વ્યેન્ટ્યાન (Vientiane) : લાઓસનું પાટનગર અને મોટામાં મોટું શહેર. તેનું બીજું નામ વિયેનચૅન (Viangchan) છે. ભૌગોલિક સ્થાન : 17° 58´ ઉ. અ. અને 102° 36´ પૂ. રે.. તે લાઓસ અને થાઇલૅન્ડ વચ્ચેની સરહદ નજીક મેકોંગ નદી પર આવેલું છે. આ શહેર મહત્વનું વ્યાપારી મથક છે, તે હવાઈ મથક પણ છે. અહીંની ફેરીસેવા રેલવે સાથે સંકળાયેલી છે. રેલસેવા દક્ષિણ તરફ નોંગ ખાઈ(થાઇલૅન્ડ)થી બૅંગકૉક (થાઇલૅન્ડ) સુધી ચાલે છે. મેકોંગ નદી દ્વારા થતો જળવ્યવહાર પણ આ શહેરને નદી પરનાં અન્ય શહેરો સાથે જોડેલું રાખે છે.

ચૌદમી સદીમાં વ્યેન્ટ્યાન લૅન ઝેન્ગના સામ્રાજ્યનો એક ભાગ હતું. અઢારમી સદી દરમિયાન, તે એક સ્વતંત્ર સામ્રાજ્ય પણ બનેલું. થાઇલૅન્ડ ઓગણીસમી સદીની શરૂઆતમાં વ્યેન્ટ્યાન સાથે જોડાયેલું હતું. ફ્રેન્ચોએ 1893માં તેને લાઓસનો ભાગ બનાવ્યું અને 1954 સુધી ફ્રેન્ચ-ઇન્ડોચીનના એક ભાગ તરીકે તેના પર શાસન કરેલું. 1954માં લાઓસ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું છે. 1999 મુજબ વ્યેન્ટ્યાનની વસ્તી 6,40,000 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા