વ્યોમિંગ : યુ.એસ.ના પશ્ચિમ ભાગમાં રૉકીઝ પર્વત વિસ્તારમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 41°થી 45´ ઉ. અ. અને 104°થી 111° પ. રે. વચ્ચેનો 2,53,326 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મૉન્ટાના, પૂર્વમાં દક્ષિણ ડાકોટા અને નેબ્રાસ્કા, દક્ષિણે કોલોરેડો અને ઉટાહ તથા પશ્ચિમે ઉટાહ, ઇડાહો અને મૉન્ટાનાં રાજ્યો આવેલાં છે. ચેયેન્ને તેનું પાટનગર છે અને કેસ્પર તેનું મોટામાં મોટું શહેર છે. રાજ્યનું ઉપનામ ‘Equality state’ છે.
ભૂપૃષ્ઠ : રૉકીઝ પર્વતમાળા આ રાજ્યને વીંધીને પસાર થાય છે. અહીંની વિંડ રિવર હારમાળામાં 4,207 મી. ઊંચાઈ ધરાવતું ગૅન્નેટ શિખર રાજ્યનું ઊંચામાં ઊંચું સ્થળ છે. અહીંના પર્વતોમાંથી મિસોરી, કોલોરેડો અને કોલંબિયા નદીઓ નીકળે છે. આ નદીઓની હારમાળાઓની વચ્ચે આંતરપર્વતીય થાળાં આવેલાં છે. ઈશાન કોણમાં બ્લૅક હિલ્સ છે, જ્યારે પૂર્વ તરફનો ભાગ ગ્રેટ પ્લેન્સથી આવરી લેવાયેલો છે.
અર્થતંત્ર : રાજ્યની આવકનો મુખ્ય સ્રોત અહીંનો ખાણઉદ્યોગ છે. રાજ્યના ઘણા ભાગોમાંથી ખનિજતેલ, કુદરતી વાયુ અને કોલસો મળે છે. આ ઉપરાંત અહીંથી યુરેનિયમ મળે છે. ઘેટાંઉછેર થાય છે અને માંસ મેળવાય છે. સરકારી કાર્યાલયો અને વેપારમાં રાજ્યના ઘણા લોકો રોકાયેલા છે. લશ્કરી મથકોની કામગીરી ચાલુ રાખતું ઑપરેટિંગ મિલિટરી એસ્ટાબ્લિશમૅન્ટ અહીં સ્થપાયેલું છે. રૉકીઝ પર્વતોમાંનાં કુદરતી દૃશ્યો તથા નૅશનલ પાર્ક જોવા આવનારા પ્રવાસીઓની સંખ્યા વધુ રહેતી હોવાથી પ્રવાસન-ઉદ્યોગ પણ વિકસ્યો છે. આ ઉપરાંત અહીંના ઢોરવાડા પણ અગત્યની પ્રવૃત્તિ છે.
રાજ્યનાં જોવાલાયક સ્થળોમાં રૉકીઝ પર્વતો, 1872માં નિર્માણ પામેલો યુ.એસ.નો સર્વપ્રથમ પાર્ક ‘યેલોસ્ટોન નૅશનલ પાર્ક’ (ગરમ પાણીના ફુવારા સહિત અને પંકશંકુઓ-mudpots), ગ્રાન્ડ ટેન્ટન નૅશનલ પાર્ક, બિગહૉર્ન પર્વતો, ગૅન્નેટ શિખર, ફ્લેમિંગ નૅશનલ પાર્ક, ડેવિલ્સ ટાવર નૅશનલ પાર્ક, ચેયેન્નેનું સ્ટેટ કેપિટૉલ (1886), કોડી ખાતે બફેલો બિલ હિસ્ટૉરિકલ સેન્ટર, વ્યોમિંગ ટેરિટોરિયલ પ્રિઝન પાર્ક (લારામી) તથા વ્યોમિંગ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.
વસ્તી : રાજ્યની કુલ વસ્તી આશરે 4,93,782 (2000) જેટલી છે. રાજ્યમાં ઊર્જાસ્રોતો મળતા હોવા છતાં વસ્તી છૂટક છૂટક જોવા મળે છે. ચેયેન્ને, કેસ્પર અને લારામી અહીંનાં મુખ્ય શહેરો છે. બફેલો બિલ અને જૅક્સન પોલોકો અહીં થઈ ગયેલી જાણીતી વ્યક્તિઓ છે.
ઇતિહાસ : આજે જ્યાં વ્યોમિંગનો વિસ્તાર આવેલો છે ત્યાં 11,000 વર્ષ પહેલાં અમેરિકન ઇન્ડિયનો વસતા હતા. અઢારમી સદીમાં ફ્રેન્ચ લોકો આવ્યા. 1803માં યુ.એસ.એ ફ્રાન્સ પાસેથી આ વિસ્તાર મેળવી લીધો. 1812માં રુવાંટીનો વેપાર કરનારાઓ પર્વત વટાવીને દક્ષિણના ઘાટમાંથી પસાર થયેલા. 1834માં વ્યોમિંગનું સર્વપ્રથમ વેપારીનાકું ફૉર્ટ વિલિયમ (હવે ફૉર્ટ લારામી) સ્થપાયેલું. 1869માં સ્ત્રીઓને મતાધિકાર મળ્યો. અહીંનો જગપ્રખ્યાત યેલોસ્ટોન નૅશનલ પાર્ક 1872માં તૈયાર થયો. અહીં ડલાસ ક્ષેત્રમાં પ્રથમ તેલકૂવો 1883માં ખોદાયો. 1950ના અરસામાં આ રાજ્યમાંથી યુરેનિયમ-નિક્ષેપો મળી આવ્યા. 1960માં રાજ્યના પાટનગર નજીક સર્વપ્રથમ યુ.એસ. ઑપરેશનલ ઇન્ટરકૉન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ મથક નંખાયું. 1980-90ના ગાળામાં કોલસા અને યુરેનિયમની માંગ ઘટી તેથી રાજ્યના અર્થતંત્રને અસર પહોંચી હતી.
ગિરીશભાઈ પંડ્યા