વ્રણ (ulcer) (આયુર્વેદ) : જખમ-ગૂમડાંનો રોગ. આયુર્વેદમાં વ્રણ તથા વ્રણશોથ બંનેની ત્વચારોગની અંતર્ગત ગણના કરેલ છે. દેહની ત્વચા અને શ્લેષ્મકલા (membrane) કોઈ પણ કારણથી ફાટી જવાને કારણે જે જખમ, ઘા કે ગૂમડું થાય છે તેને ‘વ્રણ’ (ulcer) કહે છે. તેમાં ત્વચા નીચે ઢંકાયેલી ધાતુઓ ખુલ્લી થાય છે.

પ્રકારો : રોગપ્રાકટ્યની ષ્ટિએ વ્રણ ‘શરીરજ’ અને ‘આગંતુક’ – એમ બે પ્રકારનો થાય છે. પ્રથમ શરીરની અંદરના વાતાદિ દોષોના બગડવાથી થયેલ વ્રણ તે ‘શરીરજ’ અને શસ્ત્રાદિ (છરી-ચપ્પુ-પતરી) વાગવાથી કે હિંસક પ્રાણીનાં દાઢ કે નખ વા જીવજંતુના કરડવાથી થયેલ તે ‘આગંતુક’ કહેવાય છે. દોષદૃષ્ટિએ વ્રણ રોગના 6 પ્રકાર છે : વાતજ, પિત્તજ, કફજ, ત્રિદોષજ, રક્તજ તથા આગંતુક. સામાન્ય વ્રણનું આગળ વધેલું સ્વરૂપ તે વ્રણશોથ અને તેનું ગંભીર-ઊંડે પ્રસરેલું સ્વરૂપ તે ‘વિદ્રધિ’. વ્રણ રોગનું મૂળ ત્વચાથી થોડેક જ ઊંડે કે ત્વચાની નીચેની નાડીમાં હોય છે. આગંતુકને ‘સદ્યોવ્રણ’ પણ કહે છે. આકૃતિભેદે ‘સદ્યોવ્રણ’ છિન્ન, ભિન્ન, વિદ્ધ, ક્ષત, પિરિચ્ચિત તથા ધૃષ્ટ એવા 6 પ્રકારનો થાય છે. વ્રણના અન્ય પ્રકારોમાં નાડીવ્રણ (ભરનીંગળ : Fistula, Sinus) અને દુષ્ટ વ્રણ (Cancer), શય્યાવ્રણ, ઉપદંશ કે ફિરંગરોગજન્ય વ્રણ, ક્ષયજ વ્રણ તથા પ્રમેહ (Diabetes) પિટિકા જેવાની પણ ગણના થાય છે.

વ્રણના ઉપદ્રવો : વ્રણ રોગની સમયસર યોગ્ય દવા ન થાય તો તેમાંથી વિસર્પ (રતવા), શિરાઓ જકડાવી, મૂર્ચ્છા, ગાંડપણ, તાવ, તરસ, હડપચી જકડાવી, ખાંસી, ઊલટી, ઝાડા, હેડકી, શ્વાસ, કંપન, જાતજાતની પીડાઓ તથા અપતાનક જેવા 16 ઉપદ્રવો થાય છે.

ચિકિત્સા : સામાન્ય રીતે ઉપદ્રવરહિત શુદ્ધ વ્રણ સાદા ઉપચારથી ટૂંક સમયમાં મટે છે. વધુ વિકાર કે દોષવાળા કષ્ટસાધ્ય કે અસાધ્ય બને છે. વ્રણ ગાંઠ રૂપે કાચો હોય તો તેને પકવવા માટે ઘઉં + મીઠું + હળદર + પાણીથી બનાવેલ પોટીસ (લોપરી) અથવા કાળો મલમ (સિંદૂરાદ્ય) અથવા તલ અને લીમડાના પાનની લૂગદી મૂકી, તેને પકવાય છે કે બેસાડી દેવાય છે. વધુ પીડામાં લોહી વેરી નાખવા શેક કરાય છે. વ્રણ ખુલ્લો (જખમ) હોય તો તેને ત્રિફળા કે પંચવલ્કલના ક્વાથ કે ગરમ પાણીમાં ફટકડી કે ટંકણખાર નાંખી ધોવાય છે. પછી વ્રણશોધન માટે શોધન તેલ અથવા કાસિસાદિ તેલ કે નિમ્બ + કરંજતેલ કે પંચગુણ તેલનો પાટો બંધાય છે. તે પછી વ્રણ રૂઝવવા માટે જાત્યાદિ તેલ, મલમ કે ગંધક મલમ, કજ્જલી મલમ જેવાં ઔષધો વપરાય છે. સદ્યોવ્રણમાં રક્તસ્રાવ તરત બંધ કરવા માટે જેઠીમધનું ચૂર્ણ, લોધ્રનું ચૂર્ણ કે ત્રિફળાનું ચૂર્ણ દબાવી પાટો બંધાય છે. અગ્નિથી દાઝેલા જખમ પર કુંવારપાઠાનો તાજો રસ વારંવાર ચોપડાય છે અથવા કોપરેલ તેલમાં ચોથા ભાગે ચૂનાનું નીતર્યું પાણી શીશીમાં ભરી, ખૂબ હલાવીને બનાવેલ લોશન વારંવાર લગાડાય છે. જખમ રૂઝવવા માટે મધ + ઘી અને જેઠીમધના ચૂર્ણનું મિશ્રણ લગાવાય છે. વ્રણમાં કીડા પડ્યા હોય તો કરંજ, કડવો લીમડો અને નગોડનાં પાન વાટીને, તેની લૂગદી જખમ પર બંધાય છે. કાચો વ્રણ પોટીસ વગેરે ઉપાયોથી પાકી ગયો હોય તો તેને પણ જંતુરહિત કરેલ સ્વચ્છ બ્લેડ કે ડૉક્ટરી ચપ્પા વડે ચેકો મૂકી, તેમાંથી દૂષિત રક્ત-પરુ કાઢી નંખાય છે. તે પછી તેને શુદ્ધ કરનારી તથા તે પછી રૂઝવનારી દવાઓ મુકાય છે.

પરેજી : વ્રણ રોગમાં કાચાં ફળ, કોબી, ખાટા સિરકા કે આસવ-અરિષ્ટ, દારૂ, મીઠાઈ, મેંદા-ખાંડ-દૂધની ચીજો, તમામ ખાટી ચીજો, ઘી, ચોખા, બટાટા વગેરે ખાવાથી દૂર રહેવાનું હોય છે. મગ-ચોખા-ખીચડી જેવો સાદો ખોરાક લેવો હિતકર ગણાય છે. વધુ પડતાં મરચાં-મસાલેદાર કે ચટાકેદાર ખોરાક પણ આ દર્દમાં ત્યાજ્ય ગણેલ છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા