શંકરન નામ્બૂતિરી કે. (જ. 29 માર્ચ 1922, મવેલિકકરા, જિ. અલપ્પુળા, કેરળ) : મલયાળમના લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી બી.એસસી., એમ.એ. અને બી.એડ્.ની ડિગ્રીઓ મેળવી. 1972-77 દરમિયાન તેઓ અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા, પછી સેવાનિવૃત્ત થયા અને લેખનકાર્યમાં જોડાયા. તેઓ સાહિત્ય અકાદમી ઑવ્ એન્સાઇક્લોપીડિયા ઑવ્ ઇન્ડિયન લિટરેચર ઍન્ડ મૉડર્ન ઇન્ડિયન લિટરેચર સાથે સંકળાયેલા રહ્યા હતા.
તેમણે અત્યાર સુધીમાં 8 ગ્રંથો આપ્યા છે. ‘સુરનાદ કુંજન પિલ્લાઈ’ (1983); ‘મહાકવિ પાંડલમ કેરળ વર્મા’ (1992) બંને તેમનાં ચરિત્રો છે. ‘કિલિપ્પટ્ટુ પ્રસ્થાનમ્’ (1980) વિવેચનગ્રંથ છે, જ્યારે ‘તુલસીદલાંગલ’ (1983) કાવ્યસંગ્રહ છે. અંગ્રેજીમાં ‘ટીચિંગ ઇંગ્લિશ ઇન ઇન્ડિયા’ (1960); ‘એન આઉટલાઇન ઑવ્ ઇંગ્લિશ ગ્રામર ઍન્ડ કૉમ્પોઝિશન’ (1972) નામક ગ્રંથો આપ્યા છે.
તેમને 1972માં તુંચન ઍવૉર્ડ કેરળ સાહિત્ય અકાદમી તરફથી આપવામાં આવ્યો હતો. 1971-72માં કેરળ શાસ્ત્ર પરિષદ અને કેરળ સરકારના જાહેર સંપર્ક વિભાગ તરફથી પણ તેમને ઇનામો પ્રાપ્ત થયાં હતાં.
બળદેવભાઈ કનીજિયા