શંકરાચાર્ય કૃષ્ણભારતીતીર્થજી (જ. માર્ચ 1884, તિનીવેલી, ચેન્નાઈ; અ. 2 ફેબ્રુઆરી 1960, મુંબઈ) : હિન્દુ ધર્મના પાંચ સર્વોચ્ચ ગુરુઓમાંના એક. મૂળ નામ : વેંકટ રામન, પિતા પી. નરસિંહ શાસ્ત્રી, તિનીવેલી(ચેન્નાઈ ઇલાકો)ના તહસીલદાર, નાયબ કલેક્ટર તરીકે નિવૃત્ત થયા. કાકા વિજયનગરમની કૉલેજના આચાર્ય અને દાદા રંગનાથ શાસ્ત્રી ચેન્નાઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ હતા. વિદ્યાભ્યાસ દરમિયાન બધા વર્ગો અને વિષયોમાં પ્રથમ સ્થાન મેળવતા. મદ્રાસ (ચેન્નાઈ) યુનિ.ની મૅટ્રિકની પરીક્ષામાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયા (1899). સંસ્કૃતના ઉત્તમ જ્ઞાતા અને પ્રભાવક વક્તા હતા. આથી મદ્રાસ (ચેન્નાઈ) સંસ્કૃત મંડળે તેમને ‘સરસ્વતી’નું બિરુદ આપ્યું હતું. બી.એ.ની પરીક્ષામાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું. અમેરિકન સાયન્સ કૉલેજની એમ.એ.ની ઉપાધિ મુંબઈ સેન્ટરમાંથી અંગ્રેજી, વિજ્ઞાન, ગણિત, ફિલસૂફી વગેરે સાથે વીસ વર્ષની ઉંમરે ઉચ્ચ બહુમાન સાથે મેળવી. કૉલેજ-શિક્ષણકાળથી જ અમેરિકન સામયિક ‘રિવ્યૂ ઑવ્ રિવ્યૂઝ’માં અભ્યાસપૂર્ણ લેખો લખતા.
જ્ઞાનપ્રાપ્તિ અને સમાજસેવા કરવાનું દ્વંદ્વ તેમના મનમાં અવિરતપણે ચાલુ રહેતું. 1905માં શૃંગેરી મઠના શંકરાચાર્ય સચ્ચિદાનંદ નૃસિંહભારતીના દર્શને તેઓ ગયા. પછી રાજમહેન્દ્રીની રાષ્ટ્રીય કૉલેજમાં આચાર્ય થયા. ત્રણ વર્ષ પછી આચાર્યપદ છોડી સચ્ચિદાનંદ સ્વામી પાસે શૃંગેરી મઠ ગયા. પછીનાં આઠ વર્ષ તેઓ ઉચ્ચ વેદાન્ત, ફિલસૂફી અને બ્રહ્મસાધનામાં લીન રહ્યા. વચ્ચે વચ્ચે ત્યાંની શાળામાં સંસ્કૃત અને ફિલસૂફી શીખવવા જતા અને પ્રાણસાધના માટે જંગલોમાં પણ જતા. અમલનેરની શંકર ઇન્સ્ટિટ્યૂટમાં શંકરાચાર્યની ફિલસૂફી ઉપર સોળ વ્યાખ્યાન તેમણે આપેલાં, મુંબઈ અને પુણેમાં પણ વ્યાખ્યાન આપેલાં. 4 જુલાઈ 1919ના રોજ શારદાપીઠના શંકરાચાર્ય ત્રિવિક્રમતીર્થજીએ તેમને શંકરાચાર્ય થવાની સંમતિ અને આજ્ઞા આપી. પવિત્ર આજ્ઞામાં બે વર્ષ વિતાવ્યાં બાદ તેમને ધર્માધ્યક્ષ બનાવ્યા.
ત્યારબાદ ભારતના ખૂણેખૂણામાં સનાતન ધર્મના પ્રચાર માટે પ્રવાસ આદર્યો, ઠેર ઠેર વ્યાખ્યાનો આપ્યાં અને પ્રતિષ્ઠા મેળવી. ગોવર્ધનપીઠ પુરીના શંકરાચાર્ય મધુસૂદનતીર્થજી તેમનાથી પ્રભાવિત થયા અને પોતાની પુરીની ગાદી સંભાળવા તેમને સમજાવ્યા. પહેલાં સંમત ન થયા, પરંતુ શંકરાચાર્યજીની નાદુરસ્ત તબિયતને કારણે પાછળથી પદ અને કર્તવ્ય બંને સંભાળ્યાં (1925). આ પદ પર પાંત્રીસ વર્ષ રહીને સનાતન ધર્મનો ઉપદેશ આપ્યો. 1953માં નાગપુરમાં વિશ્વપુનર્નિર્માણ સંઘની સ્થાપના કરી, જેમાં બુદ્ધિજીવીઓ અને ઉમદા ચારિત્ર્યવાળા નાગરિકો જોડાયા. શરૂઆતમાં ગુરુજીએ સંચાલન કર્યું, પરંતુ પાછળથી નાદુરસ્ત તબિયતને કારણે જસ્ટિસ બી. પી. સિંહા પ્રમુખ અને વિખ્યાત અર્થશાસ્ત્રી સી.ડી. દેશમુખ ઉપપ્રમુખ થયા અને પ્રવૃત્તિને વેગ મળ્યો.
1958ના ફેબ્રુઆરીમાં સ્વામીજીએ અમેરિકાની પ્રથમ ધર્મયાત્રા કરી, લૉસ એન્જેલસ વેદાન્તમંડળના સ્થાપક પરમહંસ યોગાનંદજી એના પુરસ્કર્તા બન્યા. સ્વામીજી ત્યાં ત્રણ માસ રોકાયા. દરમિયાન અનેક કૉલેજો, વિશ્વવિદ્યાલયો, ગિરિજાઘરો અને જાહેર સંસ્થાઓમાં પ્રવચનો આપ્યાં. વળી, ટી.વી. ઉપર વૈદિક ગણિત ઉપર પ્રવચનો અને નિદર્શનો આપ્યાં. અથર્વવેદમાંથી સોળ સૂત્રો તારવ્યાં અને તેની મદદથી ગણિતની ઘણી પ્રવિધિઓ સમજાવી તેમજ ગણતરીની ઝડપી અને ટૂંકી રીતો બનાવી અને સમજાવી. સ્વદેશ પાછા ફરતી વખતે યુ.કે.માં પણ વ્યાખ્યાનો આપ્યાં.
પાંચ દાયકા સુધી સતત સ્વાધ્યાય, મનન, ચિંતન, પ્રવચનો, ધર્મયાત્રાઓ વગેરેમાં કાર્યરત રહેવાને કારણે 1959ના નવેમ્બરમાં સ્વામીજીની તબિયત બગડી અને બેએક માસ બાદ તેઓ નિર્વાણ પામ્યા. અથર્વવેદમાંથી તેમણે તારવેલા વૈદિક ગણિતથી તેમને ખૂબ પ્રતિષ્ઠા મળી.
શિવપ્રસાદ મણિશંકર જાની