વ્યાસ, રત્નાકર (. 2 જુલાઈ 1930, મુંબઈ; . 2003, મુંબઈ) : ભારતના જાણીતા સરોદવાદક. તેમના પિતા પંડિત શંકરરાવ વ્યાસ (1898-1956) સંગીતક્ષેત્રના શાસ્ત્રકાર તથા તેમના કાકા પંડિત નારાયણરાવ વ્યાસ (1902-19) ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વીસમી સદીના દિગ્ગજ ગાયકોમાં અગ્રણી ગણાતા હતા. રત્નાકરને શાસ્ત્રીય સંગીતની શિક્ષા બાલ્યાવસ્થાથી પિતા પાસેથી પ્રાપ્ત થઈ હતી અને તેમાં પરિવારના સંગીતમય વાતાવરણનો તેમને લાભ મળ્યો હતો. પિતા શાસ્ત્રકાર અને ગાયક હોવા ઉપરાંત ચલચિત્ર-ક્ષેત્રના સ્વરનિયોજક પણ હતા. તેથી શરૂઆતમાં યુવા-અવસ્થામાં ભારતીય ચલચિત્રોના સંગીતવાદકોમાં રત્નાકર વ્યાસ વાયોલિન અને સિતાર જેવાં વાદ્યો વગાડતા. સાથોસાથ શાસ્ત્રીય સંગીતની ગાયનની તાલીમ પણ પિતાના માર્ગદર્શન હેઠળ લેતા રહ્યા. ડિસેમ્બર, 1950માં મુંબઈમાં વિખ્યાત સરોદવાદક ઉસ્તાદ અલીઅકબરખાં સાહેબનો સરોદવાદનનો જાહેર કાર્યક્રમ આયોજિત થયો હતો, જેમાં રત્નાકર વ્યાસ શ્રોતા તરીકે હાજર હતા. આ કાર્યક્રમમાં રજૂ થયેલ ઉસ્તાદ અલીઅકબરખાંસાહેબના સરોદવાદનનો તેમના પર એટલો બધો પ્રભાવ પડ્યો કે ત્યારબાદ રત્નાકર વ્યાસે ગાયનને બદલે સરોદવાદનને પોતાનું મુખ્ય લક્ષ્ય બનાવ્યું. સરોદવાદનની તાલીમમાં તેમણે ગાયકી અંગને પ્રાધાન્ય આપ્યું, જે તેમના વાદનની વિશેષતા રહી હતી.

રત્નાકર વ્યાસનો સરોદવાદનનો પ્રથમ જાહેર કાર્યક્રમ 1954માં મુંબઈમાં આયોજિત થયો હતો. ત્યારબાદ તેમણે સરોદ જેવા કઠિન વાદ્ય પર એટલું બધું પ્રભુત્વ મેળવી લીધું કે છેક અવસાન સુધી તેઓ ભારતના એક અગ્રણી સરોદ્બાજ ગણાતા રહ્યા. તેમના વાદન પર ઉસ્તાદ અલીઅકબરખાંની સ્પષ્ટ અસર હોવા છતાં અમુક અંશે તેમણે સરોદવાદનની પોતાની સ્વતંત્ર તકનીક વિકસાવી હતી. આકાશવાણી તથા દૂરદર્શન ઉપરાંત દેશના જુદાં જુદાં નગરોમાં તેમના જાહેર કાર્યક્રમો સતત થતા રહ્યા હતા.

ગાંધર્વ મહાવિદ્યાલયની કારોબારીના સભ્ય તરીકે પણ તેમની સેવાઓ પ્રશંસાને પાત્ર રહી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે