વ્યુત્પત્તિવિચાર (1975)

January, 2006

વ્યુત્પત્તિવિચાર (1975) : ગુજરાતી ભાષાવિજ્ઞાનક્ષેત્રે ડૉ. હરિવલ્લભ ભાયાણીના શ્રેષ્ઠ પ્રદાનરૂપ ગ્રંથ. ગુજરાતીમાં કાલક્રમે આવેલાં પરિવર્તનોનું અધ્યયન ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી આરંભાયું. એ સાથે ગુજરાતી શબ્દોની વ્યુત્પત્તિઓ અને ઇતિહાસને લગતી શાસ્ત્રીય વિચારણાઓ પણ શરૂ થઈ. ગુજરાતીમાં શબ્દોનાં મૂળ અને કુળ તેમજ ઇતિહાસની ગંભીર ભાવે તપાસ કરવાની પ્રવૃત્તિ વ્રજલાલ કા. શાસ્ત્રીના ‘ઉત્સર્ગમાળાથી’ આરંભાઈ. ત્યારબાદ તેસ્સિતોરી, નરસિંહરાવ દિવેટિયા, કેશવ હર્ષદ ધ્રુવ, કે. કા. શાસ્ત્રી, ટી. એન. દવે, ભોગીલાલ સાંડેસરા, પ્રબોધભાઈ પંડિત જેવા વિદ્વાનોએ પણ એવી પ્રવૃત્તિ ચાલુ રાખી.

છેલ્લાં પચાસેક વર્ષોમાં ભાષાવિજ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી રહી અને એ ક્ષેત્રે કેટલીક ઉત્તમ કામગીરી પણ થઈ. ડૉ. હરિવલ્લભ ભાયાણી સતત નવી નવી વિચારણાઓના સંપર્કમાં રહ્યા અને એમણે વૈજ્ઞાનિક પદ્ધતિએ વ્યુત્પત્તિ આપવાનું શરૂ કર્યું. ભાષાના ઐતિહાસિક અભ્યાસમાં જે ક્ષમતા હતી એને પૂરબહારમાં ખોલી આપવાનું કામ કર્યું. ભાષાઓના પ્રાચીન સ્વરૂપની વિપુલ સામગ્રીસાહિત્ય જળવાયેલું તો હતું જ, પણ સમગ્રપણે ભાષાનો એના શબ્દોનો વિકાસક્રમ આલેખવાનું કામ બહુ થયું ન હતું. વ્યુત્પત્તિના ઇતિહાસની વ્યવસ્થિત અધ્યયનની શક્યતા જણાતાં ડૉ. ભાયાણીએ એવું ભગીરથ કાર્ય આરંભ્યું અને એના ફલસ્વરૂપ આપણને ‘વ્યુત્પત્તિવિચાર’ નામે પુસ્તક મળ્યું.

પ્રસ્તુત પુસ્તક તૈયાર કરવાની પાછળ લેખકની દૃષ્ટિ તો આ વિષયમાં પ્રવેશ કરવા ઇચ્છનારને સહાયભૂત થવાની રહી છે, એથી પ્રારંભમાં એમણે ભાષાપરિવર્તનનું સામાન્ય સ્વરૂપ, ભાષાનો ઇતિહાસ અને સાંસ્કૃતિક ઇતિહાસ એ બધાંની જાણકારી આ વિષયમાં કેવી રીતે ઉપકારક છે તે દર્શાવ્યું છે. પછી, સંસ્કૃતથી ગુજરાતી સુધીમાં થયેલા શબ્દના ધ્વનિસ્વરૂપના પરિવર્તનની રૂપરેખા નિયમો રૂપે રજૂ કરી છે. આ માટે એમણે પુષ્કળ ઉદાહરણો આપ્યાં છે.

આમ તો, વ્યુત્પત્તિ વિશે એમની પૂર્વે ઘણીબધી ચર્ચાવિચારણાઓ થઈ છે, છતાં સર્વાંગ રૂપે એ અહીં પહેલી વાર રજૂ થઈ છે એમ કહેવામાં  અતિશયોક્તિ નહિ લાગે. આ રીતે જોઈએ તો ‘વ્યુત્પત્તિવિચાર’ એક સીમાચિહ્નરૂપ કૃતિ ગણાય. ભાષાના ઇતિહાસના પ્રત્યેક અભ્યાસીને આ પુસ્તક કોઈ ને કોઈ રીતે માર્ગદર્શન આપતું રહેશે. એટલું નહિ, અભ્યાસની અવનવી દિશાઓ પણ ચીંધતું રહેશે.

ભાષાના ઇતિહાસને તપાસવાનો એકમ ડૉ. ભાયાણીના મતે ‘શબ્દ’ છે. એટલે અમુક શબ્દ કઈ રીતે બનેલો છે, તેમાં મૂળધાતુ કે પ્રકૃતિ કઈ છે અને કયા પ્રત્યય વગેરે લાગીને તે શબ્દ સિદ્ધ થયો છે તેનો વિચાર ‘વ્યુત્પત્તિ’ કરે છે. આથી ‘વ્યુત્પત્તિ’ એટલે શું તે સમજાવતાં તેઓ કહે છે :

‘‘વ્યુત્પત્તિ શબ્દનાં બધાં પાસાંનો ક્રમિક વિકાસ તપાસે છે. ઉચ્ચારણ, બંધારણ, અર્થ, વ્યાકરણી મોભો કે વર્ગ, પ્રચલન, સામાજિક મોભો વગેરે વગેરે.’’ આપણે વ્યુત્પત્તિને તેના મર્યાદિત અર્થમાં નહિ, પણ ‘શબ્દનો ઇતિહાસ’ એવા અર્થમાં વાપરીએ છીએ. અત્યારે ‘વ્યુત્પત્તિ’ શબ્દ એક પારિભાષિક સંજ્ઞા તરીકે, અંગ્રેજી શબ્દ Etymologyના પર્યાય તરીકે રૂઢ થયેલો છે. શબ્દની Etymology એટલે એના અર્થનો ખરો વૃત્તાંત. આજનું વ્યુત્પત્તિવિજ્ઞાન પશ્ચિમમાં ઉદ્ભવેલી ઐતિહાસિક દૃષ્ટિનું પરિણામ છે.

ઐતિહાસિક ક્રમવિકાસની દૃષ્ટિએ ભાષાનું અધ્યયન કરવાનો એક પ્રબળ પુરુષાર્થ ‘વ્યુત્પત્તિવિચાર’માં દેખાય છે. ભાષામાં સતત ફેરફાર થતો રહે છે અને સમયના પ્રવાહ સાથે ઉચ્ચારણ, વ્યાકરણ, શબ્દસમૂહ અને શબ્દાર્થ બધું જ ઓછેવત્તે અંશે બદલાતું રહે છે. ભાષામાં થતું આ ક્રમિક પરિવર્તન ગમેતેમ કે સ્વૈરપણે થતું હોતું નથી, પણ મહદંશે તે નિયમબદ્ધ હોય છે. એટલે કે થયેલા ફેરફારોમાં અમુક વ્યવસ્થા હોય છે, વ્યાપકતા હોય છે, અમુક સળંગસૂત્રતા અને દિશા પણ હોય છે.’ પ્રાપ્ત થયેલી આ નવી સૂઝસમજનું પરિણામ તે આ પુસ્તક.

શબ્દના ઇતિહાસને સમજવા મુખ્યત્વે કયા આધાર જોઈએ તે અંગે એમણે વાત કરી છે : (1) પ્રાચીન સાહિત્યની સામગ્રી, (2) શિલાલેખો, તામ્રપત્રો અને સિક્કાઓ પર મળતી લેખી સામ્રગી, (3) ભગિની ભાષાઓની મદદ, (4) બોલીઓની સામગ્રી. અલબત્ત, આ બધાંમાં પ્રમુખ આધાર તો પ્રાચીન સાહિત્યની સામગ્રી જ છે. એ સામગ્રીની વાસ્તવિકતા સ્પષ્ટ કરતાં તેઓ લખે છે : ‘ભાષાનાં પૂર્વસ્વરૂપોના નમૂના જેટલા વિપુલ અને જેટલે અંશે પ્રતિનિધિરૂપ હોય, તથા એને લગતી વ્યાકરણ, વૃત્તાંત વગેરે રૂપે રહેલી ને આનુષંગિક પુરાવા તરીકે કામમાં આવે તેવી સામગ્રી જેટલે અંશે પ્રમાણભૂત અને સમીક્ષિત હોય તેટલે અંશે ભાષાની પૂર્વભૂમિકાઓનો કડીબદ્ધ ઇતિહાસ રચી શકાય.’ આ અને આવી બીજી કેટલીક મર્યાદાઓ છતાં ડૉ. ભયાણીએ પોતાનું લક્ષ્ય પાર પાડ્યું છે.

પુસ્તકનું સૌથી નોંધપાત્ર પાસું એની સામગ્રી છે. પ્રાપ્ય સામગ્રીને વૈજ્ઞાનિક ઢબે ચકાસીને ડૉ. ભાયાણી જે તારણો ઉપર પહોંચ્યા છે એની વ્યવસ્થિત અને ઉદાહરણપ્રચુર માહિતી આપી છે. ડૉ. ભાયાણી માત્ર ભરપૂર સામગ્રી આપીને જ અટકી ગયા નથી પણ એક વૈજ્ઞાનિક દૃષ્ટિનો પરિચય પણ આપી ગયા છે. એમની પાસે સંશોધનની જે શિક્ષા છે એનો પૂરેપૂરો ઉપયોગ અહીં થયો છે. ‘વ્યુત્પત્તિવિચાર’માં એના અનુભવમાંથી ઊતરી આવેલાં કેટલાંક તારણો ભાષાવિજ્ઞાનક્ષેત્રે કામ કરનારને કેડી ચીંધવાનું કામ કરશે.

‘વ્યુત્પત્તિવિચાર’માં ડૉ. ભાયાણીની વિચારણા ચાર ખંડમાં પ્રસ્તુત છે. પહેલા ખંડમાં સામાન્ય વિચારણા છે. એમાં વ્યુત્પત્તિ એટલે શું ? એને માટે કેવી આધારસામગ્રી છે તે; આધારસામગ્રીમાં દેખાતી મર્યાદાઓ; જગતનાં ભાષાકુળો; ભારત-યુરોપીય ભાષાકુળ, ભારતીય આર્યનો વિકાસક્રમ વગેરે દર્શાવી ભાષાકીય પરિવર્તનનાં વિવિધ પાસાંઓની ચર્ચા કરી છે. એમાં શબ્દના ધ્વનિસ્વરૂપમાં પરિવર્તન, વ્યાપક તેમજ મર્યાદિત બંને પ્રકારનાં પરિવર્તનોની ચર્ચા; પરિવર્તનનાં કારણો અને પ્રકારોની સુપેરે ચર્ચા થઈ છે.

બીજા ખંડમાં ભાષાપરિવર્તન ખાસ કરીને ધ્વનિપરિવર્તનોની ચર્ચા છે. પરિવર્તનનું પરિણામ જે બાબતો ઉપર આધાર રાખે છે તે દર્શાવતાં કહ્યું છે : ‘ધ્વનિપરિવર્તનમાં મુખ્યત્વે બે બાબતો ઉપર આધાર છે. 1. વર્ણનું ધ્વનિસ્વરૂપ; 2. વર્ણનું શબ્દમાં સ્થાન (આદ્ય, મધ્ય કે અંત્ય), અને એની આગળપાછળના વર્ણો. આટલું દર્શાવી તેઓ ધ્વનિપરિવર્તનોની ચર્ચા નીચેની રીતે વિભાગવાર કરે છે.

(1) પ્રાચીન ભારતીય આર્ય અર્થાત્ સંસ્કૃતથી મધ્યમ ભારતીય આર્ય અર્થાત્ અપભ્રંશ સુધી.

(2) મધ્યમ ભારતીય આર્ય અર્થાત્ અપભ્રંશથી અર્વાચીન ભારતીય આર્ય અર્થાત્ ગુજરાતી સુધી

(3) એની પણ ચર્ચા કરતાં (ક) સ્વરોમાં આવેલાં પરિવર્તનો કે (ખ) વ્યંજનોમાં આવેલાં પરિવર્તનોની પણ પૃથક પૃથક્ ચર્ચા કરે છે અને ફલસ્વરૂપ પહેલી ભૂમિકાનાં 99 અને બીજી ભૂમિકાનાં 36 જેટલાં પરિવર્તનોની ચર્ચા કરે છે; એટલું જ નહિ, સંસ્કૃતમાંથી સ્વીકૃત શબ્દોમાં થયેલા ફેરફારો પણ તપાસે છે.

ત્રીજા ખંડમાં ‘કેટલીક વ્યુત્પત્તિનોંધો’ છે. અહીં વિવિધ સામયિકોમાં પ્રગટ થયેલી છૂટક શબ્દોની વ્યુત્પત્તિચર્ચા છે. આ બધી નોંધો ભવિષ્યમાં શબ્દકોશની રચનામાં ઉપયોગી નીવડે એવી છે.

ચોથા ખંડમાં એમણે (1) ભાષાવિજ્ઞાન અને વ્યુત્પત્તિવિજ્ઞાન, (2) પ્રાચીન વ્યુત્પત્તિ, (3) ગુજરાતી વ્યુત્પત્તિ અને (4) કર્તવ્ય કાર્ય અંગે પણ સમર્થ ચર્ચા કરી છે અને કહ્યું છે : ‘માન્ય ગુજરાતી સિત્તેરથી પંચોતેર હજાર શબ્દો ધરાવે છે. આમાંના ચાળીશથી પિસ્તાળીશ ટકા શબ્દો સંસ્કૃતમાંથી તથા ફારસી, અંગ્રેજી વગેરે ભાષાઓના છે. એમને ગૌણ ગણીએ તો પંચાવનથી સાઠ ટકા શબ્દનો ઇતિહાસ તૈયાર કરવો એ ગુજરાતી વ્યુત્પત્તિનું મુખ્ય કાર્યક્ષેત્ર છે.’

‘દેખીતી રીતે આ એક ભગીરથ કાર્ય છે, છતાં પ્રયાસ કરીએ તો ટૂંક સમયમાં તે પાર ન પડે એવું નથી.’ ડૉ. ભાયાણીનું આ કાર્ય આગળ ધપાવવું એ આ ક્ષેત્રના અભ્યાસીઓ માટે પડકારરૂપ બાબત છે.

યોગેન્દ્ર વ્યાસ

ત્રિકમભાઈ પટેલ