શંકરનકુટ્ટી નાયર, ટી. પી.

January, 2006

શંકરનકુટ્ટી નાયર, ટી. પી. (. 1 જૂન 1950, ઇલૂર, જિ. એર્નાકુલમ્, કેરળ) : મલયાળમ અને અંગ્રેજીના લેખક. તેઓએ કેરળ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં એમ.એ.ની પદવી મેળવી. તેમણે થ્રિસૂરની સરકારી કૉલેજમાં ઇતિહાસના પ્રાધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું. 1973-74માં તેઓ રાજ્યભાષા સંસ્થામાં ઇતિહાસમાં સહસંપાદક; અંગ્રેજી અને મલયાળમમાં દ્વિમાસિક ‘ઇન્ડસ રિવ્યૂ’ના સંપાદક અને સંસ્કૃતની શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટીમાં ઇતિહાસના રીડર રહ્યા. તે અગાઉ તેઓ શ્રી શંકરાચાર્ય યુનિવર્સિટીમાં વલ્લથોળ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેરળ સ્ટડિઝના નિયામક અને સંપાદક હતા.

તેમણે અત્યાર સુધીમાં 6 ગ્રંથો આપ્યા છે. ‘ચિનાયુદે ચરિતમ્’ (1974); ‘એલૂર અથવા ઉદ્યોગમનલ’ (1979) સ્થાનિક ઇતિહાસનો ગ્રંથ છે. ‘વેલુ તમ્પી દલવા’ (1977) ચરિત્રગ્રંથ છે. અંગ્રેજીમાં ‘અ ટ્રૅજિક ડિકેડ ઇન કેરળ હિસ્ટરી’ (1997); ‘કૉન્ટેમ્પરરી ઇન્ડિયા, ચેલેન્જિઝ ઍન્ડ પ્રોસ્પેક્ટિવ્ઝ’ (1986) અને ‘મૉડર્ન ઇન્ડિયા : સોસાયટી ઍન્ડ પોલિટિક્સ ઇન ટ્રાન્ઝિશન’ (1988)  આ બધા માનવવિદ્યાવિષયક ગ્રંથો છે.

તેમને કેરળના ઇતિહાસમાં કરેલ પ્રદાન બદલ 1971માં કે. પી. પાનિકર ઍવૉર્ડ અને 1997માં બેસ્ટ યુનિવર્સિટી ટીચર માટે પ્રો. પી. કે. પાનિક્કર ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે.

બળદેવભાઈ કનીજિયા