શંખેશ્વર : ઉત્તર ગુજરાતનું પ્રસિદ્ધ જૈન તીર્થ. શંખેશ્વર ઉત્તર ગુજરાતમાં રાધનપુર જિલ્લામાં મુંજપર ગામ પાસે આવેલું છે. શંખેશ્વરનું પ્રાચીન નામ ‘શંખપુર’ શિલાલેખો તેમજ ગ્રંથોમાંથી મળી આવે છે; પરંતુ શંખપુરમાં રહેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના વિશેષ મહિમાને કારણે તે ‘શંખેશ્વર તીર્થ’ તરીકે વધુ પ્રસિદ્ધિ પામ્યું છે.

ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો મહામંત્રી સજ્જનશાહે વિ.સં. 1155 (ઈ. સ. 1099)માં શંખેશ્વરમાં મંદિર બંધાવ્યું હતું; પરંતુ પ્રાચીન સાહિત્યિક ઉલ્લેખોને આધારે શંખેશ્વરની પ્રાચીનતા વિ.સં. 802(ઈ.સ. 746)થી પણ વધારે છે. વિ.સં. 994(ઈ.સ. 938)માં શ્રીમાન ઉદ્યોતનસૂરિજી વિદ્યમાન હતા. તેમના પરિવારમાંના મુખ્ય ચોર્યાશી આચાર્યોમાંથી પટ્ટધર સર્વદેવસૂરિજી લગભગ વિ.સં. 1020(ઈ. સ. 964)માં શંખેશ્વર આવીને રહ્યા. એમ મનાય છે કે તેમણે તેમની પાછલી જિંદગી શંખેશ્વરમાં જ વિતાવી હશે, તેથી તેમની પરંપરાના મુનિઓ ‘શંખેશ્વરગચ્છીય’ તરીકે ઓળખાવા લાગ્યા, એટલે કે શંખેશ્વર ગામના નામ પરથી ‘શંખેશ્વરગચ્છ’ નીકળ્યો.

શંખેશ્વર તીર્થધામ ખાતેનું મંદિર અને તેની શિખરાવલિ

‘શંખેશ્વરગચ્છ’ની ઉત્પત્તિ અંગે ‘જૈન ગુર્જર કવિઓ’ : ભાગ 2, પૃ. 765માં જણાવ્યું છે કે, ‘શ્રીધર ભગવાનની 37મી પાટે શ્રી પદ્મદેવસૂરિ થયા. તેઓ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થની યાત્રાએ આવ્યા હતા. ત્યાં તેમણે સાંખ્યદર્શનીઓને વાદમાં જીતવાથી શ્રી પદ્મદેવસૂરિજીનું બીજું નામ ‘સાંખ્યસૂરિ’ પડ્યું અને શંખેશ્વરમાં આ ઘટના બની એટલે ‘શંખેશ્વરગચ્છ’ની સ્થાપના થઈ.

જૈન ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે શ્રીકૃષ્ણે શંખેશ્વરની સ્થાપના કરી હતી. આથી શંખેશ્વર મહાભારતના જેટલું પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત શ્રીકૃષ્ણે પાર્શ્વનાથની સાત ફણાવાળી પ્રતિમાની પણ સ્થાપના કરી હોવાની માન્યતા છે.

શંખેશ્વરમાં આવેલ મંદિરના પાંચ વખત જીર્ણોદ્ધાર થયા હતા.

(1) મંત્રી સજ્જન શેઠ દ્વારા વિ.સં. 1155(ઈ.સ. 1099)માં શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી.

(2) ચૌલુક્યકાળ દરમિયાન ભીમદેવ-2જાના સમયમાં મહામાત્ય વસ્તુપાલ-તેજપાલે વિ.સં. 1286(ઈ.સ. 1230)માં જિનાલયની દેરીઓ પર સોનાના કળશો ચડાવ્યા.

(3) ઝંઝપુર(ઝીંઝુવાડા)ના રાણા દુર્જનશાલ્યે વિ.સં. 1302(ઈ. સ. 1246)ની આસપાસ શંખેશ્વર પાર્શ્વનાથનો જીર્ણોદ્ધાર કરાવ્યો.

(4) શ્રી વિજયસેનસૂરિ મહારાજે લગભગ વિ.સં. 1628થી 1672(ઈ.સ. 1572થી 1616)ના અરસામાં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો.

આ પછી મુઘલ બાદશાહ ઔરંગઝેબના રાજ્યકાળ દરમિયાન લગભગ વિ.સં. 1715થી 1764(ઈ. સ. 1659થી 1708)ના સમયગાળામાં અમદાવાદના સૂબાએ વિ.સં. 1720થી 1740 (ઈ.સ. 1664થી 1684) દરમિયાન આ મંદિર ખંડિત કર્યું હતું.

(5) આ પછી મંદિરનો જીર્ણોદ્ધાર વિ.સં. 1750(ઈ. સ. 1694)ની આસપાસ કરવામાં આવ્યો હતો.

હાલમાં પ્રવર્તમાન મંદિરનો જીર્ણોદ્ધાર વિ.સં. 1828(ઈ. સ. 1772)માં થયો હોવાનું ત્યાંથી મળેલા લેખના આધારે જાણવા મળે છે.

આ મંદિરમાંથી નાના-મોટા મળીને કુલ 67 શિલાલેખો મળી આવ્યા છે; જેમાં 56 જેટલા લેખો સંવતવાળા છે. આ ઉપરાંત નવા મંદિરમાંથી પણ કુલ 24 જેટલા શિલાલેખો પ્રાપ્ત થયા છે. પ્રાપ્ત થયેલા લેખોમાં સૌથી જૂનામાં જૂનો લેખ વિ.સં. 1212(ઈ. સ. 1156)નો છે.

શંખેશ્વરમાં આવેલ જિનાલયને કુલ 57 દેરીઓ છે. મંદિરના ગૂઢમંડપની દીવાલોમાં વિ.સં. 1973(ઈ. સ. 1917)માં ચિત્રકામ થયેલું હતું, જેમાં પાર્શ્વનાથ તીર્થંકરના દસ ભવના અને પંચકલ્યાણકના ભાવો આબેહૂબ ચિત્રિત કરેલા છે. શ્રી વિજયપ્રભસૂરિના ઉપદેશથી સંઘે જિનાલયનો મૂળ ગભારો અને ગૂઢમંડપ તૈયાર કરાવ્યા પછી શંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમાની વિ.સં. 1720(ઈ. સ. 1664)માં વિજયપ્રભસૂરિના પટ્ટધર વિજયરામસૂરિએ પ્રતિષ્ઠા કરી હતી.

મુઘલ રાજવી શાહજહાંએ ઈ. સ. 1656-57માં શંખેશ્વર ગામનો ઇજારો અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરીને રૂ. 1,050થી આપ્યો હતો.

શંખેશ્વર મહાતીર્થમાં (1) ચૈત્રી પૂનમનો (2) કાર્તિકી પૂનમનો અને (3) પોષ દસમીનો  એમ ત્રણ મોટા મેળા પણ ભરાય છે.

વર્ષા ગ. જાની