વ્હાઇટ હાઉસ : અમેરિકાના પ્રમુખનું વૉશિંગ્ટન ડી. સી.માં આવેલું સત્તાવાર નિવાસસ્થાન. 1600માં પેન્સિલવાનિયા ઍવન્યૂની સામે આવેલી 7 હેક્ટર જમીનમાં આ ઇમારત રચવામાં આવી છે, જેમાં અમેરિકાના પ્રમુખ અને તેમનો પરિવાર વસે છે. પ્રમુખનાં મહત્વનાં કાર્યાલયો પણ આ ઇમારતમાં છે અને ત્યાંથી કામકાજ કરે છે.
વ્હાઇટ હાઉસની ઇમારત 132 ખંડ ધરાવે છે. તેની આસપાસનો મેદાની વિસ્તાર ભારોભાર પ્રાકૃતિક સૌંદર્યથી શોભે છે. આ સ્થાન અમેરિકાની પ્રજાના અને અન્ય દેશોના પ્રવાસીઓનું આકર્ષણ-કેન્દ્ર છે. દર વર્ષે 15 લાખ મુલાકાતીઓ અહીં આવે છે. લોકો તેમના માટે ખુલ્લા રાખવામાં આવેલા ખંડોની મુલાકાત લઈ, અમેરિકાની ભવ્યતાને નજરોથી માપે છે. મોટાભાગના કામના દિવસો દરમિયાન સવારના સમયે કેટલાક વિશેષ ખંડોની મુલાકાત જાહેર જનતા માટે ખુલ્લી હોય છે.
વ્હાઇટ હાઉસની મુખ્ય ઇમારત 53 મીટર લાંબી અને 26 મીટર ઊંચી છે. પ્રારંભે જ નજરે ચડતા ચાર સ્થંભ બે માળ જેટલા ઊંચા છે અને સમગ્ર ઇમારતને ભવ્યતા પૂરી પાડે છે. ઇમારતના ઉત્તરના ભાગની ચોરસ પરસાળમાં મુખ્ય પ્રવેશદ્વાર છે તથા દક્ષિણના ભાગમાં પણ વિશાળ પરસાળ છે. તેનાથી જરા નીચેના ભાગમાં ઇમારતની પૂર્વ-પશ્ચિમમાં બે લાંબી અને વિશાળ વીથિકાઓ છે. પશ્ચિમની વીથિકાના અંદરના ભાગમાં પ્રેસના મુલાકાતીઓ માટેનું સ્થાન આવેલું છે અને પૂર્વની વીથિકાના ભાગમાં થિયેટર આવેલું છે. આ બંને વીથિકાઓના છેડે વિશાળ ખંડો સાથેની અગાસીઓ છે. પશ્ચિમ પાંખમાં પ્રમુખ અને પ્રમુખીય કાર્યાલય સાથેની સંલગ્ન કચેરીઓ કામ કરે છે. ત્યાં પ્રમુખના મંત્રીમંડળની બેઠક યોજી શકાય તેવો ખંડ છે. પૂર્વ પાંખમાં પ્રમુખના લશ્કરી સહાયકોનું કાર્યાલય છે.
ઇમારતની બહાર દક્ષિણ વિભાગમાં આવેલું હરહંમેશ લીલા ઘાસથી આચ્છાદિત મેદાન ‘પ્રેસિડેન્ટ્સ પાર્ક’ તરીકે ઓળખાય છે. અમેરિકાના પૂર્વ પ્રમુખોએ અહીં ઘણાં છોડ અને વૃક્ષો રોપ્યાં છે.
ઇમારતની અંદરના આંશિક ભાગો જાહેર જનતા તેની મુલાકાત લઈ શકે તે માટે ખુલ્લા રાખવામાં આવેલા છે. મુલાકાતીઓ ઇમારતની પૂર્વ પાંખમાંથી પ્રવેશી પ્રથમ માળે પાંચ ખંડો જોઈ શકે છે. આ ખંડો આંતરિક સુશોભન ધરાવે છે. તેમાં મુખ્યત્વે : (1) ધ સ્ટેટ ડાઇનિંગ રૂમ, (2) ધ રેડ રૂમ, (3) ધ બ્લૂ રૂમ, (4) ધ ગ્રીન રૂમ અને (5) ધ ઈસ્ટ રૂમનો સમાવેશ થાય છે.
મુખ્ય ઇમારતમાં આવેલા ધ સ્ટેટ ડાઇનિંગ રૂમ છે; જેમાં એક સાથે 140 મહેમાનોની જમવા અંગેની વ્યવસ્થા કરી શકાય છે. ધ રેડ રૂમની દીવાલો લાલ રેશમના કાપડના વિશાળ પડદાઓથી શોભાયમાન છે. 1810થી 1830ના ગાળાની શૈલીનું રાચરચીલું ત્યાં ગોઠવવામાં આવ્યું છે. ધ બ્લૂ રૂમ લંબગોળ આકાર ધરાવે છે. પ્રમુખના મહેમાનોના સ્વાગત માટેનો આ મુખ્ય ખંડ છે. 1817થી 1825ના રાચરચીલાની ઢબે તે તૈયાર કરવામાં આવેલો છે. ઉપર્યુક્ત વર્ષો દરમિયાન પ્રમુખ જેમ્સ મનરોએ આ ફર્નિચર તૈયાર કરાવ્યું હતું. ધ ગ્રીન રૂમની દીવાલો આછા લીલા રંગના રેશમના પડદાઓથી શોભે છે. 1800થી 1814ના રાચરચીલાની શૈલી અનુસાર આ ખંડ તૈયાર કરાયો છે. મકાનોની અંદર કરવામાં આવતા સુશોભનના જાણીતા નિષ્ણાત ડંકન ફીકેનાં સૂચનો અનુસાર ખંડને શણગારવામાં આવ્યો છે. ધ ઈસ્ટ રૂમ આ ઇમારતનો સૌથી મોટો ખંડ છે. પ્રથમ માળના છેડે તે આવેલો છે. તે 24 મીટર લાંબો અને 11.2 મીટર પહોળો છે. ઔપચારિક ભોજનવિધિ બાદ મહેમાનોની બેઠક આ ખંડમાં હોય છે. 1902માં તેની રચનામાં થોડાક ફેરફાર કરવામાં આવ્યા હતા.
વ્હાઇટ હાઉસની ઇમારતના આ સિવાયના ખંડો અંગત ખંડો તરીકે ઓળખાય છે. પ્રમુખ, તેમનો પરિવાર તેમના મહેમાનો અને કર્મચારીઓ આમાંના અનેક ભાગો અને ખંડોનો રોજ ઉપયોગ કરે છે. ભોંયતળિયાના ભાગે ડિપ્લોમૅટિક રિસેપ્શન રૂમ છે. ઔપચારિક કાર્યક્રમો માટેનો અલાયદો પ્રવેશખંડ છે. તેની બાજુમાં રસોઈઘર તથા ગ્રંથાલય અંગેની સોઈ ધરાવતા ખંડો છે. વ્હાઇટ હાઉસના ડૉક્ટર અને ક્યુરેટરનાં કાર્યાલય પણ અહીં આવેલાં છે.
બીજા માળ પર પ્રમુખ અને તેમનાં કુટુંબીજનો રહે છે. પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનનો શયનખંડ, સંધિઓ અંગેની મંત્રણા માટેનો ટ્રીટી રૂમ અને ક્વીન્સ રૂમ આ જ માળ પર છે.
ત્રીજા માળ પર મહેમાન-ખંડો અને કેટલાક કર્મચારીઓનાં નિવાસસ્થાન આવેલાં છે.
વ્હાઇટ હાઉસ પ્રમુખના અંગત ઉપયોગ માટેના સ્નાનાગાર, સિનેમાઘર અને બૉલિંગ એલી (સ્કિટલ્સની રમત માટેની જગ્યા) ધરાવે છે.
1792માં વ્હાઇટ હાઉસની મૂળ ઇમારતની રચના થઈ. અમેરિકાની સમવાય સરકારે પ્રમુખનું નિવાસસ્થાન તૈયાર કરવા અંગેની એક સ્પર્ધા યોજેલી – જેમાં આયરિશ મૂળના સ્થપતિ જેમ્સ હોબાને રજૂ કરેલી ડિઝાઇન પસંદગીપાત્ર ઠરી હતી. આ ડિઝાઇન મુજબ વ્હાઇટ હાઉસની રચના કરવામાં આવી છે; જેમાં 1700માં યુરોપમાં પ્રચલિત સાદી જ્યૉર્જિયન પદ્ધતિનાં આશ્રયસ્થાનોની પ્રશિષ્ટ ઢબનું મકાન બાંધવાની યોજના હતી. આયર્લૅન્ડના ડબ્લિન શહેરમાં આયરિશ પાર્લમેન્ટનું મકાન જે લેઇન સ્ટર હાઉસ તરીકે જાણીતું છે તેના નમૂનાને નજર સમક્ષ રાખી આ ડિઝાઇન તે વેળા તૈયાર કરવામાં આવી હતી.
1800માં વ્હાઇટ હાઉસના પ્રથમ નિવાસી તરીકે પ્રમુખ જ્હૉન આદમ્સે ત્યાં રહેવાની શરૂઆત કરી. આ સમયે આ ઇમારતના બાંધકામનું કામ પૂરું થયું નહોતું અને પ્રમુખે તેમાં ઠીક ઠીક અગવડો અનુભવી હતી. પ્રારંભે, તેનું અધિકૃત નામ ‘પ્રેસિડેન્ટ હાઉસ’ હતું અને પછીથી તે ઇમારત એક્ઝિક્યુટિવ મેન્શન’ તરીકે જાણીતી બની હતી. ત્યારે આ સમગ્ર વિસ્તારનાં તમામ મકાનો લાલ ઈંટોના રંગથી રંગાયેલાં હતાં અને તેની બરાબર મધ્યે સફેદ ચૂનાથી રંગાયેલી આ ઇમારત વિરોધાભાસ રચતી હતી અને તેના સફેદ ચૂનાને કારણે તે વ્હાઇટ હાઉસ તરીકે જાણીતી બની. 1901માં પ્રમુખ થિયોડોર રુઝવેલ્ટે ‘વ્હાઇટ હાઉસ’ને અધિકૃત નામ તરીકે માન્ય રાખ્યું. તે પછી પ્રમુખ થૉમસ જેફરસનના નિવાસ દરમિયાન ઇમારત વધુ સુવિધાપૂર્ણ અને સુંદર બનાવવામાં આવી. સ્થપતિ બેન્જામિન એચ. લાટ્રોબેની સહાયથી પ્રમુખ જેફરસને મૂળ વ્હાઇટ હાઉસના નકશામાં ઝરૂખા ઉમેરાવ્યા અને તેની પૂર્વ-પશ્ચિમ પાંખો વધુ લાંબી બનાવી.
1812 પછીનાં વર્ષો દરમિયાન બ્રિટિશ દળો અને અમેરિકન દળો વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. તે દરમિયાન 24 ઑગસ્ટ 1814ના રોજ બ્રિટિશ દળોએ આ ઇમારતને આગ લગાડી; એથી પ્રમુખ મેડિસન અને તેમનાં પત્ની ડોલીને નાસી જવાની ફરજ પડેલી. તે પછી આ ઇમારત ફરી ચણવામાં આવી અને 1817માં મનરો દંપતી પ્રમુખપદના હોદ્દાની રૂએ ત્યાં રહેવા માટે આવ્યાં. આ ઇમારતમાં 1820માં ઉત્તર અને દક્ષિણની પરસાળો ઉમેરવામાં આવી. 1824માં હોબાને દક્ષિણના અર્ધવર્તુળાકાર ઝરૂખા નવેસરથી રચીને તેને મૂળ ઇમારત સાથે બખૂબી જોડી દીધા. 1902માં પ્રમુખ થિયોડોર રુઝવેલ્ટે આ ઇમારતની મરામત કરાવી. પૂર્વના ઝરૂખા ફરી બંધાવ્યા અને પશ્ચિમના ઝરૂખાની પડખે એક્ઝિક્યુટિવ ઑફિસ બિલ્ડિંગની નવેસરથી રચના કરવામાં આવી. મેક્કીમ, મીડ અને વ્હાઇટની જાણીતી સ્થાપત્ય કામ કરતી પેઢી દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પ્રમુખ હેરી એસ. ટ્રુમેનના કાર્યકાળ દરમિયાન 1948થી 1952 સુધીમાં આ ઇમારતમાં વ્યાપક ફેરફાર કરવામાં આવ્યા. ‘એક્ઝિક્યુટિવ મૅન્શન’નું બાંધકામ અત્યંત નબળું પડી ગયું હોવાથી તેને મજબૂતાઈ પૂરી પાડવા લોખંડ અને કૉંક્રીટની પૂરક સામગ્રી ઉપયોગમાં લેવામાં આવી. દક્ષિણ બાજુના બીજા માળના ઝરૂખા પર એક બીજો ઝરૂખો ચણવામાં આવ્યો, જે માત્ર પ્રમુખના અંગત ઉપયોગ કે અવર-જવર માટે નિશ્ચિત કરાયો. આ સાથે ઇમારતમાં કેટલાક નવા ખંડો ઉમેરવામાં આવ્યા; એથી કુલ ખંડો 125થી વધીને 132 થયા હતા, જે 2004 સુધી કાયમ રહ્યા છે. 1961માં પ્રમુખ જ્હૉન એફ. કેનેડીના સમય સુધી આ પરિચિત બાંધણી ચાલુ રહી. વ્હાઇટ હાઉસના મૂળ દેખાવને સુસંગત બને તેવી આંતરિક સજાવટથી તેને સજવા માટે શ્રીમતી કૅનેડીએ એક ફાઇન આર્ટ્સ કમિટી નીમી હતી. ધ વ્હાઇટ હાઉસ હિસ્ટૉરિકલ ઍસોસિયેશન 1961માં સ્થપાયું, જેણે આ ઇમારતની માર્ગદર્શક પુસ્તિકાઓ તૈયાર કરી તેમજ ઐતિહાસિક સજાવટની ચીજવસ્તુઓ એકત્ર કરી તેને આ ઇમારતમાં રજૂ કરી. અમેરિકાનાં ઇતિહાસ અને વિચારધારાને અભિવ્યક્ત કરતા ગ્રંથોની તપાસ કરી. તેની યાદી બનાવવા માટે ‘લાઇબ્રેરી કમિટી’ રચવામાં આવી. રિચાર્ડ નિક્સનના શાસન દરમિયાન આ ઇમારતના ઐતિહાસિક ખંડોમાં મહત્વના ફેરફાર કરાયા હતા. શ્રીમતી કેનેડીએ રચેલી સમિતિને શ્રીમતી નિક્સને ચાલુ રાખી અને ઇમારતની આંતરિક સજાવટ વધુ સુંદર અને વ્યવસ્થિત બનાવવાના પ્રયાસોને ઉત્તેજન આપ્યું હતું.
રક્ષા મ. વ્યાસ