વ્હાઇટ, પૅટ્રિક (. 28 મે 1912, નાઇટ્સબ્રિજ, લંડન; . 1990) : ઑસ્ટ્રેલિયન નવલકથાકાર, નાટ્યકાર અને વાર્તાલેખક. 1973ના નોબેલ પારિતોષિકવિજેતા. માતાપિતા ઑસ્ટ્રેલિયન. પોતાનો યુવાકાળ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ  બંને સ્થળે પસાર થયો. ઈ. સ. 1935માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ફ્રેન્ચ અને જર્મન બંને વિષયો સાથે સ્નાતક થયા. કૉલેજ-અભ્યાસ કેમ્બ્રિજની કિંગ્ઝ કૉલેજમાં. સ્નાતક થયા બાદ લંડનમાં રહ્યા અને લેખક તરીકેની કારકિર્દી શરૂ કરી. સૌપ્રથમ નવલકથા ‘હૅપી વૅલી’(1939)માં ન્યૂ સાઉથવેલ્સનાં જીવન અને પર્યાવરણનું વર્ણન છે. ત્યારબાદ ઈ. સ. 1941માં ‘ધ લિવિંગ ઍન્ડ ધ ડેડ’ પ્રકાશિત થઈ. આ નવલકથામાં યુદ્ધ પહેલાંના ઇંગ્લૅન્ડનું વાતાવરણ છે. ઈ. સ. 1948માં ‘ધ આન્ટસ્ સ્ટૉરી’ પ્રકાશિત થઈ. તેની નાયિકા થિયૉડૉરા ગુડમૅન નામની એક ઑસ્ટ્રેલિયન અપરિણીત સન્નારીના સત્યને શોધવાના સંઘર્ષની કથા છે. પૅટ્રિક વ્હાઇટ ત્રીસીના દાયકામાં થોડોક વખત અમેરિકામાં રહેલા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે રૉયલ ઍરફૉર્સ ઇન્ટેલિજન્સમાં ગ્રીસ અને મધ્યપૂર્વમાં સેવાઓ આપી. યુદ્ધ પૂરું થયા બાદ વ્હાઇટ ઑસ્ટ્રેલિયા પાછા ફર્યા અને તેમની સાથે એમના ગ્રીક મિત્ર મેનોલી લાસ્કારિઝને લઈ આવ્યા. બંનેએ ઘર ખરીદ્યું અને વસવાટ શરૂ કર્યો. અઢાર વર્ષ સુધી બંને ખેડૂતનું જીવન જીવ્યાં. ફૂલ, શાકભાજી, દૂધ, માખણ, જેવી કૃષિ-પેદાશની ચીજો વેચવામાં તેમણે અનેક વર્ષો પસાર કર્યાં. આ વર્ષો દરમિયાન પૅટ્રિક વ્હાઇટની પ્રથમ મહત્વની કૃતિ ‘ધ આન્ટસ્ સ્ટોરી’ સર્જાઈ. ઈ. સ. 1955માં ‘ધ ટ્રી ઑવ્ મૅન’ નામની વિસ્તૃત કુટુંબકથા પ્રકાશિત થઈ. આ કથામાં વીસમી સદીની શરૂઆતના સામાન્ય લોકોના જીવનની વાત છે. તેમની બીજી નવલકથા ‘વૉસ’માં ઑસ્ટ્રેલિયાના ભવ્ય ભૂતકાળનું વર્ણન જોવા મળે છે. આ નવલકથામાં વૉસ નામના જર્મન દાર્શનિક જોહાન વૉસના રહસ્યવાદી અનુભવોનું વર્ણન છે. આ નવલકથાની વાત, ઈ. સ. 1848માં રણમાં મૃત્યુ પામેલા લુડવીગ લોકાર્ટની વાસ્તવિક ઘટના ઉપર આધારિત હતી. ‘રાઇડર્સ ઇન ધ ચૅરિયેટ’માં ઘણા બહિષ્કૃત લોકોની વાત છે. જેમાં યહૂદી, એક નિર્વાસિત, એક વિદ્વાન, એક ચિત્રકાર, એક સાધ્વી, એક ધોબણ વગેરે છે. આ કથામાં જીવંત વ્યક્તિઓ તથા મૃત વ્યક્તિઓની સાથે જીવન વ્યતીત કરવાના રહસ્યમય અનુભવોનું વર્ણન છે.

પૅટ્રિક વ્હાઇટ

પૅટ્રિક વ્હાઇટે 1960ના દશકામાં નગરજીવન વિશે કેટલાંક પુસ્તકો અને નાટકો લખ્યાં. તેમાંનાં બે નાટકો ‘ધ સિઝન ઍટ સાર્સાપારીલા’ (1962) અને ‘ધ સૉલિડ મન્ડેલા’ (1966) યશસ્વી ગણાય છે. આ બંને કૃતિઓ ‘કાર્લ યંગ’ના વિચારોથી પ્રભાવિત છે. પૅટ્રિક વ્હાઇટની ટૂંકી વાર્તાઓ ‘ધ બર્ન્ટ વન્સ’(1964)માં પ્રકાશિત થઈ છે. જીવનના ઉત્તરાર્ધમાં પૅટ્રિક વ્હાઇટે પર્યાવરણની રક્ષા, આદિવાસીઓના હકો વગેરે મુદ્દાઓ લઈ પોતાના વિચારો જાહેરમાં પ્રગટ કરવા માંડ્યા. જ્યારે માનવીના મનની ગહેરાઈઓ સમજવાનો પ્રયાસ કરતી કૃતિ ‘ધ ટ્વાઇબૉર્ન અફૅર’ (1979) નામની નવલકથા લખી ત્યારે તેમને એમ થયેલું કે એ તેની અંતિમ કૃતિ હશે; પરંતુ 1986માં ફરીથી એક યશસ્વી નવલકથા ‘મેમ્વાર ઑવ્ મેની ઇન વન’ પ્રસિદ્ધ કરી. પોતાની આત્મકથા ‘ફ્લૉઝ ઇન ધ ગ્લાસ’ 1981માં પ્રસિદ્ધ કરી જેમાં વ્હાઇટે પોતાના જીવન તથા ઑસ્ટ્રેલિયન સમાજમાં સજાતીય સંબંધો ધરાવનાર વ્યક્તિઓના જીવનનું નિરૂપણ કર્યું છે. વ્હાઇટે પોતાના અંગત જીવનને ખૂબ જ ખાનગી રાખવાનો પ્રયાસ કરેલો અને તેમણે એવી સૂચના આપેલી કે તેના મૃત્યુના સમાચાર પણ તેની સ્મશાનયાત્રા પતી ગયા બાદ જ પ્રસારિત કરવા. પૅટ્રિક વ્હાઇટનું જીવન ડેવીડમાર નામના લેખકે અદ્ભુત રીતે આલેખ્યું છે. આ લેખકે ઈ. સ. 1996માં વ્હાઇટના પત્રો પણ સંપાદિત કર્યા છે; જે દ્વારા વ્હાઇટનો યહૂદી સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ, તેમના યુદ્ધ વિશેના વિચારો, એમની માન્યતાઓ તથા સજાતીય સંબંધો વિશેનો તેમનો ખ્યાલ વગેરેનો પરિચય થાય છે. પૅટ્રિક વ્હાઇટ ઑસ્ટ્રેલિયન સાહિત્યના યશસ્વી લેખક તરીકે આજે પણ જાણીતા છે.

ધીમંત પંકજ સોની