વ્યૂહાત્મક ખનિજો (strategic minerals) : રાષ્ટ્રની સલામતી કે જરૂરિયાત માટે મહત્વનાં ગણાતાં પોતાના જ દેશમાંથી મળી રહેતાં અથવા અન્ય દેશ કે દેશોમાંથી સંપૂર્ણપણે કે જરૂરિયાત મુજબ થોડાં થોડાં વખતોવખત મેળવાતાં ખનિજો. યુદ્ધ અને શસ્ત્રો માટે અમુક ખનિજો ઘણો મહત્વનો ભાગ ભજવે છે. આવા સંજોગોમાં તે ખનિજો તાતી જરૂરિયાત બની રહેતાં હોય છે. વીસમી સદીમાં થયેલાં બંને વિશ્વયુદ્ધોએ એ પુરવાર કરી આપ્યું છે કે ભૂમિસૈન્ય, નૌકાસૈન્ય અને હવાઈ સૈન્ય તેમની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેટલી હદ સુધી ખનિજો કે ખનિજ-પેદાશો પર આધારિત રહેતાં હોય છે ! એ જ રીતે સંપૂર્ણપણે યાંત્રિકીકરણ અને તક્નીકીકરણ પામેલા આજના વિકસિત, આધુનિક ઉદ્યોગો/એકમો પણ ખનિજો કે ખનિજ-પેદાશો પર આધાર રાખે છે. સૈન્ય અને ઔદ્યોગિક એકમોને ચાલુ સ્થિતિમાં રાખવા માટે તેમને જરૂરી ખનિજ-પુરવઠો માંગ મુજબ સતત પૂરતા પ્રમાણમાં મળતો રહેવો જોઈએ. આ ઉપરથી એક એવું પણ અર્થઘટન કરી શકાય કે કોઈ એક દેશ પાસે અમુક ખનિજોનો જથ્થો વધુ પડતી માત્રામાં રહેલો હોય જ્યારે બીજા કોઈ દેશ પાસે તે ખનિજની અછત કે અભાવ હોય તેમજ તે સરળ રીતે ઉપલબ્ધ થઈ શકે તેમ ન હોય ત્યારે તે બાબત યુદ્ધને નિમંત્રી શકે છે; સરળ રીતે ઉપલબ્ધ હોય તો તે બાબત શાંતિ જાળવી રાખી શકે છે. આ જ રીતે યુદ્ધમાં સામેલ કોઈ પણ દેશને, જો સંઘર્ષને લાંબો ચલાવવો હોય તો તેની પાસે વ્યૂહાત્મક ખનિજ-પુરવઠો પૂરતી માત્રામાં હોવો જોઈએ અથવા અન્ય મિત્રદેશ પાસેથી મળતો રહેવો જોઈએ. જો તે ખૂટી જાય કે પૂરો પડાતો પુરવઠો કોઈ કારણસર અટકી જાય કે અટકાવી દેવાય તો તેને હાર સ્વીકારવી પડે છે; કારણ કે ખનિજો વનસ્પતિની જેમ ઉગાડી શકાતાં નથી. આ રીતે જોતાં, યુદ્ધવિષયક ખનિજો યુદ્ધને નિમંત્રી શકે છે, નિયંત્રણમાં રાખી શકે અને શાંતિ પણ સ્થાપી શકે છે.

આવશ્યક-અતિઆવશ્યક ખનિજો કે જેનો જથ્થો દેશની પોતાની ભૂમિમાં પૂરતા પ્રમાણમાં ન હોય અથવા માંગ મુજબ તેનો પુરવઠો ઉપલબ્ધ ન થતો હોય એવાં ખનિજોને વ્યૂહાત્મક ખનિજો કહે છે; તેમ છતાં એક દેશ જે ખનિજોને વ્યૂહાત્મક ગણતું હોય તે બીજા કોઈ દેશ માટે વ્યૂહાત્મક ન પણ હોય. જોકે દરેક દેશ કેટલાંક વ્યૂહાત્મક ખનિજો અમુક પ્રમાણમાં તો ધરાવતો હોય છે, તેમ છતાં દેશ પૂરતું ખનિજ-સ્વાવલંબન હોવું એ અશક્ય છે, પરંતુ કેટલાક દેશો એવા પણ હોય છે જે આવશ્યક અને વ્યૂહાત્મક ખનિજોના જથ્થા બધા દેશોને પૂરા પાડી શકે; જેમ કે, ભારતના અબરખજથ્થા, મધ્યપૂર્વના ખનિજ-તેલ જથ્થા અને આફ્રિકા-ઑસ્ટ્રેલિયાના હીરાના જથ્થા. કોઈ પણ દેશને ટકી રહેવા માટે વ્યૂહાત્મક ખનિજો વિના ચાલી શકતું નથી. આનો અર્થ એમ પણ કરી શકાય કે વિકસિત ઔદ્યોગિક દેશોને પોતાનો ઔદ્યોગિક દેશ હોવાનો દરજ્જો જાળવી રાખવો હોય તો તેમનો વિદેશો સાથેનો સામાન્ય સંજોગો હેઠળ થતો રહેતો નિકાસી વેપાર એવો હોવો જોઈએ કે તે સતત ચાલતો રહે. પરંતુ જો દેશ-દેશ વચ્ચેનાં રાજકીય વલણોમાં બદલાવ આવી જાય, રાજકીય અવરોધો મુકાય, નિકાસ-આયાત પર પ્રતિબંધ મુકાય, તો તેમાંથી દુન્યવી શાંતિ જોખમાય. વીસમી સદીના મધ્યકાળ દરમિયાન ઇજિપ્તે સુએઝ જળમાર્ગ પર મૂકેલો પ્રતિબંધ અને છેલ્લા દાયકામાં ઇરાક-યુ.એસ. વચ્ચે થયેલો સંઘર્ષ આ બાબતની સાક્ષી પૂરે છે.

કોઈ પણ દેશ પાસે તેના આધુનિક ઉદ્યોગોને ચલાવવા માટે જરૂરી બધાં ખનિજો હોતાં નથી, તેથી તે દેશને જરૂરી જે તે ખનિજો અન્ય દેશો પાસેથી ખરીદવાં પડે છે. ખનિજની તૂટવાળા દેશને જે તે ખનિજ માટે આધાર રાખવો પડે છે. આ સંદર્ભમાં જોતાં દેશ-દેશ વચ્ચે મોટા પાયા પર ખનિજ હેરફેર થતી રહે છે, તેમાંથી વિકસિત ખાણકંપનીઓ તેમનો આંતરરાષ્ટ્રીય વેપાર વિસ્તારે છે, મોટાં રોકાણો કરીને પરદેશોમાં પોતાનાં મથકો સ્થાપે છે, પ્રભુત્વ જમાવે છે. આથી દેશ-દેશ વચ્ચે આંતરસંબંધો વધે છે, રાજકીય જોડાણો થાય છે અથવા રાજકીય રીતે રક્ષિત બની રહેવું પડે છે, વિદેશી વર્ચસ્ સ્વીકારવું પડે છે, અન્યથા તેમાંથી સંઘર્ષો પણ થતા હોય છે. શાંતિના સમયમાં ખનિજોની આંતરરાષ્ટ્રીય નિકાસની સામે, તે દેશને બીજો માલ ખરીદવા માટે હૂંડિયામણ મળી રહે છે. જેમ કે, કૅનેડાની સુવર્ણ-નિકલ ખનિજોની નિકાસમાંથી મળતી રકમ તેને બીજો માલસામાન ખરીદવામાં ઉપયોગી થઈ પડે છે.

આજના આધુનિક ગણાતા ઉદ્યોગો માટે કે સંપૂર્ણપણે યાંત્રિકીકરણ પામેલાં યુદ્ધોના શસ્ત્ર-સરંજામ માટે આવશ્યક ગણાતાં વ્યૂહાત્મક ખનિજોમાં ખનિજતેલ, કુદરતી વાયુ, લોહ, બિનલોહ ધાતુઓ, લોહ-મિશ્ર ધાતુઓ, પારો, ઍન્ટિમની, પ્લૅટિનમ, ગંધક, ઍૅસ્બેટૉસ, ગ્રૅફાઇટ, મૅગ્નેસાઇટ, અબરખ, ક્વાર્ટ્ઝ, બેરીલ, ફ્લૉરાઇટ, ટેન્ટેલાઇટ, યુરેનિયમ  અન્ય કિરણોત્સારી ખનિજો, ઔદ્યોગિક હીરા વગેરેનો સમાવેશ કરી શકાય. આવાં એક કે વધુ ખનિજોની હેરફેર ખુલ્લા જળમાર્ગે જરૂરી જથ્થાઓમાં કોઈ પણ જાતના અવરોધ વિના થતી રહે એ જરૂરી છે. ખનિજો આજના આધુનિક ઉદ્યોગોના પાયારૂપ હોવાથી, કેટલાક દેશોમાં વરતાતી તેમની ઊણપ પૂરી થાય, તે દુનિયામાં શાંતિ જળવાઈ રહેવા માટેનું ઘણું જ મહત્વનું પરિબળ છે.

ગિરીશભાઈ પંડ્યા