વ્યૂહરચના અને યુદ્ધસંચાલન (strategy and tactics)
January, 2006
વ્યૂહરચના અને યુદ્ધસંચાલન (strategy and tactics) : શત્રુને સંપૂર્ણપણે પરાસ્ત કરી યુદ્ધમાં નિર્ણાયક વિજય હાંસલ કરવા માટે અમલમાં મુકાતા યુદ્ધની રૂપરેખા અને તેનો યુદ્ધના મેદાન પર કરાતો વાસ્તવિક અમલ. યુદ્ધની રૂપરેખાને વ્યૂહરચના (strategy) તથા તે રૂપરેખાના યુદ્ધ દરમિયાન થતા આચરણાત્મક વ્યવહારને યુદ્ધસંચાલન અથવા રણનીતિ (tactics) કહેવામાં આવે છે. આ બંને ખ્યાલો પરસ્પર એટલા બધાં સંકળાયેલાં છે કે તેમની વચ્ચે સ્પષ્ટ ભેદરેખા દોરવી કઠિન છે અને તેમ છતાં પ્રાચીન કાળથી અત્યાર સુધી તે બંનેને જુદી રીતે સ્વીકારવા ને મૂલવવામાં આવ્યા છે. બહોળા અર્થમાં વિચારીએ તો યુદ્ધની સ્થિતિમાં દેશની રાજકીય અને લશ્કરી અગ્રિમતાઓ હાંસલ કરવા માટે ઘડવામાં આવતી સર્વગ્રાહી નીતિને વ્યૂહરચના કહી શકાય; જ્યારે તેના વાસ્તવિક યુદ્ધભૂમિ પર થતા અમલ માટે સૈનિકો તથા શસ્ત્રાસ્ત્રોના અસરકારક ઉપયોગ માટે સેનાપતિઓ દ્વારા જે પગલાંઓ લેવામાં આવે છે તેને યુદ્ધસંચાલન અથવા રણનીતિ કહી શકાય. આમ વ્યૂહરચના એટલે યુદ્ધના સંદર્ભમાં દેશની રાજકીય અને લશ્કરી અગ્રિમતાઓ નિર્ધારિત કરવાની પ્રક્રિયા, તો સૈનિકો અને શસ્ત્રોના અસરકારક ઉપયોગ અંગેના યુદ્ધભૂમિ પરના નિર્ણયોને રણનીતિ કહેવાય. વ્યૂહરચનામાં યુદ્ધના સંચાલન માટેના સર્વસામાન્ય આયોજન પર, તેના જુદા જુદા ઘટકો વચ્ચેના સમન્વય પર તથા યુદ્ધના અંતિમ લક્ષ્યની સિદ્ધતા માટેનાં જરૂરી સાધનોના પૂરતા અને સમયસરના પુરવઠાની ગોઠવણ કરવા પર ભાર મૂકવામાં આવતો હોય છે; જ્યારે યુદ્ધસંચાલન કે રણનીતિમાં શત્રુને પરાસ્ત કરવા માટે દેશ દ્વારા ઉપલબ્ધ થયેલા મનુષ્યબળ તથા ભૌતિક સાધનોના અસરકારક ઉપયોગ પર ભાર મૂકવામાં આવતો હોય છે. વ્યૂહરચના એ યુદ્ધની સર્વસામાન્ય અને સર્વગ્રાહી યોજના હોય છે, જેના દ્વારા યુદ્ધમાં વિજય હાંસલ કરવા માટેની વ્યાપક ભૂમિકા તૈયાર કરવામાં આવતી હોય છે; જ્યારે રણનીતિમાં બંને પક્ષોનું તુલનાત્મક સૈન્યબળ, લડાઈના મેદાનની ભૌગોલિક ખૂબીઓ, શત્રુના ઇરાદા અને યોજનાઓ અંગે ગુપ્તચરો મારફત પ્રાપ્ત થયેલ માહિતી, પુરવઠાની હરોળ (supplies) પ્રાપ્ત થવાની શક્યતાઓ, ઉપલબ્ધ શસ્ત્રાસ્ત્રોની સંહારક શક્તિ, બંને પક્ષોના સૈનિકોનું તુલનાત્મક મનોબળ, સ્થિતિ- પરિવર્તનની શક્યતાઓ, બંને પક્ષોની તુલનાત્મક યુદ્ધાભ્યાસક્ષમતા, બંને દેશોની પ્રજાનું તુલનાત્મક મનોધૈર્ય જેવી અનેક બાબતોનો સમાવેશ થતો હોય છે. બ્રિટિશ સેનાપતિ મેજર જનરલ (સર) ફ્રેડરિક મૉરિસના મતે યુદ્ધની સ્થિતિમાં રાષ્ટ્રનું અંતિમ ધ્યેય હાંસલ કરવા સારુ, એટલે કે યુદ્ધમાં શત્રુને સંપૂર્ણપણે નષ્ટ કરી નિર્ણાયક વિજય મેળવવા માટે જે નીતિ અખત્યાર કરવામાં આવે છે તે વ્યૂહરચના, જ્યારે તે ધ્યેય હાંસલ કરવા માટે સેનાપતિઓ દ્વારા યુદ્ધના મેદાન પર દરેક ક્ષણે જે દાવપેચ લડાવવામાં આવે છે તે રણનીતિ. વ્યૂહરચના સમગ્ર યુદ્ધના આયોજન સાથે સંબંધ ધરાવે છે જ્યારે રણનીતિ કે યુદ્ધસંચાલન એ જુદી જુદી દરેક લડાઈ સાથે સંબંધ ધરાવે છે. યુદ્ધમાં વિજય મેળવવા માટે જુદી જુદી દરેક લડાઈમાં વિજય હાંસલ કરવો અનિવાર્ય હોય છે અને આ બાબત વ્યૂહરચના અને રણનીતિ વચ્ચેના ઘનિષ્ઠ સંબંધ પર પ્રકાશ પાડે છે. વ્યૂહરચના અને રણનીતિ એકબીજી સાથે એવી રીતે ગૂંથાયેલી હોય છે કે આધુનિક જમાનામાં રણનીતિને ‘operational strategy’ નામથી ઓળખવામાં આવે છે.
વ્યૂહરચના અને રણનીતિ આ બંને યુદ્ધનું સ્વરૂપ, તેનો વ્યાપ, તે માટે ઉપલબ્ધ થઈ શકે તેવાં સાધનોનું સ્વરૂપ, લાંબા સમય સુધી યુદ્ધ ચાલુ રહે તો તેને પહોંચી વળવા માટે રાષ્ટ્ર પાસેનાં માનવ તથા ભૌતિક સાધનોની ઉપલબ્ધતા, યુદ્ધનું વાજબીપણું, યુદ્ધના ટૂંકા અને લાંબા ગાળાના ધ્યેયો, રાજકીય અને લશ્કરી નેતૃત્વનું સ્વરૂપ અને ગુણવત્તા, દેશના અર્થતંત્રની પ્રૌદ્યોગિકીય યોગ્યતા અને ક્ષમતા વગેરે અનેક બાબતો પર આધાર રાખે છે. પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)માં રસાયણવિદ્યાએ મહત્વનો ભાગ ભજવેલો, બીજા વિશ્વયુદ્ધ(1939-45)માં ભૌતિકશાસ્ત્રે મહત્વનો ભાગ ભજવેલો; જ્યારે હવે પછીના વૈશ્ર્વિક યુદ્ધમાં જીવશાસ્ત્ર મહત્વનો ભાગ ભજવશે એવી સંભાવના છે. હવેના જમાનામાં અણુશસ્ત્રોના આવિષ્કારને કારણે વર્તમાન યુદ્ધોના સ્વરૂપમાં પાયાના ફેરફાર થયા છે. તેનું મુખ્ય કારણ આધુનિક શસ્ત્રોની અગણિત સંહારશક્તિ છે. બીજા વિશ્વયુદ્ધ(1939-45)માં પાંચ કરોડ જેટલો માનવસંહાર થયો હતો એવી ગણતરી છે, જોકે ઉપર્યુક્ત યુદ્ધના માત્ર છેલ્લા તબક્કામાં જ અણુશસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો; પરંતુ હવે પછી વૈશ્ર્વિક યુદ્ધ ટાળવાની વ્યૂહરચના ઘડવી પડશે, જેથી આ પૃથ્વી પર પ્રાણી તથા વનસ્પતિ-જીવન ટકાવી શકાય.
વિશ્વમાં અત્યાર સુધી થઈ ગયેલાં યુદ્ધોનું સાપેક્ષ અવલોકન કરીએ તો તેમાં વ્યૂહરચના તથા રણનીતિના ઘડતર તથા અમલમાં જે કેટલાંક નામો ઉલ્લેખનીય છે તેમાં મહાન સાયરસ (ઈ. પૂ. 599-530) સૌથી પહેલો યશસ્વી વ્યૂહરચનાકાર હતો તેના પુરાવા સાંપડે છે. ત્યારબાદ ફિલિપ બીજા(ઈ. પૂ. 382-336)નું તથા મહાન સિકંદર(ઈ. પૂ. 356-323)નું નામ મૂકી શકાય. સિકંદરના યુદ્ધકૌશલ્યને કારણે જ સાયરસે પ્રસ્થાપિત કરેલ પર્શિયન સામ્રાજ્યનો વિનાશ થયેલો. ત્યારબાદ કુશળ રણનીતિ ઘડનારાઓમાં રોમન લશ્કરને પરાસ્ત કરનાર કાર્થેજના હાનિબાલ(ઈ. પૂ. 247-183)નું નામ નોંધપાત્ર છે. ફિલિપ્સે પાયદળ, હયદળ તથા તોપખાનું આ ત્રણેય પાંખને ઉત્કૃષ્ટ તાલીમ આપી તે ત્રણેયનો યુદ્ધમાં સંકલિત ઉપયોગ કરવાની વ્યૂહરચના ઘડી કાઢેલી, તો તેના પુત્ર સિકંદરે યુદ્ધના પૂર્વઆયોજન, પુરવઠાહરોળ અખંડિત રહે તે માટેની સુવ્યવસ્થિત ગોઠવણ, પોતાના લશ્કરની સુરક્ષા, શત્રુનો સતત પીછો કરવો તથા તેના પર એકાએક તૂટી પડવાની વ્યૂહરચના તથા રણનીતિ ઘડી કાઢી હતી. હાનિબાલે પોતાની રણનીતિમાં લશ્કરના જુદા જુદા ઘટકો વચ્ચે એકતા અને સંકલિતતા તથા ઉચ્ચક્ષમતા ધરાવતા અશ્વદળ પર ભાર મૂકેલો. રોમન સેનાપતિઓએ યુદ્ધના સમય પૂરતી જ નાગરિકોના બનેલા અનિયમિત સૈનિકોની ભરતીની અગાઉની વ્યવસ્થાને બદલે વ્યાવસાયિક ધોરણે કાયમી લશ્કર ઊભું કરવાની વ્યૂહરચના દાખલ કરી અને આવા સૈનિકોને યુદ્ધ ખેલવાની તાલીમ આપવા પર, કિલ્લેબંધીના કૌશલ્ય પર, રસ્તાઓનું બાંધકામ તથા રખરખાવ પર તથા ઘેરા ઘાલીને શત્રુને પજવવા પર ભાર મૂક્યો હતો. બાયઝન્ટાઇન શાસકોએ રોમન શાસકો પાસેથી વ્યૂહરચના અને રણનીતિના બોધપાઠ લીધા હતા અને યુદ્ધમાં તેમનો અસરકારક તથા યશસ્વી અમલ પણ કર્યો હતો.
આજથી બે હજાર વર્ષ પહેલાં ચીની તત્વચિંતક સન ઝુ (Sun Tzu)એ તેના પુસ્તક ‘આર્ટ ઑવ્ વૉર’માં લશ્કરની વ્યૂહરચનાનાં ચાર મુખ્ય સૂત્રોનો ઉલ્લેખ કર્યો છે : (1) શત્રુ આપણા પર આક્રમણ કરવા માટે આગળ વધતો હોય ત્યારે આપણે વ્યૂહાત્મક પીછેહઠ કરવી જોઈએ. (2) જ્યારે શત્રુ કે સૈનિકો થંભી ગયા હોય ત્યારે આપણે તેને પજવવી જોઈએ. (3) જ્યારે શત્રુ યુદ્ધ ટાળવા માગતો હોય ત્યારે આપણે તેના પર આક્રમણ કરવું જોઈએ. (4) જ્યારે શત્રુ પીછેહઠ કરતો હોય ત્યારે આપણે તેનો પીછો કરવો જોઈએ.
મધ્યયુગમાં વ્યૂહરચના તથા રણનીતિમાં સામાન્ય ફેરફાર થયા હતા તેમ છતાં તેમાં સંરક્ષણાત્મક કિલ્લેબંધી, શત્રુને ઘેરો ઘાલવા માટેના કૌશલ્ય પર તથા બખ્તરબંધ અશ્વદળ પર ભાર મુકાયો હતો. ચેકોસ્લાવૅક્યિાના હુસાઇટ્સના નેતા જ્હૉન ઝિઞ્કાએ પંદરમી સદીમાં યુદ્ધની સર્વસામાન્ય નીતિ તરીકે વ્યૂહરચના અને રણનીતિને ફરીથી ચેતનવંતી કરી હતી. યુદ્ધમાં અશ્વદળ, પાયદળ તથા તોપખાનાનો સંયુક્ત રીતે અસરકારક ઉપયોગ કરવાની રણનીતિ દાખલ કરનાર તે પ્રથમ સેનાપતિ હતો. તેની એવી દૃઢ માન્યતા હતી કે બખતરીયા સાધનો કરતાં સેનાની ચપળ હિલચાલ રણનીતિ તરીકે વધારે અસરકારક સાબિત થઈ શકે છે. બંદૂકના દારૂના આવિષ્કાર સાથે યુદ્ધકૌશલ્યમાં પાયાનો ફેરફાર થયો અને તેને અનુરૂપ વ્યૂહરચના તથા રણનીતિમાં જરૂરી ફેરફાર થયો. સ્વીડનનો રાજા ઍડૉલ્ફ ગુસ્તાવ બીજો (1611-1632) આધુનિક રણનીતિનો જનક ગણાય છે, કારણ કે તેણે જ યુદ્ધનીતિમાં દાવપેચના કૌશલ્ય(manoeuvre)નું મહત્વ પુન:પ્રસ્થાપિત કર્યું હતું. તેણે કાયમી લશ્કરની રચના કરી હતી, જેને જુદી જુદી ટુકડીઓમાં વહેંચવામાં આવી હતી, જેથી તે દરેક ટુકડી રણમેદાન પર ચપળતાથી હિલચાલ કરી શકે. પ્રશિયાના શાસક મહાન ફ્રેડરિક બીજા(1740-86)એ પણ દાવપેચની રણનીતિનો વિસ્તૃત અમલ કર્યો હતો. નેપોલિયન બોનાપાર્ટ (1769-1821) પણ એક કુશળ વ્યૂહરચનાકાર તથા રણનીતિજ્ઞ હતો. તેના જમાનાથી જ આધુનિક યુદ્ધકૌશલ્યનો પ્રારંભ થયો હતો. ત્યારબાદ આ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનારાઓમાં પ્રશિયાનો સેનાપતિ કાર્લ વૉન ક્લૉઝ્ડવિટઝ્ડ (1780-31) ઉલ્લેખનીય છે, જેણે રાષ્ટ્રીય નીતિ અને યુદ્ધનીતિ વચ્ચેના પરસ્પર સંબંધ પર પ્રકાશ પાડ્યો હતો તથા લશ્કરનાં સાધનોના કરકસરયુક્ત ઉપયોગ અને શત્રુના સંપૂર્ણ નાશની વ્યૂહરચના પર ભાર મૂક્યો હતો. લગભગ તે જ અરસામાં ફ્રેન્ચ સેનાપતિ ઍન્ટની જોમિની(1779-1869)એ શત્રુના ભૌગોલિક વિસ્તાર પર અતિક્રમણ અને કાબૂ તથા યોજનાબદ્ધ સંચાલન પર વિશેષ ભાર મૂક્યો હતો. ઓગણીસમી સદીમાં પાયાના તકનીકી ફેરફારો થયા, જેના અનુસંધાનમાં યુદ્ધ અંગેની વ્યૂહરચના તથા રણનીતિમાં પણ જરૂરી ફેરફારો દાખલ કરવા પડ્યા હતા. આ સદીના અંતમાં મશીનગનના આવિષ્કારને કારણે પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)ની રણનીતિમાં મહત્વનો બદલાવ આવ્યો હતો.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લૅન્ડના પંતપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ તથા સોવિયત સંઘના સર્વેસર્વા માર્શલ જૉસેફ સ્ટૅલિને ઘડી કાઢેલ વ્યૂહરચનાને કારણે જ ઍડૉલ્ફ હિટલરના નેતૃત્વ હેઠળની જર્મન સેનાને પરાજય સાંપડ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રણનીતિની બાબતમાં જર્મન સેનાપતિઓ હૅન્ઝ્ડ ગુડેરિયન તથા ઇર્વિન રોમેલ અને મિત્રરાષ્ટ્રોની સેનાને લશ્કરી નેતૃત્વ પૂરું પાડનાર બ્રિટિશ સેનાપતિ મૉન્ટગોમરી તથા અમેરિકન સેનાપતિ ડ્વાઇટ ડી. આઇઝેનહૉવરની રણનીતિ અંગેની ભૂમિકા નોંધપાત્ર રહેલી. માર્શલ રોમેલે લશ્કરી ટુકડીઓ દ્વારા શત્રુપક્ષના સેનાદળોને ‘પિન્સર મૂવમૅન્ટ’ (pincer movement) દ્વારા ઘેરો ઘાલીને પરાસ્ત કરવાની રણનીતિ અખત્યાર કરી હતી, જ્યારે મૉન્ટગોમરી તથા આઇઝેનહૉવરે જર્મન સેનાને એકસાથે અનેક યુદ્ધભૂમિઓ પર યુદ્ધ ખેલવા લલચાવવાની રણનીતિ અખત્યાર કરી હતી, જેને જર્મન સેનાપતિઓ પહોંચી વળી શક્યા નહિ અને તેમને યુદ્ધમાં કારમો પરાજય વહોરવો પડ્યો હતો.
આઝાદ ભારતના ઇતિહાસમાં અત્યારસુધી (1947-2002) થઈ ગયેલા પડોશી દેશો ચીન અને પાકિસ્તાન સાથેના 1962, 1965, 1971 અને 2002નાં ચાર યુદ્ધોમાં 1962ના ચીન સાથેના યુદ્ધમાં ભારતની રાજકીય વ્યૂહરચના ‘હિંદી-ચીન ભાઈ ભાઈ’ અને લશ્કરી વ્યૂહરચના ‘ઉત્તરમાં હિમાલય દેશનું રક્ષણ કરશે’ તદ્દન નિષ્ફળ નીવડી હતી અને જો સાત દિવસ પછી ચીને એકતરફી યુદ્ધવિરામ સાથે પોતાનાં દળો પાછાં ખેંચી લીધાં ન હોત તો રણમેદાન પર કદાચ ભારતને કારમો પરાજય સહન કરવો પડ્યો હોત. અલબત્ત, તેનાથી બોધપાઠ લઈને ભારતે ત્યારબાદ તેની રાજકીય વ્યૂહચનામાં જે ફેરફારો કર્યા તેનો લાભ દેશને ત્યારપછીનાં ત્રણ યુદ્ધોમાં મળ્યો હતો. પાકિસ્તાન સાથેના 1965ના યુદ્ધમાં પંજાબના શકરગઢ વિસ્તારમાં બ્રિગેડિયર (પાછળથી જનરલના હોદ્દા સાથે ભારતીય લશ્કરના વડા બનેલા) એ. એસ. વૈદ્યની રણનીતિએ પાકિસ્તાની લશ્કરના અમેરિકન બનાવટની લગભગ એંશી જેટલી પેટન ટૅન્કોનો એક ઝટકામાં સફાયો બોલાવ્યો હતો અને તેને કારણે પાકિસ્તાન લશ્કરનું મનોબળ ભાંગી પડ્યું હતું. આવા પરાક્રમને કારણે વૈદ્યને બે મહાવીર ચક્રો અને પરમ વિશિષ્ટ સેવા મેડલ(PVSM)થી અલંકૃત કરવામાં આવ્યા હતા. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધવેળાએ પ્રધાનમત્રી ઇંદિરા ગાંધીની રાજકીય કુનેહ, ભારતના લશ્કરના તત્કાલીન વડા જનરલ (પાછળથી ફીલ્ડ-માર્શલ) સૅમ માણેકશાની યુદ્ધને લગતી વ્યૂહરચના તથા પૂર્વી પાંખના વડા લેફ્ટેનન્ટ જનરલ જે. એસ. અરોરાની રણનીતિ – આ ત્રણેય સફળ નીવડ્યાં હતાં, જેને કારણે પાકિસ્તાનના વિચ્છેદમાંથી એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશનો ઉદય થયો હતો. આ દાખલો બતાવે છે કે કોઈ પણ યુદ્ધ નિર્ણાયક રીતે જીતવું હોય તો તેમાં દેશની રાજકીય પાંખ તથા લશ્કરની વ્યૂહરચના અને રણનીતિ વચ્ચે સમન્વય અત્યંત જરૂરી હોય છે. ત્યારબાદ વર્ષ 1999માં કારગીલ યુદ્ધ વખતે ભારત રાજકીય થાપ ખાઈ ગયું હતું. એક તરફ તત્કાલીન પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય લોકશાહી મોરચાની ભારત સરકાર પાકિસ્તાન સાથે મિત્રતાનાં પગલાં લેવામાં વ્યસ્ત હતી ત્યારે પાકિસ્તાને છદ્મ રીતે કારગીલ વિસ્તારમાં યુદ્ધની તૈયારી કરી હતી. તેમ છતાં આ યુદ્ધમાં પણ ભારતની લશ્કરી વ્યૂહરચના અને રણનીતિ સફળ નીવડ્યાં હતાં અને ભારતના લશ્કરના હાથે ત્રીજી વાર પાકિસ્તાનને પરાજય સ્વીકારવો પડ્યો હતો.
ઉપર ઉલ્લેખિત દેશવિદેશના રાજકીય અને લશ્કરી નેતાઓ દ્વારા જે તે સમયમાં ઘડી કાઢવામાં આવેલી વ્યૂહરચના તથા રણમેદાન પર તેના થયેલ અમલમાં ઘણો જ તફાવત છે તે સ્વીકારવું પડશે. આ તફાવત માટે જે તે યુદ્ધનું સ્વરૂપ, જે તે સમયની રાજકીય પરિસ્થિતિ, જે તે યુદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવેલાં સાધનો અને શસ્ત્રોનું સ્વરૂપ, દરેક યુદ્ધભૂમિની લાક્ષણિકતા, દેશના આર્થિક અને ઔદ્યોગિક વિકાસનું સ્તર, પ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં હાંસલ કરવામાં આવેલ પ્રગતિનું સ્તર જેવી અનેક બાબતો જવાબદાર ગણાય. બ્રિટિશ સેનાપતિ મેજર જનરલ (સર) ફ્રેડરિક મૉરિસ તેના ‘બ્રિટિશ સ્ટ્રૅટિજી’(1929)માં કહે છે તે મુજબ વિશાળ અર્થમાં વ્યૂહરચના એ એક એવી કલા છે, જેના દ્વારા યુદ્ધના અંતિમ લક્ષ્યને હાંસલ કરવા માટે સમગ્ર રાષ્ટ્રની શક્તિનો ઉપયોગ અનિવાર્ય બને છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે