શંકરાભરણમ્ : રંગીન ચલચિત્ર. ભાષા : તેલુગુ. નિર્માણવર્ષ : 1979. નિર્માણસંસ્થા : પૂર્ણોદય આર્ટ ક્રિયેશન્સ. નિર્માતા : ઈ. નાગેશ્વર રાવ. દિગ્દર્શક અને કથા : કે. વિશ્વનાથ. સંવાદ : જંધ્યાલા. ગીતકાર : વેતુરી સુંદર રામમૂર્તિ. છબિકલા : બાલુ મહેન્દ્ર. સંગીત : કે. વી. મહાદેવન્. મુખ્ય કલાકારો : સૌમૈય્યાંજલુ, મંજુ, ભાર્ગવી, બેબી તુલસી, અલ્લુ રામ લિંગય્યા, પુષ્પકુમારી, બેબી વારાલક્ષ્મી.

તેલુગુ ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ લેખાતા આ ચિત્રમાં કર્ણાટકી સંગીત અને નૃત્યને જ સમર્પિત એક ખ્યાતનામ ગુરુ શંકર શાસ્ત્રીના જીવનમાં બનતી ઘટનાઓનું સંગીત અને નૃત્યના માધ્યમથી નિરૂપણ કરાયું છે. શાસ્ત્રીય સંગીત શીખવતા આ ગુરુ પાસે એક તવાયફ રત્નપ્રભા શિષ્યા તરીકે આવે છે. ગુરુ તેને શિષ્યા તરીકે સ્વીકારી લે છે, પણ આ બાબત ઘણા સામાજિક પ્રશ્નો ઊભા કરે છે. પોતાને કારણે ગુરુને સહન ન કરવું પડે તે માટે રત્નપ્રભા ચાલી જાય છે.

થોડાં વર્ષો પછી તે પોતાના પુત્ર તુલસી સાથે ગુરુ પાસે પાછી ફરે છે. તુલસી શંકર શાસ્ત્રી પાસે સંગીતની તાલીમ લે છે. સમય જતાં રત્નપ્રભા પૈસેટકે માલદાર બને છે. તે પોતાના ગુરુ શંકર શાસ્ત્રીના નામે એક સંગીત-નાટ્યગૃહ બંધાવે છે. આ ગૃહના ઉદ્ઘાટન પ્રસંગે શંકર શાસ્ત્રીના સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવે છે. કાર્યક્રમ શરૂ થતાં જ ગુરુને હૃદયરોગનો હુમલો આવે છે. તેમને તાત્કાલિક હૉસ્પિટલે લઈ જવા પડે છે. આ બાજુ બાળક તુલસી ગુરુના સ્થાને સંગીતનો કાર્યક્રમ આપે છે અને ગુરુ-શિષ્યપરંપરા જાળવી રાખે છે. આ એક એવા સમયગાળાની વાત છે, જ્યારે પાશ્ર્ચાત્ય સંગીતની બોલબાલા વધવા લાગેલી છે. પૉપ-સંગીત સહિત પાશ્ર્ચાત્ય સંગીત જ્યારે શાસ્ત્રીય સંગીતને કોરાણે ધકેલી દેવાને આરે છે ત્યારે શંકર શાસ્ત્રી શાસ્ત્રીય સંગીતનાં કલા-શાસ્ત્ર બચાવવાનો પ્રયાસ કરે છે.

સંગીત અને નૃત્ય કેન્દ્રસ્થાને હોય એવાં ઘણાં તેલુગુ ચિત્રોનું નિર્માણ આ પહેલાં પણ થઈ ચૂક્યું હતું, પણ ‘શંકરાભરણમ્’ એવું પ્રથમ તેલુગુ ચિત્ર ગણાય છે જેમાં સંગીતને એક લોકસંસ્કૃતિ તરીકે પુન: વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ કરાયો હોય. ‘શંકરાભરણ્મ’ને શ્રેષ્ઠ ચિત્ર, શ્રેષ્ઠ સંગીત, શ્રેષ્ઠ પાર્શ્વગાયક (એસ. પી. બાલાસુબ્રમણ્યમ્) અને શ્રેષ્ઠ પાર્શ્વગાયિકા(વાણી જયરામ)ને રાષ્ટ્રીય પારિતોષિક એનાયત થયાં હતાં. આ ચિત્રમાં વાણી જયરામે જે ગીત ગાયું હતું તે પૂરી બે મિનિટ લંબાઈનું પણ નહોતું. તેમ છતાં તે રાષ્ટ્રીય પારિતોષિક મેળવી શક્યું હતું. એસ. પી. બાલાસુબ્રહ્મણ્યમને મળેલું આ પ્રથમ રાષ્ટ્રીય પારિતોષિક હતું. દિગ્દર્શક કે. વિશ્વનાથે આ ચિત્રને હિંદીમાં ‘સૂર સંગમ’ નામે બનાવ્યું હતું. જેમાં મુખ્ય ભૂમિકાઓ ગિરીશ કર્નાર્ડ અને જયાપ્રદાએ ભજવી હતી.

હરસુખ થાનકી