્યાં છે. ‘કૌશિકસૂત્ર’ આવાં સ્વપ્નોનાં અશુભ ફળોનાં નિવારણ આપે છે.
લોકપરંપરાનો જ્યોતિષશાસ્ત્ર સાથે કાળક્રમે સમન્વય સધાયો. જ્યેષ્ઠા, મૂળ કે આશ્લેષામાં કૃષ્ણચતુર્દશી કે અમાસે થતા જન્મને ભારે ગણવામાં આવ્યો તે આવા સમન્વયનું દૃષ્ટાંત છે.
લોકપરંપરામાં અવલોકનોના આધારે તારવવામાં આવેલાં નિરીક્ષણોએ કાળાંતરે શુભાશુભ નિમિત્ત કે શકુનનું સ્વરૂપ ધારણ કર્યું છે.
પ્રાચીન શકુનશાસ્ત્રીઓએ દિશા, દેશ, સ્વર, રાત-દિવસ, નક્ષત્ર, મુહૂર્ત, હોરા વગેરે લક્ષણોના આધારે શકુન વિશે વિશદ ચર્ચા કરી છે.
આ વિદ્યા કંઠોપકંઠ કે કર્ણોપકર્ણ પ્રસરતી રહી છે. દેશકાળના ધોરણે એક જગ્યાએ શકુન ગણાય તે બીજે અપશકુન ગણાય છે. આમ લોકપરંપરા અનુસાર શકુન-અપશકુન મનાય છે.
પ્રકૃતિનાં નિરીક્ષણો ઉપરથી તારવવામાં આવેલાં ભડલીવાક્યો લોકપરંપરામાં જળવાયેલાં જ્યોતિષ અને શકુનનું અદ્ભુત મિશ્રણ છે. વરાહમિહિરે શકુનશાસ્ત્રનું નિરૂપણ કર્યું છે.
કાર્યારંભે કે પ્રવાસના આરંભે જે વસ્તુ કે પ્રાણી દેખાય તે કાર્યના અંત સુધી ફળ આપે છે. કાર્યની મધ્યમાં દેખાતાં નિમિત્ત એ જ દિવસે ફળ આપે છે. પ્રસ્થાનસમયે થતા શકુનને ‘પ્રસ્થાનમંગલ’ કહે છે. બાણ ભટ્ટ સમ્રાટ હર્ષવર્ધનને મળવા જતાં પ્રસ્થાનમંગલ કરી જમણો પગ ઘર બહાર પ્રથમ વાર મૂકે છે. દુર્વાસાને મળવા જતી પ્રિયંવદાને પગે ઠોકર વાગે છે. સાસરે વિદાય થતી શકુંતલાને આક્રંદ કરતી ચક્રવાકી દુર્નિમિત્ત લાગે છે. સત્યનારાયણની કથામાં સાધુ વાણિયો યાત્રાના આરંભે સ્વસ્તિમંગલ કરાવે છે. ધર્મકાર્યના આરંભે સ્વસ્તિપુણ્યાહ- વાચન પણ દુર્નિમિત્તનિવારણ રૂપે થાય છે. અથર્વવેદનાં શાંતિકર્મો પણ દુર્નિમિત્તોના શમનના પ્રયાસોનું પરિણામ છે.
ભારતીય શકુનશાસ્ત્રમાં પશુ-પક્ષીઓની ચેષ્ટાઓ અને અવાજો ઉપરથી નિમિત્તોનાં શુભાશુભ પરિણામ વિશે વિચાર કરવામાં આવ્યો છે. કાગડો, ચકલી, ચીબડી, ઘુવડ, સાપ, બિલાડી, નોળિયો, કૂતરાં વગેરે પશુ-પક્ષીઓનાં વર્તન ઉપરથી શુભાશુભ નિમિત્તોને વર્ગીકૃત કરવામાં આવ્યાં છે.
વૈશાખ માસમાં રોહિણી, આર્દ્રા, સ્વાતિ, રેવતી નક્ષત્રમાં કાગડો માળો બાંધે તો દેશમાં સુકાળ થાય; પરંતુ જ્યેષ્ઠા, કૃત્તિકા, આશ્લેષા વગેરે નક્ષત્રોમાં કાંટાળાં વૃક્ષો ઉપર કાગડો માળો બાંધે તો દુકાળ પડે.
પનિહારીના માથે બેડા ઉપર કાગડો બેસે તો તે શુભ છે. સૌભાગ્યવતી કે કુમારિકા પનિહારીના શકુનથી કાર્યસિદ્ધિ, સ્ત્રીયોગ, ધનલાભ વગેરે થાય. પણ જો કાગડો જળભર્યા કુંભને ચાંચ મારે તો સંતાન ઉપર આફત ઊતરી આવે; પણ જો જળભર્યા ઘડા ઉપર કાગડો ચરકે તો તે શુભ મનાય છે. પાંખો ફફડાવતો કાગડો કાગારોળ કરતો હોય તો ભયનાં એંધાણ સમજવાં. પૂર્વ દિશામાં શાંત અને સહજ રીતે કાગડો બોલતો હોય તો પ્રવાસની સાનુકૂળતા ગણાય. અશ્વની કાંધે કાગડો કા…કા કરતો હોય તો વાહનલાભ સૂચવે છે. કાગડો ઊંટ કે ગધેડા ઉપર બેસેલો નજરે પડે તો તે સમયને આનંદપૂર્ણ જાણવો.
જો કાગડો ‘ખરે… ખરે’ એવો અવાજ કરે તો પ્રિય વ્યક્તિ સાથે મિલન અથવા અતિથિનું આગમન થાય. વસંતઋતુ અને મૂળ નક્ષત્રમાં કાગડો ‘કવ કવ’ અવાજ કરે તો પ્રિયતમા સાથે મિલન થાય કે સ્ત્રી સાથે પ્રેમસંબંધ થાય. કાગડો આર્દ્રા કે રોહિણી નક્ષત્રમાં ‘કખલા કખલા’ એવો અવાજ કરે તો શીઘ્ર વરસાદ થાય. પ્રિયજનનો વિરહ થાય; પરંતુ છાપરા ઉપર ઊડાઊડ કરે તો વિરહ અને મિલન બંનેનો આનંદ થાય.
મનુષ્યના કોઈ પણ અંગ ઉપર કાગડો ચાંચથી પ્રહાર કરે તો ભય કે મૃત્યુભયનું નિમિત્ત બને છે.
જો કાગડો શાંત રહી પૂર્વ દિશા તરફ ડોક કરી કાગારવ કરે તો રાજપુરુષ કે મિત્રનું મિલન થાય. મિષ્ટાન્નનું ભોજન મળે, સુવર્ણની પ્રાપ્તિ થાય. જો અગ્નિકોણ તરફ ડોક કરી કાગારવ કરે તો સુવર્ણ કે સુવર્ણકારથી લાભ થાય. દક્ષિણ દિશામાં મુખ રાખી કાગારવ કરે તો અડદનું ભોજન મળે, કલાકારો અને સંગીતજ્ઞોની મુલાકાત થાય. નૈર્ઋત્ય ખૂણામાં કાગારવ થાય તો દહીં, તેલ વગેરેનો ખોરાક મળે. ઉત્તરમાં થતા કાગારવને પણ શુભ ગણ્યો છે.
જો પ્રવાસી કે વ્યક્તિની ડાબી તરફ ઊડીને કાગડો વારંવાર અવાજ કરે તો ધનની અભિવૃદ્ધિ થાય. જો તે પ્રથમ જમણી બાજુએ અવાજ કરી ડાબી બાજુએ અવાજ કરે તો ઇચ્છિત શુભ ફળ મળે. જો વ્યક્તિ કે પ્રવાસીની આગળ-પાછળ કાગડો ઝડપથી ઊડાઊડ કરે તો વ્યક્તિને અતિશીઘ્ર ધનલાભ કે અર્થલાભ થાય.
અનુરાધા, પૂર્વાષાઢ અને મૂળ નક્ષત્રમાં કૃશસ્ત્રી પોતાની સન્મુખ કાગડાને ખરે… ખરે, કવ કવ વ કકવ કકા કકા ધ્વનિ કરતો સાંભળે તો પ્રિયજનનાં દર્શન થતાં વિરહિણીની પ્રિયતમાની કાયા પુષ્ટ થઈ આનંદ અનુભવે.
વર્ષાઋતુમાં અનુરાધા નક્ષત્ર દરમિયાન વિરહકૃશ નારીની સન્મુખ નદીકિનારે ક્ષીર કે અર્જુન વૃક્ષની ડાળી ઉપર બેસી કાગડો ઊડાઊડ કરે તો પ્રિયજનનું શીઘ્ર મિલન સૂચવે છે. રેતીમાં સ્નાન કરતાં કાગડાનું દર્શન વિરહમાં વૃદ્ધિ કરનારું બને છે.
સૂર્ય તરફ દૃષ્ટિ રાખી જો કાગડો એની ચાંચથી પીંછાં ફેંદે તો નજીકના સમયમાં ભયંકર યુદ્ધ કે નરસંહાર થાય.
જો કાગડો ધનધાન્યથી લચી પડેલા ખેતરની શાંત દિશા તરફ ઊભો રહી કાકારવ કરે તો વ્યક્તિને ધાન્યથી લચી પડેલી ભૂમિની પ્રાપ્તિ થાય.
જો આકુળવ્યાકુળ થઈને ગામના પાદરે કાગડો કાકારવ કરે તો પ્રવાસીને આફતનો સામનો કરવો પડે; પરંતુ સુકોમળ, પુષ્પ, પર્ણ, ફળ આદિથી સમૃદ્ધ વૃક્ષ ઉપર બેઠેલો કાગડો ‘કુટુ કુટુ’ ધ્વનિ કરે તો અર્થ સાથે કાર્યસિદ્ધિ થાય. ઊંચાં ભવનો, પ્રાસાદ કે ઉત્તુંગ માંગલિક સ્થાનમાં કાગડો ધ્વનિ કરતો હોય તો અઢળક સંપત્તિ મળે.
કાગડાની માફક જુદાં જુદાં પક્ષીઓ વિશે પણ નિમિત્તજ્ઞો શુભાશુભ ફળ ભાખે છે. પક્ષી પોતાની ચાંચમાં અનાજ, રેતી, ભીની માટી, ફૂલ વગેરે ભરી લાવી વ્યક્તિનાં ઘર-મકાન વગેરે સ્થળે નાંખે તો ધનલાભ થાય. ઘરમાંથી કે વસ્તીમાંથી વાસણો ઉઠાવી જાય કે લાવે તેને ભયસૂચક માનવામાં આવે છે. જો ચાંચમાં કોઈ પદાર્થ ભરાવી લાવે તો લાભકારી નિમિત્ત ગણાય, તે પદાર્થથી લાભ થાય. પરંતુ જો ચાંચમાં કાંઈક ઉઠાવી જાય તો નુકસાન થાય. ચાંચમાં પીળા રંગની વસ્તુ ભરાવી લાવે તો સુવર્ણ કે કીમતી વસ્તુનો લાભ થાય. રૂ લાવે તો વસ્ત્રલાભ થાય, સફેદ પદાર્થ લાવે તો ચાંદીનો લાભ થાય.
ચોર લોકો ચીબડીના શુકન-અપશુકન ડાબી ભૈરવ કે જમણી ભૈરવ જોઈ કાર્યસિદ્ધિનો નિર્ણય કરે છે.
ડાબી બાજુએથી આવતો સાપ-નાગ આફત-નુકસાન અને જમણી બાજુએથી આવતો સાપ સફળતા સૂચવે છે. નોળિયાની બાબતમાં આથી ઊલટું માનવામાં આવે છે.
પ્રવાસીને માટે ગાય, દહીં, મેલાં કપડાં, છાણ, બ્રાહ્મણ, જોશી, કુમારિકા, સૌભાગ્યવતી, બાળક સાથે સોહાગણ, ધીમે વાતો, અનુકૂળ પવન, ડાળે બોલતો ચાતક તથા બગલાનાં દર્શન શુભ છે. આથી ઊલટું, દૂધ, ધોયેલાં કપડાં, છાણાં, વિધવા, સામો પવન, જમણી બાજુએ ચાતક કે હિંસક પ્રાણીનાં દર્શન વગેરે પ્રતિકૂળ ગણાય છે.
શરીર ઉપર પડતી ગરોળીનાં નિમિત્ત પણ ‘પલ્લીપતન’ તરીકે ઓળખાય છે.
કંજૂસનું નામ લેવું, તેનું દર્શન થવું પણ અશુભ છે. નિ:સંતાન વ્યક્તિનું દર્શન પણ અશુભ મનાય છે. વ્યક્તિની માફક કેટલાંક ગામનાં નામ પણ અશુભ હોવાથી વહેલી સવારે નામગ્રહણ માટે પ્રશસ્ય ગણાયાં નથી.
સ્વરોદય અનુસાર જમણી બાજુની સૂર્યનાડી કાર્યસફળતા અને ડાબી ચંદ્રનાડી કાર્યની સફળતા વિશે આશંકા વ્યક્ત કરે છે. સ્વરોદયશાસ્ત્ર પણ નિમિત્ત-સૂચક છે.
આમ શકુનશાસ્ત્રમાં વિવિધ પ્રાણીઓ, પશુ-પક્ષીઓની ચેષ્ટાઓ, તેમના ધ્વનિ વગેરેથી શુભાશુભ નિમિત્તનો નિર્ણય કરવાની પરંપરા લોકોમાં પ્રચલિત છે.
બટુક દલીચા
દશરથલાલ વેદિયા