વ્હાઇટ, માઇનૉર (જ. 9 જુલાઈ 1908, મિનિયાપૉલિસ, યુનાઇટેડ સ્ટેટ્સ; અ. 24 જૂન 1976, કેમ્બ્રિજ, યુનાઇટેડ સ્ટેટ્સ) : અમેરિકી છબિકાર અને પત્રકાર. છબિકલા દ્વારા અભિવ્યક્તિનો વ્યાપ વધારવાના તેમના પ્રયત્નોએ તેમને વીસમી સદીના મધ્ય ભાગના સૌથી પ્રભાવી સર્જનશીલ છબિકાર બનાવ્યા. વ્હાઇટે નાની વયથી ચિત્રો પાડવાનો આરંભ કર્યો પણ તે પછી વનસ્પતિશાસ્ત્ર અને કવિતાના અભ્યાસ પાછળ લાગતાં થોડાં વર્ષો એ કામ બાજુએ મૂક્યું. 1937થી તે છબિકલા પાછળ ગંભીરતાથી લાગ્યા. પ્રારંભિક વર્ષોમાં વર્ક્સ પ્રોગ્રેસ એડ્મિનિસ્ટ્રેશન માટે છબિકાર રહ્યા. આ ક્ષેત્રના છબિકારો દસ્તાવેજીકરણ પૂરતું વિચારતાં. વ્હાઇટે વૈયક્તિક અભિગમ અપનાવ્યો. 1945માં એડવર્ડ વેસ્ટન અને આલ્ફ્રેડ સ્ટિગલિટ્ઝના કાર્યના અભ્યાસે તેમની શૈલીને નિશ્ચિત ઘાટ આપ્યો. વેસ્ટન પાસેથી તેઓ યથાર્થતા અને વર્ણસૌન્દર્યનો મહિમા શીખ્યા. સ્ટિગલિટ્ઝે તેમને શ્રેણી-પ્રસ્તુતિમાં નિહિત અભિવ્યક્તિનો મહિમા સમજાવ્યો. છબિને તેમણે દૃશ્ય રૂપક બનાવ્યું. 1946માં સાનફ્રાન્સિસ્કો જઈ વ્હાઇટે છબિકાર એન્સમ એડમ્સના સહકારમાં કામ કર્યું. એડમ્સ પાસેથી તે ક્ષેત્રપદ્ધતિ શીખ્યા. અંતિમ ચિત્રમાં પદાર્થ કે દૃશ્ય કેવું હશે તેનું પૂર્વદર્શન કરવાની આ પદ્ધતિ તેમને સહાયક રહી. એન્સલની નિવૃત્તિથી વ્હાઇટ કૅલિફૉર્નિયા સ્કૂલ ઑવ્ ફાઇન આર્ટ્સના છબિવિભાગના નિયામક નિમાયા. અહીં તેમણે છબિવાચન માટે સ્થળવિશ્લેષણ નામની પદ્ધતિ વિકસાવી. છબિકલાના ‘એપર્ચર’ સામયિકના સંપાદક રૂપે તેમણે આ વિષયો પર પુષ્કળ લખ્યું. આ સામયિક તેમણે 1952માં સ્થાપ્યું. 1953થી 1957ના સમયમાં તેમના સંપાદન હેઠળના બીજા ‘ઇમેજ’ સામયિકમાં પણ લખ્યું.

વ્હાઇટ તેમના કામમાં પ્રકૃતિનાં વર્ણો અને પોત પ્રત્યે સભાન રહ્યા. આ સાથે જ તેમણે અમૂર્ત છબિકલાક્ષેત્રે પણ નેતૃત્વ નિભાવ્યું. 1965માં તેઓ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેક્નૉલોજીમાં સર્જનાત્મક છબિકલાના અધ્યાપક નિમાતાં તેમનો પ્રભાવ વધ્યો. નિવૃત્તિ પછી તરત તેમનું અવસાન થયું.

બંસીધર શુક્લ