વ્યાસ, શ્રીધર (ઈ. સ. 1398માં હયાત) : ઈડરનો રાજકવિ. રાવ રણમલ(શાસનકાળ  1346થી 1404)નાં પરાક્રમોની પ્રશસ્તિ શ્રીધર વ્યાસે તે ગાળામાં રચેલા અવહઠ્ઠમિશ્રિત (ડિંગળીમિશ્ર) મધ્યકાલીન ગુજરાતીના ‘રણમલ્લ છંદ’(ઈ. સ. 1398)માં ગાઈ છે. તેમાં ઈડરના રાજા રણમલે ગુજરાતના સમકાલીન સૂબા ઝફરખાન ફારસી (1362-1371), તેના અનુગામી શમ્સુદ્દીન અબુ રિજા (1372-74), તેના અનુગામી શમ્સુદ્દીન દામગાની (1374-1380) અને તેના અનુગામી મલિક મુહર્રફ સુલતાની (ફર્હતુલ્મુલ્ક) (1380-88)  આ ચારે સરદારો સાથે લડાઈ કરી હોવાનું જણાવ્યું છે. તેમાં તેણે મલિક મુહર્રફને તો સખત પરાજય આપ્યો હતો. મલિક મુહર્રફે રાવ રણમલ પાસે ખંડણીની માંગણી કરી અને રાવે ખંડણી આપવાનો ઇન્કાર કર્યો. તેથી મુહર્રફે ઈડર ઉપર ચડાઈ કરી. તેમાં રણમલે તેને ભારે શિકસ્ત આપી હતી. એના 17 હજાર સૈનિકો માર્યા ગયા. શ્રીધર વ્યાસે ‘રણમલ્લ છંદ’માં આ ઘટના વર્ણવી છે.

તેણે માર્કંડેય પુરાણના દેવીચરિત્ર અથવા ચંડી આખ્યાનના આધારે ‘ભગવતી ભાગવત’ કિંવા ‘ઈશ્વરી છંદ’ની રચના પણ કરી છે. આ બીજી રચનામાં જાણીતા ચંડીપાઠની કથા વર્ણવે છે. તેમણે ‘ભાગવતદશમસ્કંધ’ કિંવા ‘કવિતાભાગવત’ની રચના પણ કરી છે, જે અધૂરી છે.

જયકુમાર ર. શુક્લ