વ્હાઇટ પ્લાન : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, યુદ્ધ પછીની આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થા સર્જવા માટે અમેરિકા દ્વારા રજૂ થયેલી યોજના. બે વિશ્વયુદ્ધો વચ્ચેના સમયગાળામાં આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થામાં અસ્થિરતા અને અરાજકતા જોવા મળ્યાં હતાં. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી ફરીથી એવી સ્થિતિ ન સર્જાય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સહકાર દ્વારા સ્થિર નાણાકીય વ્યવસ્થા સ્થપાય તે હેતુથી બ્રિટન, અમેરિકા, ફ્રાંસ અને કૅનેડાએ પોતપોતાની દરખાસ્તો કરી હતી. આ દરખાસ્તોમાં મુખ્ય દરખાસ્તો ઇંગ્લૅન્ડના જૉન મૅનાર્ડ કેઇન્સની અને અમેરિકાના હેરી ડેક્સ્ટર વ્હાઇટની હતી. વ્હાઇટની યોજના કેઇન્સની યોજનાના વિરોધમાં રજૂ થઈ હતી. એ મંત્રણાઓના અંતે 1944માં જે સ્વરૂપે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળની રચના થઈ તે મહદંશે વ્હાઇટ પ્લાન પર આધારિત હતી.

કેઇન્સે આંતરરાષ્ટ્રીય મધ્યસ્થ બૅંક રચવાની દરખાસ્ત કરી હતી. આ બૅંક પોતાનું આગવું ચલણ (‘બૅંકોર’) પ્રગટ કરી શકે. સભ્ય દેશો પોતાની નિકાસ માટે તે સ્વીકારવા બંધાયેલા હોય, એટલે કે બૅંકોર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિનિમયનું માધ્યમ (નાણું) બને એવી કેઇન્સની કલ્પના હતી. આ આંતરરાષ્ટ્રીય બૅંકમાંથી સભ્ય દેશ ઓવરડ્રાફ્ટ લઈ શકે એવી પણ કેઇન્સની દરખાસ્ત હતી. અમેરિકાના વ્હાઇટ પ્લાનમાં કેઇન્સની યોજનાનો વિરોધ હતો. ઓવરડ્રાફ્ટની સૂચિત જોગવાઈનો ઉપયોગ અમેરિકામાંથી ચીજવસ્તુઓ ખરીદવા માટે થશે અને એ રીતે દુનિયાના અન્ય દેશોના સરવૈયાની ખાધ પૂરવાની જવાબદારી અમેરિકાના માથે આવશે એવી અમેરિકાને દહેશત હતી. કેઇન્સની યોજનાના વિકલ્પે વ્હાઇટ પ્લાનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચલણભંડોળ ઊભું કરવાની અને સભ્ય દેશો તેમાં પોતાનો ફાળો આપે એવી દરખાસ્ત હતી. જે દેશોના સરવૈયામાં ખાધ હોય તેઓ સૂચિત સંસ્થા પાસેથી લોન મેળવી શકે. સભ્યો તેમનો ફાળો 25 ટકા સોનામાં અથવા અમેરિકાના ડૉલરમાં તથા બાકીનો 75 ટકા પોતાના ચલણમાં ચૂકવે એવી દરખાસ્ત હતી. આ ફાળાને ક્વોટા તરીકે ઓળખવામાં આવે છે. દેશની રાષ્ટ્રીય આવક, આંતરરાષ્ટ્રીય વેપાર, વિદેશી ચલણની અનામતો વગેરેના આધાર પર સભ્ય થનાર દેશનો ક્વોટા મુકરર કરવાનો હતો. દેશને એના ક્વોટાના પ્રમાણમાં મતાધિકાર સાંપડે એવી પણ દરખાસ્ત હતી.

પરાશર વોરા