શંકર ભટ, કડેન્ગોદલુ

January, 2006

શંકર ભટ, કડેન્ગોદલુ (. 1904; . 1968) : કન્નડ કવિ, પત્રકાર અને શિક્ષણકાર. તેમણે મદ્રાસ(ચેન્નાઈ યુનિવર્સિટી)માંથી ‘વિદ્વાન’ની ડિગ્રી પ્રાપ્ત કરી. મધ્યમવર્ગના ખેડૂત પરિવારમાં જન્મ. મૅંગલોરમાં અભ્યાસ દરમિયાન ગાંધીજીનું આહ્વાન મળતાં અભ્યાસ અધવચ છોડી દઈને કર્નાડ સદાશિવ રાવ જેવા દેશભક્તની નેતાગીરીથી પ્રેરાઈને તેઓ સ્વાતંત્ર્યસૈનિકોની ટુકડીમાં જોડાઈ ગયા.

તેઓ મૅંગલોરથી પ્રગટ થતું અઠવાડિક ‘નવયુગ’ છોડ્યા બાદ સેંટ અગ્નેશ કૉલેજ, મૅંગલોરમાં 1927માં કન્નડના પ્રાધ્યાપક બન્યા અને 1964માં ત્યાંથી સેવાનિવૃત્ત થયા. બીજા જાણીતા અઠવાડિક ‘રાષ્ટ્રબંધુ’નું સંપાદન તેમણે 25 વર્ષ સુધી સંભાળ્યું. વળી ‘રાષ્ટ્ર-માતા’નું સંપાદન પણ તેમણે કર્યું હતું.

તેઓ દક્ષિણ કેનારાના બે ઉત્તમ લેખકો મુલિયા તિમ્મપ્પિઆ અને પંજે મંગેશ રાવથી પ્રભાવિત થયા. તેમનું પ્રથમ કાવ્ય ‘ઘોષાયાત્રા’ પૌરાણિક વિષયવસ્તુ દ્વારા તત્કાલીન ઐતિહાસિક પરિસ્થિતિ ચિત્રાંકિત કરતી કૃતિ છે. તેમના વર્ણનાત્મક કાવ્યોના સંગ્રહ ‘નલમે’નું કન્નડ સાહિત્યમાં અનોખું પ્રદાન છે. તે સૌથી વધુ મહત્વપૂર્ણ કૃતિ છે. તેમાંનાં ત્રણ કાવ્યો : ‘હોન્નિયા માદુવે’; ‘માદ્રિયા ચિતે’ અને ‘મુરલી નાદ’ તેનાં ગીત અને વિવરણાત્મક મૂલ્યો માટે નોંધપાત્ર છે. ‘હોન્નિયા માદુવે’માં નિષ્ફળ પ્રેમની કથા; ‘માદ્રિયા ચિતે’માં મહાભારતમાંથી પાંડુ અને માદ્રીના મૃત્યુની આસપાસ વણાયેલી કથા છે, જ્યારે ‘મુરલીનાદ’ ગ્રેના શોકગીતનો કન્નડ અનુવાદ છે.

તેમનું જીવન અને તેમના ગ્રંથો તેમની ઊંડી વિચક્ષણતાનાં દ્યોતક છે. તેમના વિચારો અને અભિવ્યક્તિ સાદગી અને સંયમની પ્રતીતિ કરાવે છે. 1965માં કારવાર ખાતે યોજાયેલા 45મા કન્નડ સાહિત્ય સંમેલનના તેઓ પ્રમુખ હતા. તેઓ કવિ ઉપરાંત વાર્તાકાર, નવલકથાકાર, નાટ્યકાર અને સારા વિવેચક પણ હતા. તેમના મુખ્ય કાવ્યસંગ્રહોમાં ‘કનિકે’ (ઑફરિંગ, 1927); ‘નલમે’ (એફેક્શન, 1932); ‘હન્નુ કયી’ (‘ફ્રૂટ ઍન્ડ નટ’, 1933); ‘પત્ર-પુષ્પ’ (1965) છે. નાટ્યસંગ્રહોમાં ‘ઉષે’ (ડૉન, 1927); ‘ગુરુદક્ષિણે’ (1953) છે. નવલકથાઓમાં ‘ધૂમકેતુ’ (1935); ‘દેવતા મનુષ્ય’ (1947) અને ‘ઓકડા કન્નુ’ (‘આઇ ઑવ્ યુનિવર્સ’, 1948) જાણીતી છે. ‘ગજિના બલે’ (‘ગ્લાસ બગલ’, 1947); ‘હિન્ડિના કથેગલુ’ (‘સ્ટોરિઝ ઑવ્ ધ પાસ્ટ’ 1949) અને ‘દુદિવ્ય મક્કાલુ’ (1953) તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે, જ્યારે ‘વાઙ્મય તપસ્સુ’ (લિટરરી પિનાન્સ, 1963) તેમનો વિવેચનગ્રંથ છે.

બળદેવભાઈ કનીજિયા