શકધર, શ્યામલાલ
January, 2006
શકધર, શ્યામલાલ (જ. 1 નવેમ્બર 1918, શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર; અ. 17 મે 2002) : ભારતીય લોકસભાના પૂર્વ સેક્રેટરી-જનરલ અને પૂર્વ મુખ્ય ચૂંટણી-અધિકારી. પિતા કે. આર. શકધર. પત્ની સર્ગાદેવી.
ભારત સરકારના ઉચ્ચ કક્ષાના અધિકારી તરીકે તેમણે વિવિધ મંત્રાલયોમાં કામગીરી બજાવી હતી; પરંતુ દેશના પ્રજાસત્તાકના ઘડતરકાળમાં સંસદીય કાર્યપદ્ધતિ અને વ્યવહારને દૃઢ બનાવવામાં તેમનો મહત્વનો ફાળો હતો. મુખ્ય ચૂંટણી-અધિકારી તરીકે તેમણે જૂન 1977થી જૂન 1982 સુધી સેવાઓ આપી હતી. તે દરમિયાન તેમની રાહબરી હેઠળ ચૂંટણી-પંચે ગૌરવપૂર્વક, સ્વતંત્ર અને નિષ્પક્ષપાતભરી ઢબે કામગીરી બજાવીને ભારતની સંસદીય લોકશાહીને શક્તિશાળી બનાવી હતી. એ વાત સવિશેષપણે યાદ રાખવા જેવી છે કે 1977ની કટોકટીના કાળા કાળને અંતે યોજાયેલી સામાન્ય ચૂંટણીથી ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળના કૉંગ્રેસ પક્ષને ભારે શિકસ્ત મળી હતી અને ભારતમાં સૌપ્રથમ વાર વિરોધપક્ષોની સરકાર રચાઈ હતી. આ સમયે મુખ્ય ચૂંટણી-અધિકારી તરીકેની તેમની સેવાઓ સવિશેષ ઉલ્લેખનીય રહી હતી.
તેઓ જિનીવા ખાતેના સેંટર ફૉર પાર્લમેન્ટરી ડૉક્યુમેન્ટેશનના સંચાલક મંડળના સભ્ય હતા. તે સાથે ઇન્ડિયન પાર્લમેન્ટરી ઍસોસિયેશન, ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કૉન્સ્ટિટ્યૂશનલ ઍન્ડ પાર્લમેન્ટરી સ્ટડિઝ જેવી સંસ્થાઓના સભ્ય હતા.
તેમણે કેટલાક ગ્રંથો પણ લખ્યા હતા, જેમાં ‘પ્રૅક્ટિસ ઍન્ડ પ્રોસિજર ઑવ્ પાર્લમેન્ટ’, ‘કન્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઇન ઇન્ડિયા ઍન્ડ યુ.કે.’, ‘ટુ એસ્ટિમેટ કમિટિઝ : એડમિનિસ્ટ્રેટિવ એકાઉન્ટેબિલિટી ઇન પાર્લમેન્ટ’નો ઉલ્લેખ કરી શકાય.
રક્ષા મ. વ્યાસ