વ્રણ (ulcer) (આયુર્વિજ્ઞાન) : ચામડી કે શ્લેષ્મકલા(mucous membrane)માં છેદ. તેને ચાંદું પણ કહે છે. શરીરના બહારના ભાગનું આવરણ ચામડી છે જ્યારે તેના અવયવોનાં પોલાણોની અંદરના આવરણને શ્લેષ્મકલા કહે છે. આ બંનેના સપાટી પરના સ્તરને અધિચ્છદ (epithelium) કહે છે. તેમાં તૂટ ઉદ્ભવે, છેદ કે  ઘાવ પડે ત્યારે તેને ચાંદું અથવા વ્રણ કહે છે. વ્રણ ચામડી કે શ્લેષ્મકલાના અંદરના સ્તરોને પણ અસરગ્રસ્ત કરે છે. આમ, વ્રણ એક પ્રકારનો સપાટીગત દોષવિસ્તાર (lesion) છે. આવરણમાં છેદ ઉત્પન્ન થવાથી ત્યાં ઘણી વખત ચેપ (infection) લાગે છે અને તેમાં પરુ થાય છે. ચાંદું પડવાનાં વિવિધ કારણો છે; જેમ કે, ઈજા થવી, ચેપ લાગવાથી ગૂમડું થાય અને તે ફાટી જાય, કૅન્સરની ગાંઠ થઈ હોય અને તે ખૂલી જાય, રાસાયણિક દાહ લાગે કે પ્રક્રિયા થયેલી હોય, સતત ઘસારો થતો હોય, અતિશય ઠંડીના કારણે લોહીનું પરિભ્રમણ ઘટતાં ચામડીના ઉપલા સ્તરોમાં વિકાર સર્જાય વગેરે. વિવિધ પ્રકારની રુગ્ણતાઓ વ્રણ સર્જે છે. તેમને સારણી 1માં દર્શાવી છે :

સારણી 1 : વિવિધ પ્રકારના વ્રણ

ક્રમ    નામ       વિગત અને અન્ય નામો
1     2               3
1. અન્નનળી વ્રણ જુઓ પચિતકલાવ્રણ.
2. અપોષી વ્રણ (trophic ulcer) જુઓ શય્યાવ્રણ.
3. અલસ (indolent) વ્રણ લાંબા સમયથી થયેલું, કઠણ અને ઊંચી થયેલી કિનારીવાળું, નહિવત્ દાણાદાર પેશી(granulation tissue)વાળું ન રૂઝાતું ચાંદું. તેને દીર્ઘકાલી (chronic) અને કાઠિન્યપૂર્ણ (callous) વ્રણ પણ કહે છે.
4. ઉપદંશીય (syphilitic) વ્રણ અથવા ઢવ્રણ (chancre) ઉપદંશના પ્રથમ ચિહ્ન તરીકે તંતુકાઠિન્ય (sclerosis) યુક્ત ચાંદું. શિશ્ર્નમુકુટ પર નાની, લાલ, કઠણ અને સંવેદનારહિત ફોલ્લી રૂપે શરૂ થઈને ચાંદાંમાં પરિવર્તન પામતો દોષવિસ્તાર. અન્ય નામ : દૃઢવ્રણ (chancre).
5. ઉષ્ણ્કટિબંધીય (tropic) વ્રણ જુઓ એડનનો વ્રણ
6. એડનનો વ્રણ તે ગંદવાડને કારણે થાય છે. અન્ય નામો : ઉષ્ણ- કટિબંધીય, મલબાર, નાગા કે રણપ્રદેશીય વ્રણ.
7. અંગવિન્યાસી (decubitus) વ્રણ જુઓ શય્યાવ્રણ.
8. અંગોચ્છેદક (amputating) વ્રણ અંગ (limb) કે ઉપાંગને ચારે બાજુથી વીંટળાતું ચાંદું.
9. કાઠિન્યપૂર્ણ વ્રણ જુઓ અલસ વ્રણ.
10. છિદ્રાનુછિદ્ર સંધીય (anastomotic) વ્રણ જઠર અને નાના આંતરડાને જોડવામાં આવે ત્યારે છિદ્રાનુછિદ્રસંધિસ્થાને (anastomotic site) આંતરડાના ભાગમાં થતું ચાંદું.
11. જઠર વ્રણ જુઓ પચિતકલાવ્રણ.
12. તલકોષીય કૅન્સર (basal cell cancer) ચહેરા પર થતું, સામાન્ય રીતે હળવા પ્રકારનું કૅન્સર જે ચાંદાં રૂપે જોવા મળે છે.
13. દીર્ઘકાલી વ્રણ જુઓ અલસ વ્રણ.
14. દંતજન્ય વ્રણ (dental ulcer) દાંતની તીક્ષ્ણ ધારના ઘસારાથી જીભ કે ગલોફામાં થતું ચાંદું. તેની સમયસરની સારવાર ન થાય તો તેમાંથી કૅન્સર થાય છે.
15. પક્વાશયથી વ્રણ (duodenal ulcer) જુઓ પચિતકલા વ્રણ.
16. પચિતકલા વ્રણ (peptic ulcer) જઠર અને પક્વાશયમાં જઠરરસમાંના અમ્લ-(acid)ના સંસર્ગથી ઉદ્ભવતું ચાંદું. ક્યારેક તે અન્નનળીના નીચલા છેડે પણ ઉદ્ભવે છે. તેનું સીધું કારણ જઠરમાં ઍસિડનું વધેલું ઉત્પાદન અને શ્લેષ્મકલાની સુરક્ષાપ્રણાલીમાં ઉદ્ભવેલી ક્ષતિ હોય છે. લાગણીનો અતિરેક, કેટલાક પ્રકારનો આહાર, દારૂ, કૉફી, ઍસ્પિરિન તથા અન્ય દવાઓ તથા બહુવિસ્તારી ચેતા(vagus nerve)નું અત્યુત્તેજન (hyperstimulation) આ પ્રકારનો વ્રણ સર્જે છે. જો વ્રણ જઠર કે પક્વાશયની દીવાલમાં ઊંડો ઊતરે તો તે રુધિરસ્રાવ કરે છે કે છિદ્ર પાડે છે. અન્ય નામો : જઠરવ્રણ, પક્વાશય-વ્રણ, અન્નનળીવ્રણ.
17. પ્રદમજન્ય વ્રણ (pressure ulcer) જુઓ શય્યાવ્રણ.
18. રણપ્રદેશીય વ્રણ જુઓ એડનનો વ્રણ.
19. વિક્ષત (corrosive) વ્રણ જુઓ વિસ્તરણશીલ વ્રણ.
20. વિસ્તારશીલ વ્રણ (noma) હોઠના ખૂણેથી શરૂ થઈને કોશનાશી મુખશોથ (stomatitis) રૂપે સમગ્ર હોઠ અને ગાલને અસર કરતું વિસ્તરતું ચાંદું. સામાન્ય રીતે ગરીબ અને અલ્પપોષિત (undernourished) બાળકો અને દુર્બળ વ્યક્તિઓમાં તે જોવા મળે છે. ઘણી વખતે તેની પહેલાં કાલા-અઝાર કે મરડા જેવો ચેપ લાગેલો હોય છે. અન્ય નામ : વિક્ષત વ્રણ (corrosive ulcer).
21. વિસ્તરણશીલ ભગવ્રણ (noma valvae) ગુરુભગોષ્ઠ(labia majora)માં થતો વિસ્તરણશીલ વ્રણ (noma). તેના કોષનાશી દ્રવ્યમાં ફ્યૂઝીફૉર્મ જીવાણુઓ, બોરેલિઆ, જૂથગોલાણુ (staphylo-cocci), અજારક રેખગોલાણુઓ (streptococci) વગેરે જોવા મળે છે.
22. સર્પશિરા વ્રણ (varicose or gravitational ulcer) પગની નસમાંના વાલ્વની ખરાબી થયેલી હોય અને શિરાઓ પહોળી અને વાંકીચૂકી થયેલી હોય તો તેને સર્પશિરા (varicose veins) કહે છે. તેમાં લોહી ભરાઈ રહેવાથી અને ચેપ લાગવાથી ચાંદું થાય છે.
23. સાદું ચાંદું સ્થાનિક વિકારને કારણે થયેલું અને શરીરના કોઈ અન્ય વ્યાધિને કારણે ન થયેલું, દુખાવો કે શોથવિકાર (inflammation) વગરનું ચાંદું.
24. શીતસ્થિતિસર્જિત વ્રણ ઠંડીને કારણે સપાટી પરનું રુધિરાભિસરણ ઘટે અને તેથી ઉદ્ભવતું કોષનાશી (gangrenous) ચાંદું.
25. શય્યાવ્રણ (bed-sore) લાંબા સમયની પથારીવશતા કે બાહ્ય સ્થાપક (splint) વડે કોઈ અંગને એક જ સ્થિતિમાં લાંબો સમય રાખવામાં આવે ત્યારે હાડકાંના પ્રવર્ધિત ભાગ અને શય્યા કે સ્થાપકની કઠણ સપાટી વચ્ચેની ચામડી અને અન્ય પેશીમાં રુધિરાભિસરણ ઘટે છે અને તેમાં ચાંદું પડે છે. તેમાં ચેપ પણ લાગે છે. જો સાથે ચેતાતંત્રીય વિકાર હોય અને ચામડીની સંવેદનાની ગ્રાહ્યતા ઘટેલી હોય તો તે વધારાની સમસ્યા સર્જે છે. લાંબા સમય સુધી પથારીવશ થયેલી વ્યક્તિના ત્રિકાસ્થિ (sacrum), પાની (heel), ઘૂંટી (ankle), નિતંબ (buttock) વગેરે પર ચાંદાં પડે છે. પરસેવો, પેશાબ કે મળને કારણે જો ચામડી ભીની થઈને ફોગાઈ જાય (maceration) તો તે ચાંદું પાડવામાં મદદરૂપ થાય છે. અન્ય નામો : પ્રદમજન્ય વ્રણ (pressure ulcer), અપોષીવ્રણ (trophic ulcer), અંગવિન્યાસી (decubtus) વ્રણ.

નિદાન : ચાંદાંના નિદાનમાં વિષમતા-વૃત્તાંત (case history), સ્થાનિક તપાસ, જરૂર પ્રમાણેની શારીરિક તપાસ તથા યોગ્ય નિર્ધારિત કસોટીઓ અને ચિત્રણો (images) સાથેની તપાસ કરાય છે. વિષમતાવૃત્તાંતમાં વિકારની શરૂઆત, સમયગાળો, દુખાવો, તેમાંથી પ્રવાહી નીકળતું હોય (બહિ:સ્રાવ, discharge) તો તેની વિગત તથા દર્દીને થયેલા અન્ય રોગો અંગેની જાણકારીનો સમાવેશ થાય છે. ચાંદું કોઈ ઈજા પછી કે આપોઆપ થયું છે તે જાણી લેવાય છે. દાંતની તીક્ષ્ણ ધારને કારણે થતું ચાંદું જ્યાં સુધી દાંતની ધારને ઘસીને લીસી ન કરવામાં આવે ત્યાં સુધી થયા કરે છે. તેવી રીતે સાંધાની પાસેનું ચાંદું સતત હલનચલનને કારણે ઝડપથી રુઝાતું નથી. ચામડી નીચેની લસિકાગ્રંથિમાંનો ચેપ (દા.ત., ક્ષયરોગ) કે ગૂમડું ફાટીને ચાંદું કરે છે. ક્યારેક ન રુઝાતું ચાંદું કૅન્સરને કારણે પણ હોય છે. ક્ષય, ઉપદંશ (syphilis) કે ચેતાતંત્રનો વિકાર એટલે કે ચેતાવિકાર-(neuropathy)ને કારણે થતું ચાંદું પીડારહિત હોય છે. ચાંદાં ચેપ લાગે તેને લીધે કે તે આગળ વધેલા કૅન્સરને કારણે હોય તો તેની પીડા થાય છે. જોકે કૅન્સરની શરૂઆત હોય તો તેમાં દુખાવો થતો નથી. ચાંદાંમાંથી રસસમ (serum) પ્રવાહી, લોહી કે પરુનો બહિ:સ્રાવ થાય છે કે નહિ તે જોવામાં આવે છે. ક્ષયરોગ, મધુપ્રમેહ, ચેતાતંત્રના વિકારો, ઉપદંશ વગેરે વિવિધ રોગોમાં થતાં ચાંદાંની કેટલીક વિશિષ્ટ વિષમતાઓ હોય છે. તેથી જે તે રોગની હાજરી વિશે માહિતી મેળવી લેવાય છે.

ચાંદાંની સ્થાનિક તપાસમાં તેનું કદ, આકાર, સંખ્યા, સ્થાન, ધાર (edge), તલસપાટી (floor), બહિ:સ્રાવ, આસપાસનો વિસ્તાર તથા શરીરના જે તે ભાગનું અવલોકન અથવા નિરીક્ષણ (inspection) કરાય છે. ત્યારબાદ તેને તથા તેની આસપાસના ભાગનું સંસ્પર્શન (palpation) કરાય છે; જેમાં સ્પર્શવેદના (tenderness), ધાર અને કિનારી અથવા સીમાપટ્ટી (margin), આધાર (base), ઊંડાઈ, રુધિરસ્રાવ, તેની નીચે આવેલી સંરચનાઓ સાથેનો સંબંધ તથા આસપાસની ચામડીનો સમાવેશ કરાય છે. સ્થાનિક તપાસમાં પ્રદેશીય લસિકાગ્રંથિઓ (regional lymphonodes) માટેના સંસ્પર્શનને સમાવી લેવાય છે. તેમાં લસિકાગ્રંથિચેપ(‘વેળ’ ઘાલવાની ગ્રંથિઓ)ના કદ, કઠણતા વગેરેને ચકાસવામાં આવે છે.

ચાંદાંનાં આકાર, કદ અને તેની કેટલીક લાક્ષણિકતાઓ નિદાન માટે ઉપયોગી છે. ક્ષયરોગમાં થતાં ચાંદાં લંબગોળ હોય છે, પરંતુ તે એકબીજાં સાથે જોડાઈને અનિયમિત આકાર બનાવે છે. સર્પશિરાનાં ચાંદાં પણ લંબગોળ હોય છે, જ્યારે કૅન્સરજન્ય ચાંદાં અનિયમિત આકારનાં હોય છે. ચાંદાંના કદમાં આવતા  ફેરફારથી તે મટી રહ્યું છે કે નહિ તે જાણી શકાય છે. વળી મોટું ચાંદું રુઝાતાં વાર કરે છે. ક્ષયરોગ અને સર્પશિરાથી થતાં ચાંદાંની સંખ્યા વધુ હોય છે. ઘૂંટીના સાંધાની જમણી બાજુ  જોવા મળતાં ચાંદાં સર્પશિરાને કારણે હોય છે, તો ચહેરાના ઉપરના ભાગમાં તલકોષી કૅન્સરનાં ચાંદાં થાય છે. ક્ષયરોગનાં ચાંદાં ડોક, બગલ કે જાંઘમાંની લસિકાગ્રંથિઓ કે જેમાં ‘વેળ ઘાલતી’ હોય છે ત્યાં થાય છે; પરંતુ કોષભક્ષી (lupus) પ્રકારના ચામડીના રોગમાં ચાંદાં ચહેરા, આંગળીઓ અને હાથ પર થાય છે. જનનેન્દ્રિય પરનાં ચાંદાં ઉપદંશ (કે syphilis) કે અન્ય લિંગીય સંક્રમણ(sexual transmission)થી થતા રોગોમાં જોવા મળે છે. અપોષી ચાંદાં (trophic ulcers) પાની કે અન્ય હાડકાં પર સીધે-સીધી રહેલી ચામડીવાળા વિસ્તારોમાં જોવા મળે છે. કૅન્સરથી થતાં ચાંદાં શરીરમાં ગમે ત્યાં થઈ શકે છે, પરંતુ તે હોઠ, જીભ, સ્તન, શિશ્ર્ન અને ગુદાદ્વાર પાસે ઘણી વખત જોવા મળે છે.

ચાંદાંની ધાર (edge) અને કિનારી(margin)નો અભ્યાસ કરવાથી પણ નિદાનમાં સહાયતા મળે છે. સામાન્ય ચામડી અને ચાંદું જ્યાં મળે તે વિસ્તારને કિનારી કહે છે અને તે ચાંદાંની સીમાપટ્ટી (boundary) બનાવે છે, જ્યારે ચાંદાંની તલસપાટી (floor) અને કિનારી મળે તે વિસ્તારને ધાર (edge) કહે છે. ફેલાતા જતા ચાંદાંની ધાર સૂજેલી અને શોથગ્રસ્ત (inflammed) હોય છે, જ્યારે રુઝાતા ચાંદાંમાં તે અધિચ્છદ(epithelium)ની વૃદ્ધિ થવાથી ભૂરાશ પડતી અથવા તંતુરૂઝપેશીને કારણે સફેદ રંગની થાય છે. ચાંદાંની ધારના 5 પ્રકારો છે  (1) અંતર્ગુપ્ત (undermined) ધાર, કે જેમાં ચાંદું ચામડીની નીચે વિસ્તરતું હોય તે છે (દા.ત. ક્ષયરોગ), (2) તીક્ષ્ણ છેદિત (punched cut) કે જેમાં સીમાપટ્ટી(કિનારી)થી ધાર લગભગ 90°ના ખૂણે સીધી તલસપાટી તરફ જાય છે (દા.ત., ઊંડું અપોષી ચાંદું), (3) ઢલતી (sloping) ધાર કે જેમાં ધાર ત્રાંસી હોય છે. (દા.ત., રુઝાતું ઈજાજન્ય કે સર્પશિરાજન્ય ચાંદું); (4) ઉદ્વર્ધિત અને મોતીજડિત (raised and pearly white beaded) ધાર કે જે પ્રકારનાં ચાંદાંમાં તલસપાટીમાં કોષનાશ (necrosis) થયેલો હોય છે અને (5) અવળગડી (everted) ધાર કે જેમાં કૅન્સરજન્ય ચાંદું ધાર પરથી વિસ્તરતું હોય છે.

ચાંદાંના તળિયામાંની ખુલ્લી સપાટીને તલસપાટી (floor) કહે છે. જો તે લાલ દાણાદાર પેશીથી આચ્છાદિત હોય તો તે  રુઝાતું ચાંદું હોય છે. ધીમેથી રુઝાતા ચાંદાંમાં તે ફિક્કી અને લિસ્સી હોય છે. અપોષી ચાંદું હાડકાં સુધી ઊંડું જાય છે, જે તેની તલસપાટી બનાવે છે. કૃષ્ણકોષી કૅન્સર (malignant melanoma) હોય તો તલસપાટી કાળા રંગની હોય છે. ચાંદાંમાંથી નીકળતા પ્રવાહ(બહિ:સ્રાવ)નાં રંગ, ગંધ અને કદની નોંધ લેવામાં આવે છે. પરુ નીકળતું હોય તો તે ચેપ સૂચવે છે અને લોહીવાળું પ્રવાહી હોય તો તે ઈજા, ક્ષયરોગ કે કૅન્સર હોવાની સંભાવના દર્શાવે છે. પ્રવાહીનું સૂક્ષ્મદર્શકીય અને જીવાણુલક્ષી સંવર્ધન (culture) કરીને પણ અભ્યાસ કરાય છે. ચાંદાંની આસપાસના વિસ્તારનું નિરીક્ષણ પણ ઘણી માહિતી આપે છે. જો તે ચમકતા લાલ રંગનું અને સૂજેલું હોય તો તે શોથપ્રક્રિયા(inflammatory process)ની હાજરી સૂચવે છે. આ ઉપરાંત આખા અંગનું પણ નિરીક્ષણ કરવામાં આવે છે.

ચાંદાંને કે તેની આસપાસની જગ્યાને અડવાથી દુખાવો થાય તો તેને સ્પર્શવેદના (tenderness) કહે છે. ચેપગ્રસ્ત કે સશોથ (inflammed) ચાંદું તીવ્ર સ્પર્શવેદના ધરાવે છે, ક્ષયરોગ અને ઉપદંશમાં તે ઓછી હોય છે, સર્પશિરાજન્ય ચાંદાંમાં ક્યારેક સ્પર્શ-વેદના હોય છે; પરંતુ કૅન્સરજન્ય ચાંદું સામાન્ય રીતે સ્પર્શવેદનાનો ગુણ ધરાવતું નથી. ચાંદાંની તલસપાટીનું જેમ નિરીક્ષણ કરાય છે તેમ તેની નીચેની પેશી કે જેને ‘આધાર’ કહે છે તેને સ્પર્શ કરીને તે કઠણ છે કે પોચી તે જોઈ લેવાય છે. દૃઢવ્રણ (chancre) તથા કૅન્સરમાં તે કઠણ હોય છે. કૅન્સરના ચાંદાંને અડવાથી ક્યારેક લોહી વહે છે. આ ઉપરાંત ચાંદું આસપાસની પેશી સાથે ચોંટેલું છે કે નહિ તે પણ અડકીને તપાસી લેવામાં આવે છે.

આકૃતિ : ચાંદાંના ભાગ અને તેની ધારના પ્રકારો નોંધ : (1) કિનારી અથવા સીમાપટ્ટી (margin), (2) ધાર (edge), (3) તલસપાટી (floor) અને (4) આધાર (અ) ચાંદાંના જુદા જુદા ભાગોનું ચિત્રાત્મક નિદર્શન, (આ) અંતર્ગુપ્ત ધાર (undermined edge), (ઇ) તીક્ષ્ણછેદિત ધાર (punched cut edge), (ઈ) ઢળતી ધાર (sloping edge), (ઉ) ઉદ્વર્ધિત અને મોતીજડિત ધાર (raised and pearly white beaded edge), (ઊ) અવાઈ ગયેલી ધાર (everted edge)

નૈદાનિક શારીરિક તપાસમાં સ્થાનિક લસિકાગ્રંથિઓ-(lymphonodes)માં વેળ ઘાલેલી છે કે નહિ તે ખાસ જોઈ લેવાય છે. ચેપ કે અન્ય ઉગ્ર શોથજન્ય (acute inflammatory) ચાંદાંમાં સ્થાનિક લસિકાગ્રંથિઓ સૂજી આવે છે, સ્પર્શવેદના ધરાવે છે અને ઉગ્રલસિકાગ્રંથિશોથ(acute lymphadenitis)નાં અન્ય ચિહ્નો પણ દર્શાવે છે. કૅન્સર તથા દૃઢવ્રણમાં લસિકાગ્રંથિઓ મોટી અને પથ્થર જેવી કઠણ બને છે. આ ઉપરાંત જે ભાગમાં ચાંદું હોય ત્યાંનું રુધિરાભિસરણ અને ચેતાકીય કાર્ય (સંવેદનાઓ) કેવું છે તે પણ જોઈ લેવાય છે. વૃદ્ધાવસ્થામાં નસો જાડી અને કઠણ બને છે. તેને મેદચકતીકાઠિન્ય (arthrosclerosis) કહે છે. તેમાં તથા નસોના અન્ય રોગોમાં રુધિરાભિસરણ ઘટે છે. મધુપ્રમેહ, કુષ્ઠરોગ (leprosy), બહુચેતાશોથ (poly neuritis) તથા અન્ય ચેતાતંત્રીય રોગોમાં ચાંદાંના સ્થળની સંવેદનાઓ ઘટે છે. રુધિરાભિસરણના અને ચેતાઓના વિકારોમાં ચાંદાં પડે અથવા રુઝાતાં અટકે તેવું જોવા મળે છે.

નિદાન માટે આ ઉપરાંત સમગ્ર શરીરની તપાસ કરાય છે; કેમ કે કેટલાક રોગો બહુતંત્રીય હોય છે, જેમ કે, ક્ષયરોગ, ઉપદંશ, મધુપ્રમેહ, ફેલાયેલું કૅન્સર વગેરે. નિદાનમાં સહાયરૂપ થતી કસોટીઓમાં લોહીના કોષોની સંખ્યા, રક્તકોષ ઠારણદર (erythrocyte sedimentation rate, ESR), લોહી અને પેશાબની મધુપમ્રેહ માટેની તપાસ, ચાંદાંના બહિ:સ્રાવનું જીવાણુલક્ષીય પરીક્ષણ વગેરેનો સમાવેશ થાય છે. જરૂર પડ્યે તે કિસ્સામાં છાતી કે સાંધાનાં એક્સરે-ચિત્રણો તથા અન્ય ચિત્રણ-પ્રણાલીઓનો ઉપયોગ કરાય છે. કૅન્સરની શંકા હોય અથવા નિદાન અનિશ્ચિત રહેતું હોય તો ચાંદાંમાંથી પેશીનો ટુકડો કાપીને તેને સૂક્ષ્મદર્શક વડે તપાસવામાં આવે છે. તેને પેશીપરીક્ષણ (biopsy) કહે છે.

સારવાર : ચાંદાંની સારવારનો મુખ્ય સિદ્ધાંત છે કે તેમાં ચેપ ન લાગે તે જોવું, ચેપ લાગ્યો હોય તો તેને મટાડવો તથા તેને યોગ્ય આવરણ આપવું. જેથી કરીને તેની રુઝાવાની પ્રક્રિયામાં કોઈ વિક્ષેપ ન આવે. આ ઉપરાંત અન્ય શારીરિક રોગો, રુધિરાભિસરણ કે ચેતાતંત્રના વિકારો હોય તો તેની યોગ્ય સારવાર કરવામાં આવે છે. ઘાવ કે ચાંદાંની પાટાપિંડી માટે હાલ વિવિધ પ્રકારની પ્રવાહી દવાઓ, મલમો, આવરણ માટેનાં દ્રવ્યો વગેરે ઉપલબ્ધ છે. મોટા ચાંદાંમાં જ્યારે સામાન્ય પદ્ધતિએ રૂઝ ન આવે તો તેની કિનારી કાપીને ટાંકા લેવા કે તેની લાલ દાણાદાર પેશી પર ચામડીનો નિરોપ (skin graft) મૂકવાની શસ્ત્રક્રિયા પણ કરાય છે.

શિલીન નં. શુક્લ