વ્રત : સંકલ્પપૂર્વક કરવામાં આવતું કાર્ય. ઋષિમુનિઓએ વેદ-પુરાણો વગેરે આત્મસાત્ કરીને માનવના કલ્યાણ માટે અનેક ઉપાયો બતાવ્યા છે. એવા ઉપાયોથી દુઃખથી મુક્તિ મળે છે. તેમ એનાથી સુખ પણ પામી શકાય છે. વ્રત અને ઉપવાસ એ એવા પ્રકારના સરળ ઉપાયો છે. વેદકાળમાં વ્રતોનો ખાસ પ્રચાર નહોતો. પૌરાણિક કાળમાં એનો પ્રચાર વધી ગયો.
વ્રત મુખ્યત્વે ત્રણ પ્રકારનાં છે : (1) નિત્ય. તેનું આચરણ દરરોજ કરવું પડે છે. તેને ન કરવાથી મનુષ્યને દોષ લાગે છે. સાચું બોલવું, પવિત્ર રહેવું, ક્રોધ ન કરવો, પરનિંદા ન કરવી વગેરેનો આમાં સમાવેશ થાય છે. (2) નૈમિત્તિક. એટલે કોઈ પ્રકારનું પાપ થઈ ગયું હોય તો તેના નિવારણ માટે કરાનારા વ્રતને નૈમિત્તિક વ્રત કહે છે. (3) કામ્યવ્રત. જે વ્રત કોઈ પણ પ્રકારની કામનાની મૂર્તિ અર્થે કરવામાં આવે છે. સ્ત્રીઓ અને પુરુષો અંગે અલગ અલગ વ્રતોનું વિધાન છે. ધીરે ધીરે એની સંખ્યામાં ખૂબ વધારો થયો કે પછી તિથિ અને વારનાં પણ વ્રત રખાવા લાગ્યાં.
પ્રવીણચંદ્ર પરીખ