વ્યાસ, રજની કૃષ્ણલાલ (જ. 23 સપ્ટેમ્બર 1938, ભરૂચ; અ. 22 ઑગસ્ટ, 2018 અમદાવાદ) : જ્ઞાન-વિજ્ઞાનનાં પુસ્તકોના ચિત્રકાર, લેખક, સંપાદક, ચરિત્રકાર પત્રકાર. શાળાકીય અભ્યાસ ભરૂચમાં કર્યો હતો. બી.એ. ખાલસા કૉલેજ, મુંબઈ. જી.ડી.સી.એ. સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટ, મુંબઈમાં કલાની તાલીમ લીધી હતી. કૉલેજમાં અભ્યાસ કરતાં કરતાં મુંબઈના ગુજરાતી દૈનિક ‘વંદે માતરમ્’, અંગ્રેજી સાપ્તાહિકો ‘બ્લિટ્ઝ’ અને ‘કરંટ’, હિન્દી સાપ્તાહિક ‘ધર્મયુગ’ તેમજ ગુજરાતી સાપ્તાહિકો ‘ચિત્રપટ’ અને ‘ચિત્રલેખા’માં ક્રમશ: ચિત્રકાર તરીકેની કારકિર્દી શરૂ થઈ ગયેલી. મુંબઈ નિવાસ દરમિયાન ભીખુભાઈ આચાર્ય સાથે મુંબઈના ફિલ્મ સ્ટુડિયોમાં તેમની કલાદિગ્દર્શનની કામગીરીમાં મદદનીશ તરીકે અનુભવ લીધો હતો.
અમદાવાદમાં ‘ગુજરાત સમાચાર’માં જોડાયા. જયભિખ્ખુ દ્વારા ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયના પ્રકાશન માટે પહેલું મુખપૃષ્ઠ ચિત્ર બનાવ્યું. એ પછી ‘સંદેશ’, ‘સમભાવ’, ‘દિવ્યભાસ્કર’ જેવાં અખબારોમાં કામ કર્યું. ઉપરાંત બહુઆયામી રસરુચિના કારણે લેખન ઉપરાંત એમણે ‘વિજ્ઞાનબંધુ’, ‘બુલબુલ’, ‘રમકડું’ અને ‘આજકાલ’ જેવાં સામયિકોનું સંપાદન પણ કરેલું.
2006 તેઓ ‘ગુજરાત સમાચાર’ દૈનિક સાથે સંકળાયેલા. વર્ષોથી તેમની કૉલમો પૂર્તિઓમાં પ્રગટ થતી હતી.
એમનાં દોઢસોથી વધુ પ્રકાશનોમાં બાળસાહિત્યનાં રંગીન પુસ્તકોના આલેખનમાં સંખ્યા અને ગુણવત્તા ઘણી ઊંચી રહી હતી.
એમણે ગુજરાતી ઉપરાંત અંગ્રેજી ભાષામાં ‘ગુજરાતની અસ્મિતા’ તથા ‘વિશ્વજ્ઞાનકોશ’, ‘111 ગરવા ગુજરાતીઓ’ અને ‘2000 મિલેનિયમ ફ્લેશબેક’ જેવા સચિત્ર ગ્રંથો આપ્યાં છે.
તેમને સર્જકકાર્ય માટે એક આંતરરાષ્ટ્રીય (1979) અને બે નૅશનલ ઍવૉર્ડ (1980, 1984) તથા ગુજરાત રાજ્યના ત્રણ પુરસ્કારો (1985, 1990, 1992) પ્રાપ્ત થયા હતા. શ્રેષ્ઠ કૉલમલેખન માટે ગુજરાત રાજ્ય તરફથી તેમને ખાસ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
1988માં બ્રિટન તેમજ યુરોપનો વિસ્તૃત પ્રવાસ કર્યો હતો. ગુજરાતી સાહિત્યકારોનાં જીવન અને કવન વિશે ‘સરસ્વતીને તીરે તીરે’ એક વીડિયો ડોક્યુમેન્ટરી પણ તેમણે બનાવી હતી. 1996માં ‘ધ ગુજરાતી લિટરરી એકૅડેમી ઑફ નૉર્થ અમેરિકા’ તેમજ કૅનેડાની સાહિત્ય અને સાંસ્કૃતિક સંસ્થાઓ તરફથી આમંત્રણ મળતાં તેમણે અમેરિકા, કૅનેડા તેમજ લંડનનો પ્રવાસ કર્યો હતો. ત્યાં તેમણે ગુજરાતી સાહિત્યની અને સંસ્કૃતિવિષયક ‘ગુણિયલ ગુર્જર દેશ’ નામે એક વીડિયો ડોક્યુમેન્ટરી દર્શાવી હતી તેમજ સંસ્કૃતિવિષયક વ્યાખ્યાનો પણ કર્યાં હતાં.
નલિની દેસાઈ