વ્યૂહાત્મક હવાઈ હકૂમત (Strategic Air Command) : પરમાણુ-યુદ્ધ ફાટી ન નીકળે તેની તકેદારી રાખવા માટે રચવામાં આવેલ ખાસ હકૂમત. તે SACના ટૂંકાક્ષરી નામથી ઓળખાય છે અને તેની રચના 1946માં અમેરિકાના હવાઈ દળ હસ્તક કરવામાં આવી છે. 1947માં નવેસરથી રચવામાં આવેલા અમેરિકાના હવાઈદળમાં આ હકૂમત ભેળવી દેવામાં આવી હતી. તેમાં કુલ 1,18,000 સૈનિકોનું દળ રોકવામાં આવેલું, અલગ અલગ ટુકડીઓમાં વહેંચવામાં આવેલું છે. દા.ત., અમેરિકાના હવાઈ દળની 8th અને 15th ટુકડીઓ પ્રશાંત મહાસાગરમાંના ગુઆમ ટાપુ પર ફરજ બજાવતી 3rd ઍર ડિવિઝન, યુરોપમાં ફરજ બજાવતી 7th ડિવિઝન અને 1st વ્યૂહાત્મક ઍરોસ્પેસ ડિવિઝનને હસ્તક હોય છે. અમેરિકામાં ટાઇટન અને માઇન્યૂટમન પ્રક્ષેપણાસ્ત્રો તથા બી-52 અને FB-111 બૉમ્બરો મૂકવામાં આવ્યાં છે, તેમને રણગાડીની ટુકડી દ્વારા મદદ મળતી હોય છે. MX મોબાઇલ પ્રક્ષેપાસ્ત્રો જે 1980ના દાયકા સુધી તૈયાર થઈ જવાનાં હતાં તે પણ આ હકૂમત હેઠળ મૂકવામાં આવવાનાં હતાં.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે